કચ્છ
આદિપુરમાં બનેવીએ કુહાડાના ઘા ઝીંકી સાળાને રહેંસી નાખ્યો
ઘરકંકાસ બાદ પત્ની રિસામણે ચાલી જતાં સાળા-બનેવી વચ્ચે બોલાચાલી થઈ હતી: મધરાત્રે નિંદ્રાધીન સાળાને કુહાડીના ઘા ઝીંકી માથું ફાડી નાખ્યું: આરોપીને સકંજામાં લેવા તજવીજ
આદિપુરમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં ઘરકંકાસ અંતે હત્યામાં પરિણમ્યો હતો. પત્ની રિસાઈને પિયર ચાલી જતાં સાળા-બનેવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેથી ઉશ્કેરાયેલા બનેવીએ સાળાને કુહાડાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સમગ્ર ઘટનાને પગલે ઘર લોહીથી લથપથ થઈ ગયું હતું. પોલીસે આ અંગે તપાસ ચલાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
આદિપુરના ચારવાળી વિસ્તારમાં રહેતા પરેશભાઈ મોહનભાઈ મહેશ્વરી ગત રાત્રિના અરસામાં તેઓ જ્યારે ઘરે હતા ત્યારે ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા તેમના બનેવી ભાણજી નારાયણ ધુવા ઘરે આવ્યા હતા. ત્યારે મૃતકનાં બહેન મૃતકના ઘરે રિસામણે હોવાથી સાળા અને બનેવી વચ્ચે બોલાચાલી થઈ હતી. એ દરમિયાન મૃતકના બનેવીએ કુહાડાનો ઘા મારી સાળાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આદિપુરની સરકારી હોસ્પિટલ રામબાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પોલીસે હત્યાની નોંધ લઈ ગુનો નોંધવાની અને આરોપીને અટક કરવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આદિપુરમાં મધરાત્રે બનેવીએ જ નિદ્રાધીન સાળાના માથામાં કુહાડી ઝીંકી માથું ફાડી નાખીને ઘાતકી હત્યા કરી છે. બનાવના પગલે દોડતી થયેલી પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઘરકંકાસમાં પત્ની છ માસથી રિસામણે બેઠી હતી. તેની અદાવતમાં ઉશ્કેરાયેલા પતિએ સાળાની હત્યા કરી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. મૃતક પરેશ મોહનભાઈ ચુણા (મહેશ્વરી) (ઉં.વ. 21) આદિપુર ચારવાળીમાં ભાડાના મકાનમાં પત્ની સાથે રહેતો હતો.
પરેશ શાકભાજીનો વ્યવસાય કરતો હતો અને તેનાં માતા-પિતા અને બે ભાઈ નજીકની બારવાળીમાં રહે છે. પરેશની મોટી બહેન જમનાના લગ્ન મૂળ મથડાના વતની અને હાલે ગાંધીધામ સુંદરપુરી નવરાત્રિ ચોકમાં રહેતા ભાણજી નારાણભાઈ ધુવા સાથે 17 વર્ષ અગાઉ થયા હતા. ભાણજી જોડે ઘરકંકાસ રહેતો હોઈ જમના છેલ્લા છ માસથી રિસામણે માવતરે બેઠી હતી. ગત રાત્રે મરણ જનાર પરેશ જમી પરવારીને પત્ની જોડે આંગણામાં જમીન પર સૂતો હતો, મધરાત્રે ત્રણ-સવાત્રણના અરસામાં વંડી ટપીને ભાણજી અંદર ઘૂસ્યો હતો અને નિદ્રાધીન પરેશના માથામાં કુહાડી ઝીંકી તેનું માથું ફાડી નાખ્યું હતું.
