અંદાજપત્ર પારિત થયાના ગણતરીના દિવસોમાં જ નવા વર્ષ માટે પોર્ટલ ખુલ્લું મૂકવા વાળો કૃષિ વિભાગ સંભવત: રાજ્યનો પ્રથમ વિભાગ બનશે. ખેતીવાડી ખાતાના 42, બાગાયત ખાતાના 94 અને પશુપાલન ખાતાના 12 ઘટકો માટે ખેડૂતો અરજી કરી શકશે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતીને આધુનિક બનાવવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે.
આ દિશામાં કરાયેલા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂત અને પશુપાલક મિત્રો વિવિધ કૃષિ અને પશુપાલનલક્ષી સહાય યોજનાઓનો લાભ લઈ શકે તે માટે આગામી તા. 27 માર્ચથી એક મહિના સુધી એટલે કે, તા. 26 એપ્રિલ, 2026 સુધી ’આઈ-ખેડૂત’ પોર્ટલ ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.
મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. 27 માર્ચથી રાજ્યના ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ખાતાના 42 ઘટકો, બાગાયત ખાતાના 94 ઘટકો અને પશુપાલન ખાતાના 12 ઘટકોને મળી કુલ 148 ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. મંત્રીએ કહ્યું હતું કે, અરજી પ્રક્રિયા પૂર્ણ થયાની કે છેલ્લી તારીખની રાહ જોયા વિના, જેમ જેમ અરજીઓ આવશે અને તેની ચકાસણી પૂર્ણ થશે, તેમ પાત્રતા ધરાવનાર ખેડૂતોને તુરંત સબસીડી અને સહાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી ખેડૂતોને ઝડપથી યોજનાકીય લાભો મળી શકે.
ખેડૂતો માટે અરજી પ્રક્રિયા અત્યંત સરળ બનાવાઈ છે, જેમાં ખેડૂતો આધાર ઓથેન્ટિકેશન દ્વારા પોતે અથવા ગ્રામ પંચાયત સ્તરેથી નોંધણી કરાવી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું. કૃષિ મંત્રીએ રાજ્યના તમામ ખેડૂત મિત્રોને છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે જરૂૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા નમ્ર અનુરોધ કર્યો હતો.

