ગુજરાતમાં ટેસ્લા મોટર્સનો પ્લાન્ટ સ્થપાય તેવી સંભાવના

ઈલોન મસ્કની ટેસ્લા મોટર્સ આ વર્ષે ભારતમાં પદાર્પણ કરશે. જગતની સર્વોત્તમ ઈલેક્ટ્રિકલ વ્હિકલ કંપનીમાં ટેસ્લાનો સમાવેશ થાય છે. ભારતમાં ક્યા રાજ્યમાં ઉત્પાદન એકમ તથા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્લાન્ટ સ્થાપવો એ અંગે કંપની ગુજરાત સહિત પાંચ રાજ્યો સાથે વાટાઘાટો કરી રહી છે. જે રાજ્યમાં ટેસ્લાનો પ્લાન્ટ સ્થપાશે એ રાજ્ય માટે લોટરી લાગી ગણાશે. આ ઉપરાંત કંપની અન્ય લોકલ પાર્ટનરની પણ શોધ કરી રહી છે.
ટેસ્લા અમેરિકાના પોલો અલ્ટોમાં હેડક્વાર્ટર ધરાવતી ઈલેક્ટ્રિક વ્હિકલ એન્ડ ક્લિન એનર્જી કંપની છે. પાંચ રાજ્યોમાં ગુજરાત ઉપરાંત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર અને
તમિલનાડુનો સમાવેશ થાય છે. એમાંથી કર્ણાટકે કંપનીને એકથી વધારે વિકલ્પો આપ્યા છે. કર્ણાટક સરકાર આ પ્રોજેક્ટ પોતાના રાજ્યને મળે એ માટે ગંભીરતાથી કામ કરી રહી છે. કર્ણાટકે તુમકુર સહિત વિવિધ સ્થળો કંપનીને પ્લાન્ટ માટે વિકલ્પરૃપે આપ્યા છે.
કંપનીએ અગાઉ 2017માં જ ભારતમાં આવવાની જાહેરાત કરી હતી. પરંતુ ત્યારે શક્ય બન્યું ન હતું. હવે આ વર્ષે ભારતમાં આગમન નિર્ધારિત હોવાનું કેન્દ્રિય
પરિવહન મંત્રી નિતીન ગડકરી પણ કહી ચૂક્યા છે. ટેસ્લા ભારતમાં શરૃઆતી તબક્કે અંદાજેે 60 લાખની કિંમતની મોડેલ-3 કાર વેચવા ધારે છે. એ ગાડી સંપૂર્ણ ઈલેક્ટ્રિક હશે અને તેની લિથિયમ આયન બેટરી 500 કિલોમીટરની રેન્જ આપશે.

બિલિયોનર્સ લિસ્ટ-ઈલોન મસ્ક ફરી બીજા ક્રમે

ફોર્બ્સના બિલિયોનર્સ લિસ્ટમાં ઈલોન મસ્ક ફરીથી બીજા ક્રમે આવ્યા છે. થોડા દિવસો પહેલા 188 અબજ ડોલરની સંપત્તિ સાથે તેઓ પ્રથમ ક્રમે પહોંચ્યા હતા. એમેઝોનના માલિક બેઝોસ ત્યારે બીજા ક્રમે ધકેલાયા હતા. પરંતુ ટેસ્લાના શેરમાં 8 ટકાનો કડાકો થતા મસ્કની સંપત્તિ 13.5 અબજ ડોલર ઘટી હતી.હવે મસ્કની સંપત્તિ 176 અબજ ડોલર ગણાય છે. બેઝોસની સંપત્તિ 182 અબજ ડોલર જેટલી છે.

બેગ્લુરૂમાં તો શ્રીગણેશ પણ થયા

દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની ટેસ્લાએ બેંગલુરુમાં ભારતીય સબસિડિયરી યુનિટ ખોલ્યું છે. ટેસ્લા ભારતમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ તેમજ ઈલેક્ટ્રિક વાહનોનો એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે અને આ સબસિડિયરી યુનિટ તેનું પહેલું પગલું છે. ટેસ્લાના ગ્લોબલ સિનિયર ડિરેક્ટર ડેવિડ જોન ફિનસ્ટિન, ચીફ એકાઉન્ટિંગ ઓફિસર વૈભવ તનેજા અને બેંગલુરુના એક ઉદ્યોગસાહસિક વેંકટરંગમ શ્રીરામ ટેસ્લાના આ ભારતીય યુનિટના બોર્ડ મેમ્બર હશે. કોર્પોરેટ મામલાના મંત્રાલયને ટેસ્લાએ આપેલા એક અહેવાલમાં આ માહિતી અપાઈ છે. ટેસ્લાએ ભારતમાં પોતાની ઓફિસ ગયા અઠવાડિયે શરૂ કરી હતી, જેની માહિતી મંગળવારે ટેસ્લા ક્લબ ઈન્ડિયાના ટ્વિટર હેન્ડલ પર જાહેર કરાઈ હતી. ટેસ્લાના સીઈઓ અને દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓ પૈકીના એલન મસ્કે ગયા મહિને કહ્યું હતું કે, અમારી કંપની આ વર્ષે ભારતમાં યુનિટ શરૂ કરશે. બાદમાં 21 જાન્યુઆરીએ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, ટેસ્લા 2021ની શરૂઆતમાં ભારતીય બજારમાં પ્રવેશ કરશે. કર્ણાટક દેશનું પહેલું રાજ્ય છે, જેણે ઈલેક્ટ્રિક વાહન નીતિ બનાવી છે. રાજ્ય સરકારને આશા છે કે, આ નીતિથી ઈલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રે રૂ. 31 હજાર કરોડનું રોકાણ થશે. કર્ણાટક પછી ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત 11 રાજ્યે ઈલેક્ટ્રિક વાહનની નીતિ જાહેર કરી હતી.

રિલેટેડ ન્યૂઝ