Site icon Gujarat Mirror

31મી સુધીમાં મિલકતોનું પત્રક જમા નહીં કરાવો તો અટકી જશે પગાર

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગની રાજ્યના વર્ગ 1થી 3ના તમામ કર્મચારીઓને કડક સૂચના

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD ) દ્વારા રાજ્યના વર્ગ-1 થી 3 ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મિલકતોના વાર્ષિક પત્રક સંદર્ભે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. કેલેન્ડર વર્ષ 2025 દરમિયાનની પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકત દર્શાવતા પત્રકો આગામી 31 જાન્યુઆરી, 2026 સુધીમાં ઓનલાઇન જમા કરાવવા તાકીદ કરવામાં આવી છે.

રાજ્યના વહીવટી વિભાગના જણાવ્યા અનુસાર, તમામ કર્મચારીઓએ આ વિગતો તારીખ 1-1-2026 થી તારીખ 31-1-2026 સુધીમાં બનતી ત્વરાએ ’કર્મયોગી પોર્ટલ’ પર ઓનલાઇન જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે વિભાગ દ્વારા નિયત ફોર્મ અને માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.
ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો-1971ના નિયમ-19 હેઠળ આ જોગવાઈ કરવામાં આવેલી છે. જે મુજબ, દરેક કેલેન્ડર વર્ષ પૂરું થયા બાદ જાન્યુઆરી માસમાં મિલકતોનું પત્રક સરકારમાં જમા કરાવવું અનિવાર્ય છે.
તેમજ અગાઉ આ નિયમ ઉચ્ચ અધિકારીઓ માટે હતો, પરંતુ વર્ષ 2024થી વર્ગ-3 ના કર્મચારીઓને પણ આ જોગવાઈ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી કે કર્મચારી નિયત સમયમર્યાદામાં પોતાની મિલકતોનું પત્રક ઓનલાઇન સબમિટ નહીં કરે, તો તેમનો પગાર અટકાવવામાં આવશે. વહીવટી તંત્રમાં શિસ્ત અને પ્રામાણિકતા જળવાઈ રહે તે હેતુથી આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના આ આદેશથી હવે તમામ વિભાગોના કર્મચારીઓએ જાન્યુઆરી માસમાં જ પોતાની મિલકતોની વિગતો ફાઈલ કરવાની તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવાની પ્રક્રિયામાં કોઈ ભૂલ ન રહે તે માટે GAD દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો અભ્યાસ કરવા પણ સૂચના અપાઈ છે.

Exit mobile version