રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભૂણાવા ગામે રહેતા 45 વર્ષીય વિજયભાઈ મયાભાઈ મકવાણાએ ગઈકાલ સવારના આશરે 11:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરે એસિડ પી લઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, આ આત્મઘાતી પગલાં પાછળ વિજયભાઈની પત્ની નિશાબેનનો ગામના જ બાબુ ભીખુભાઈ નામના શખ્સ સાથેનો પ્રેમસંબંધ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. વિજયભાઈના જણાવ્યા મુજબ, તેમની પત્ની છેલ્લા પાંચ વર્ષથી બાબુ સાથે સંબંધ ધરાવે છે અને બંને મોડી રાત સુધી ફોન પર વાતો કરતા હતા. નોંધનીય છે કે ત્રણ વર્ષ પહેલા પણ આ બંને ગોંડલમાંથી ઝડપાઈ ગયા હતા.તે સમયે વિજયભાઈએ પોતાની પત્નીને ખૂબ સમજાવી હતી અને ઘરની આબરૂૂ સાચવવા વિનંતી કરી હતી, પરંતુ પત્ની સુધરવાનું નામ લેતી નહોતી.
છેલ્લા કેટલાક સમયથી આ અનૈતિક સંબંધોને કારણે પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડાઓ થતા હતા. આ વિવાદ વધતા પત્ની નિશાબેન હાલ પોતાના માવતરે માળિયા હાટીના ખાતે ચાલી ગઈ છે.ચાર દિવસ પહેલા જ્યારે વિજયભાઈએ પત્નીને આ બાબતે ઠપકો આપી માર માર્યો હતો, ત્યારે તેમના સાસરી પક્ષના લોકો પણ મેદાને આવ્યા હતા. નિશાના મામાના છોકરાઓએ ભૂણાવા આવી વિજયભાઈને માર મારી ધમકાવ્યા હતા, જેના કારણે વિજયભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. એક તરફ પત્નીનો દગો અને બીજી તરફ સાસરી પક્ષનો ત્રાસ તેમને અસહ્ય લાગી રહ્યો હતો.
હોસ્પિટલના બિછાનેથી પોતાની વ્યથા ઠાલવતા વિજયભાઈએ અત્યંત કરુણ શબ્દોમાં જણાવ્યું હતું કે, “હું મારી પત્નીને બહુ પ્રેમ કરું છું, મેં તેને બચાવવા અને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેને મારી કોઈ કદર નથી.” પત્નીની બેવફાઈ અને સમાજમાં થતી બદનામીથી કંટાળીને અંતે તેમણે એવું કહી દીધું હતું કે હવે મારે જીવવું જ નથી.હાલમાં પોલીસ દ્વારા આ મામલે નિવેદન નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

