84 કડવા પાટીદાર સમાજ દ્વારા યોજાયું ‘પાઘડીની લાજ’ સંમેલન, 3000 મહિલાઓ જોડાઇ
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામે એક મોટું સામાજિક પરિવર્તન લાવનારું દૃશ્ય જોવા મળ્યુ હતું. ‘પાઘડીની લાજ’ના નામે યોજાયેલુ આ સંમેલન માત્ર એક મેળાવડો બનીને ન રહેતા, સમાજની દીકરીઓ અને મહિલાઓની જાગૃતિ માટેનું એક મજબૂત મંચ સાબિત થયું હતું.
મણિયારી ખાતે આયોજિત આ સંમેલનમાં 84 પાટીદાર સમાજની આશરે 3000થી વધુ મહિલાઓ ઉમટી પડી હતી. સમાજમાં વધી રહેલા કૌટુંબિક પ્રશ્નો અને ખાસ કરીને યુવા પેઢીમાં જોવા મળતા પરિવર્તનોને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું. સંમેલનનો મુખ્ય સૂર એ હતો કે દીકરીઓ સમાજનું ગૌરવ છે અને તેમની સુરક્ષા તથા સમજણ એ સમાજની નૈતિક જવાબદારી છે.
આ સંમેલનનો સૌથી મહત્વનો અને સંવેદનશીલ મુદ્દો પ્રેમ લગ્ન કરીને કે અન્ય કારણોસર ઘરેથી ભાગી ગયેલી યુવતીઓનો હતો. સમાજમાં અનેક કિસ્સાઓ એવા બને છે જ્યાં દીકરીઓ આવેશમાં આવીને ભૂલ કરી બેસે છે, પરંતુ પાછળથી પસ્તાવો થવા છતાં ’સમાજ શું કહેશે?’ અથવા ’પિતાની પાઘડીની લાજ જશે’ એવા ડરથી ઘરે પરત ફરી શકતી નથી. 84 કડવા પાટીદાર સમાજે આ ડર દૂર કરવા માટે ’પાઘડીની લાજ’ નામની નવી પહેલ કરી છે. સમાજના અગ્રણીઓએ મંચ પરથી સ્પષ્ટ કર્યું કે, જો કોઈ દીકરી ભૂલ સમજીને પાછી આવવા માંગતી હોય, તો સમાજ તેને પૂરા સન્માન સાથે સ્વીકારશે.
સંમેલનમાં વક્તાઓએ ભાર મૂક્યો હતો કે, દીકરીઓને તેમની ભૂલ સમજાવીને માફ કરવી જોઈએ. સમાજનો ડર જે દીકરીઓને ભયભીત કરી રહ્યો છે, તેને દૂર કરીને પ્રેમ અને હૂંફ આપવી જોઈએ. જો દીકરીઓ પસ્તાવો કરીને પરત ફરવા ઈચ્છતી હોય, તો તેમના માતા-પિતા અને સમાજ તેને સન્માનજનક રીતે સ્થાપિત કરશે. આ નિર્ણયથી સમાજમાં એક સકારાત્મક સંદેશ ગયો છે કે પાઘડીની લાજ દીકરીને તરછોડવામાં નહીં, પણ તેને સાચી રાહ ચીંધવામાં છે.
આ સંમેલનની સફળતાને જોતા હવે પાટીદાર સમાજ દ્વારા ઠેર-ઠેર ’મા-દીકરી સંમેલન’ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા મહિલાઓમાં સામાજિક જાગૃતિ લાવવા અને પારિવારિક સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવશે. પાટણના આ સંમેલને સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજ માટે એક નવો રાહ ચીંધ્યો છે.

