Site icon Gujarat Mirror

રામરહીમ નિર્દોષ છૂટે એમાં રાજતંત્ર-ન્યાયતંત્રની જવાબદારી બને !

દેશમાં ન્યાયતંત્ર અને રાજતંત્ર બન્ને જો એક સાથે ભ્રષ્ટ હોય તો એ દેશ આગળ જતા અપરાધીઓનું સ્વર્ગ બની જાય છે. જો કે ભારત હજુ સાવ આવી પરિસ્થિતીથી દુર છે, એટલા સદભાગ્ય છે. પરંતુ આ દિશામાં હલચલ, આરોપો, ચર્ચા અને વિવાદની પ્રજાચિત્તમાં શરૂઆત થઇ ગઇ છે જે આવનાર સંકટની ધુમ્રશેરો છે. ભારતીય ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેનું પ્રકરણ સ્કૂલનાં અભ્યાસક્રમમાં સમાવાયું એ મુદ્દે સુપ્રીમ કોર્ટનો આક્રોશ તાજો છે. આપણા માનનીય ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત સહિતના ન્યાયાધિશોએ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર હોવાનું સ્કૂલનાં છોકરાંને શિખવાડવા બદલ એનસીઈઆઈટીને ઝાટકી નાંખેલી ને આ પ્રકરણ રદ કરવા ફરજ પાડેલી. ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે તો અત્યંત આકરા તેવર બતાવીને કહ્યું કે, આ દેશની સુપ્રીમ કોર્ટ કોઈને પણ ભારતીય ન્યાયતંત્રની બદનામી નહીં કરવા દે. આ વિવાદ હજુ તાજો જ છે ત્યાં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

હરિયાણાના પંચકુલામાં 2000ની સાલમાં પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા થઈ હતી અને હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના કર્તાહર્તા રામ રહીમને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. રામ રહીમ ઉપરાંત બીજા 3 આરોપીઓ કુલદીપ સિંહ, નિર્મલ સિંહ અને કૃષ્ણ લાલને પણ 17 જાન્યુઆરી 2019ના રોજ પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 7-7 વર્ષની કેદની સજા સંભળાવી હતી. આ સજા સામે રામ રહીમ સહિતના આરોપીઓએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે આ અરજી પર ચુકાદો આપતાં રામ રહીમને નિર્દોષ ગણાવીને છોડી મૂક્યો છે. હાઈ કોર્ટનું કહેવું છે કે પત્રકાર છત્રપતિની હત્યા કરવાનું કાવતરું રામ રહીમે ઘડયું હોવાના પૂરતા પુરાવા નથી તેથી રામ રહીમને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે. રામ રહીમ સિવાયના બીજા ત્રણ આરોપી સામે પૂરતા પુરાવા હોવાનું ઠરાવીને હાઈ કોર્ટે તેમની સજા માન્ય રાખી છે. હાઈ કોર્ટનું કહેવું છે કે, કુલદીપ, નિર્મલ અને કિશન લાલ વિરુદ્ધના પુરાવા અને સાક્ષીઓની જુબાની પરથી સ્પષ્ટ છે કે, પત્રકાર છત્રપતિની હત્યામાં તેમનો હાથ હતો તેથી તેમની આજીવન કેદની સજાને યથાવત રાખવામાં આવે છે.

સ્વાભાવિક રીતે જ આ ચુકાદાથી સૌનાં ભવાં ખેંચાયાં છે કેમ કે રામ રહીમ પર હરિયાણાની ભાજપ સરકાર મન મૂકીને વરસી રહી છે અને થોડા થોડા દિવસના અંતરે રામ રહીમને પેરોલ કે ફર્લો આપીને જેલની બહાર લઈ અવાય છે. રામ રહીમ હત્યા, બળાત્કારના કેસમાં દોષિત કર્યો હોવા છતાં ભાજપની મહેરબાનીથી જેલની અંદર ઓછો ને બહાર વધારે રહે છે. રામ રહીમનો પોતાનો આગવો અનુયાયી વર્ગ છે કે જેને રામ રહીમ બળાત્કાર કરે કે હત્યા કરે તેનાથી કોઈ ફરક પડતો નથી. રામ રહીમ જેલમાં ગયો પછી પણ તેના અનુયાયીઓ તેની ભક્તિમાં લિન છે ને તેના ઈશારે જ વર્તે છે. આ ઘેટાંના ટોળાં જેવા અનુયાયીઓના મતોની લાલચમાં ભાજપ રામ રહીમનાં પાપ ધોઈને તેને સંત તરીકે ફરી સ્થાપિત કરવાનું ગંદુ કામ કરી રહ્યો છે અને લાગે છે કે, હાઈ કોર્ટ તેમાં સાથ આપી રહી છે.

Exit mobile version