બનાવ સમયે પરેશની પત્ની અનામિકા જાગી જતાં ભાણજીએ તેના બીજા હાથમાં રહેલી છરી બતાડી તેને ધમકી આપી હતી કે હવે તને પણ મારી નાખીશ અને બીજા ત્રણને પણ મારી નાખીશ. ત્યાર બાદ તે દીવાલ કૂદીને નાસી ગયો હતો. બનાવના પગલે અનામિકાએ તરત બાજુમાં રહેતાં સાસુ-સસરાને જાણ કરી હતી. પરિવારજનો ગંભીર હાલતમાં રહેલા પરેશને 108 મારફત રામબાગ હોસ્પિટલે લઈ ગયા હતા, પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે આદિપુર પીએસઆઈ ભાવેશ ડાંગરે ભાણજી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આદિપુર વિસ્તારમાં ઠેર-ઠેર દેશી વિદેશી દારૂૂના અડ્ડા ધમધમી રહ્યા છે, જેને લીધે શૈક્ષણિક નગરી આદિપુરમાં યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે. થોડા દિવસો પહેલાં જ આદિપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના શીણાય ગામ નજીક દેશી દારૂૂના અડ્ડા પર દારૂૂ પીને નર્મદા કેનાલમાં પડી જતાં યુવાનનું મોત નીપજ્યું હતું. પૂર્વ કચ્છ એસ.પી. દ્વારા આદિપુર વિસ્તારમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાય એવી લોકમાગ ઊઠી રહી છે.
કચ્છ
કચ્છના કોટડા જરોદર ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરી મૂર્તિ ખંડિત કરાતા તંગદિલી
શાળામાં ભણતા બાળકો દ્વારા આચરવામાં આવેલ કૃત્ય, મંદિર ઉપર વિધર્મીઓએ ઝંડા લગાડી દીધા
કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જરોદર ગામે ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરી મુર્તિ ખંડીત કર્યાની ઘટનાથી તંગદીલી ફેલાઈ ગઈ હતી. જેને પગલે નખત્રાણા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં શાળામાં ભણતા બાળકોએ આ કૃત્ય કર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જે મંદિરમાં ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી તે મંદિર ઉપર વિધર્મીઓએ પોતાના ઝંડા લગાડી દીધા હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ ઘટનાને લઈને કચ્છના નખત્રાણા પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. સુરતની ઘટના બાદ કચ્છમાં બનેલ આ ઘટનાથી તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ગ્રામજનો દ્વારા પોલીસે આ મામલાને દબાવી રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જરોદર ગામે સ્થાપિત ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમજ ગણપતિની મૂર્તિ ખંડીત કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં નખત્રાણા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ મામલામાં શાળાના બાળકોએ પથ્થરમારો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે પોલીસ તપાસ દરમિયાન આ પ્રકરણમાં પ્રથમ બાળકોના નામ આવ્યા બાદ પથ્થરમારો કરનાર આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતાં અને 12 જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.
નખત્રાણા તાલુકાના કોટડા જરોદર ગામે મંદિરમાં વિધર્મીઓએ ઝંડા ફરકાવી દીધા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. આ મામલાને લઈને પોલીસે પણ કડક વલણ અપનાવવાના બદલે મામલો રફેદફે કરવા ગ્રામજનો પર દબાણ લાવ્યું હોય આ મામલે હિન્દુ સંગઠનોએ તાત્કાલીક ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરતાં આ ગંભીર બનાવમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં ભરવા આઈ.જી અને જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સંવેદનશીલ ઘટનામાં પોલીસે કલાકો સુધી ફરિયાદ લેવાના બદલે મામલો રફેદફે કરવાનું કૃત્ય કર્યુ હોય જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે સુરતની ઘટના બાદ રાજ્યભરમાં ગણેશ પંડાલોમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા આપવા માટે રાજ્ય પોલીસ વડાએ પણ તાકીદ કરી છે ત્યારે આ બનાવમાં પોલીસની ભુમિકા ઉપર અનેક પ્રશ્ર્નો ઉભા થયા છે.
