ચોટીલા નજીક કાર અકસ્માતમાં ટીપી શાખાના અધિકારી સહિત બે ના મોત

શ્ર્વાનને બચાવવા જતા ચાલકે ડ્રાઈવીંંગ પરનો કાબુ ગુમાવતા કાર 10 ફુટ ઉંડા નાલામાં ખાબકતા સર્જાઈ કરૂણાંતિકા

ચોટીલા નજીકના ઢેઢુકી ગામ પાસે આજે સવારે શ્વાનને બચાવવા જતા કાર દસ ફુટ ઉંડા નાલામાં ખાબકતા રાજકોટમાં રહેતા અને સુરેન્દ્રનગરમાં ટાઉન પ્લાનીંગ વિભાગમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જયેશભાઈ યોગેન્દ્રભાઈ દવે (ઉ.વ.પ8) અને તેમના જ વિભાગના ડ્રાઈવર રાજકોટમાં રહેતા પરાગ જયંતીલાલ પંડયા (ઉ.વ.3પ) નું મૃત્યુ નિપજ્યું હતું. જયારે અન્ય બે ને ઈજા થતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
કાલાવડ રોડ પર ચિત્રકુટ મંદિર પાસે ક્રિષ્ના પાર્ક
સોસાયટીમાં રહેતા જયેશભાઈ આગામી તા.30 મી સપ્ટેમ્બરે નિવૃત થવાના હોવાથી છેલ્લા ત્રણ-ચાર માસથી રજા પર હતા. રાજકોટ સ્થિત કચેરીના અધિકારી આર.વી.કોરડીયા પાસે સુરેન્દ્રનગરની કચેરીનો ચાર્જ હોવાથી તેણે જયેશભાઈને આજે સુરેન્દ્રનગર સાથે આવવાનું કહ્યું હતું.
જેથી આજે સવારે જયેશભાઈ, કોરડીયા, ધીરજલાલ લાડાણી કારમાં સુરેન્દ્રનગર જવા રવાના થયા હતા. કાર કોરડીયાના ડ્રાઈવર પરાગભાઈ કે જેરાજકોટના રૈયા રોડ પરની બ્રહ્મસમાજ સોસાયટીમાં રહે છે તે ચલાવતા હતા.
ચોટીલા નજીકના ઢેઢુકી ગામ પાસે કાર પહોંચી ત્યારે અચાનક શ્વાન આડે ઉતરતા તેને બચાવવા જતા પરાગભાઈએ સ્ટીયરીંગ ઉપરથી કાબુ
ગુમાવતા કાર દસ ફુટ ઉંડા નાલામાં ખાબકી હતી. જેમાં પરાગભાઈ અને જયેશભાઈના સ્થળ પર જ મોત નિપજયા હતા.
તે પહેલા બંનેને ત્યાંથી પસાર થયેલા રાહદારીઓ ચોટીલા હોસ્પિટલે લઈ ગયા હતા. જાણ થતા એસ.ટી.ના
કર્મચારીઓ પણ દોડી ગયા હતા. તેમણે જયેશભાઈના ભાઈ ગૌરાંગભાઈ કે જે એસ.ટી.માં નિવૃત ઓ.એસ. હતા અને હાલ જામનગર એસ.ટી. કર્મચારી મંડળના હોદ્દેદાર છે, તેમને જાણ કરતા પોતાના ભાઈના ફોટોગ્રાફસ મોકલી આપ્યા હતા. જેના આધારે મૃતક જયેશભાઈ હોવાનું ખુલ્યું હતું. તેમની સાથે કારમાં રહેલા કોરડીયા અને લાડાણીને ઈજા થતા બંનેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ ઘટના આજે સવારે 9.30 આસપાસ બની હતી. સાયલા
પોલીસની હદ હોવાથી તેના સ્ટાફે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક જયેશભાઈને સંતાનમાં એક પુત્ર છે. તેમના મોતથી પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