કચ્છ
કચ્છની પાલારા જેલમાં પોક્સોના આરોપીનો ગળેફાંસો ખાઈ આપઘાત
ખાવડા માર્ગે આવેલી પાલારા-ભુજ જિલ્લા ખાસ જેલમાં પોક્સો સબબ કેસમાં પકડાયેલા આરોપી 22 વર્ષીય મોહિત ભરતભાઈ સુરેલા (મૂળ રહે. વીરવિદાર્કા, તા. માળિયા-મિયાંણા, જિ. મોરબી)એ તા. 9/9ના બપોરે પોતાની બેરેકના બાથરૂૂમની આડીમાં લૂંગી જેવું વત્ર બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવ બાબતે બી-ડિવિઝન પોલીસ અને જેલ અધીક્ષક ડી.એમ. ગોહેલે જણાવ્યું હતું કે, મૂળ મોરબી જિલ્લાના માળિયા-મિયાણા તાલુકાના વીરવિદાર્કા ગામનો વતની મોહિત ભરતભાઈ સુરેલાનું પોલીસે તા. 6/6/2024ના સગીરાના બળાત્કારના ગુનામાં પકડાયા પછી તેના પર પોક્સો સહિતની આઈપીસી કલમ 363, 366, 376 (2) (એન) આરોપી બનાવી ટંકારા પોલીસ સ્ટેશને ગુના નોંધીને મોરબી જેલમાં મોકલી દીધો હતો.
મોરબી જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદી હોવાના કારણે આ આરોપીને તા. 4/8/2024થી ભુજ બદલી કરાયો હતો. આરોપીએ બપોરે પોતાની બહેન સાથે જેલના નિયમ પ્રમાણે મળતી ટેલિફોન સુવિધાથી વાતચીત કરીને પરત બેરેકમાં આવીને સીધો બાથરૂૂમમાં ચાલ્યો ગયો હતો, તેવું બેરેકના અન્ય કેદીઓએ જવાબદાર અધિકારીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત જેલમાં લાગેલા સીસીટીવીના ફૂટેજમાં કેદી બાથરૂૂમમાં જાય છે, તે પણ દેખાય છે.
બહેન સાથેની ટેલિફોનિક વાતચીતના રેકોર્ડિંગની તપાસ કરાઈ રહી છે, હજુ સુધી કોઈ પણ વાંધાજનક લખાણ કે ચીઠ્ઠી મળી ન હોવાનું જેલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. પોલીસ અને પોસ્ટમોર્ટમ સહિતને કાર્યવાહી કરાયા પછી મૃતદેહ વતન મોકલવાની તજવીજ કરાઈ હતી. બે વર્ષ પહેલાં પાલારા જેલમાં આવી જ રીતે કેદીના આત્મઘાતના બનાવ બાદ ફરી જેલમાં આ ઘટનાની ચકચાર મચી ગઈ હતી.
કચ્છ
ભેદી રોગચાળાના પગલે કચ્છ દોડી જતાં આરોગ્ય મંત્રી
કચ્છના લખપત અને અબડાસા પંથકમાં ભેદી રોગચાળાએ 16 લોકોના ભોગ લેતાં ગતરાત્રે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારીમંત્રી તાબડતોબ કચ્છ પહોંચ્યા છે.
કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા માટે કચ્છના ભુજ ખાતે પહોંચેલા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી પ્રવર્તમાન સ્થિતિની પ્રાથમિક વિગતો મેળવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ સામે આવતા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા તત્કાલીન પગલાઓ વિશે જાણકારી મેળવી હતી.
આ ઉપરાંત, આરોગ્ય મંત્રીએ જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ વિશે ખ્યાલ મેળવીને વહીવટી તંત્રને રોગ અટકાયતી પગલાં લેવા અંગે જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસ સામે આવતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને રોગ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. શંકાસ્પદ તાવના કેસ જોવા મળ્યા તે તમામ વિસ્તારોમાં હેલ્થ વિભાગની ટીમે સેમ્પલ લઈને દવાઓના છંટકાવ સહિતની કામગીરી કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલમાલી અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી જિજ્ઞા ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય મંત્રીને પ્રવર્તમાન આરોગ્યની સ્થિતિ અંગે પ્રાથમિક જાણકારી આપી હતી.
-
ગુજરાત2 days ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
કચ્છ2 days ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ
-
કચ્છ2 days ago
ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત
-
ગુજરાત22 hours ago
કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ
-
ગુજરાત22 hours ago
ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ
-
Sports2 days ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
રાષ્ટ્રીય1 day ago
દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય