મવડીમાં ડિમોલીશન, 10 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ

ટીપી સ્કીમ નં.21માં ઉમિયા ચોક પાસે ત્રણ મોટા મકાનો તોડી પાડતું મનપા

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી પૂર્ણ થતાં જ તંત્રએ ડીમોલીશન સહિતની કામગીરી શરૂ કરી છે. લોકોમાં ઉહાપોહ ન બોલે તે માટે આચારસંહિતા લાગુ થતાં તંત્રએ તમામ પ્રકારની કાર્યવાહી સ્ટોપ કરી દીધી હતી. જે ફરી ચાલુ કરી આજરોજ 150 ફુટ રીંગરોડ ઉપર ઉમિયા ચોક પાસે બે સોસાયટીમાં મનપાના પ્લોટ ઉપર થયેલા ત્રણ મકાન સહિતના બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી રૂા.10 કરોડની જમીન ખૂલ્લી કરાવાઈ હતી.
મનપાના ટાઉનપ્લાનિંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આસિ.ટાઉનપ્લાનર આર.એન.મકવાણા, અજય એમ. વેગડ,
એ.જે.પરસાણા, આસી. એન્જીનીયર તેમજ એસ.ડબલ્યુ.એમ. શાખા, બાંધકામ શાખા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વીજીલન્સ સ્ટાફ દ્વારા મવડીમાં ડીમોલીશનની કાર્યવાહી વહેલી સવારથી હાથ ધરવામાં આવી હતી. ટીપી સ્કીમ નં.21 (મવડી) અંતિમ ખંડ નં.35-સી એસ.ઈ. ડબલ્યુ. એસ. એચ., ન્યુ આકાશદિપ સોસાયટી શેરી નં.3, જય સરદાર પાન વાળી શેરીના કોર્નર ઉપર આવેલ 1361 ચોરસ મિટરના પ્લોટ ઉપર વર્ષોથી બની ગયેલા બે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તેવી જ રીતે ટીપી સ્કીમ નં.21 (મવડી) અંતિમખંડ નં.21-એ સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ માટે અનામત રાખવામાં આવેલ પ્રમુખ નગર શેરી નં.4 ક્રિષ્ના મકાનની બાજુના પ્લોટ ઉપર થઈ ગયેલ મોટુ મકાન તોડી પાડવામાં આવેલ. જેના કારણે 1133 ચોરસ મિટર જમીન ખુલ્લી થઈ હતી.
મનપાના ટીપી વિભાગ દ્વારા વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.12માં 150 ફુટ રીંગરોડ ઉપર ઉમિયા ચોકની નજીક આવેલ આકાશદિપ સોસાયટી અને પ્રમુખનગરમાં
ડીમોલીશનની કાર્યવાહી કરવામાં આવેલ. વહેલી સવારથી આ વિસ્તારમાં બુલડોઝરની ધણધણાટી સંભળાતા લોકોના ટોળા એકઠા થયા હતા. આ બાબતે ટાઉનપ્લાનિંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાએ જણાવેલ કે, આકાશદિપમાં આવેલસાર્વજનિક પ્લોટ એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે અનામત રાખવામાં આવ્યો છે. પરંતુ, આ પ્લોટ ઉપર બે આસામીઓએ ગેરકાયદેસર બાંધકામ કરી મકાન બનાવી લેતાં તેમને અગાઉ નોટીસ પાઠવવામાં આવેલ. જેની મુદત પૂર્ણ થતાં
આજરોજ ડીમોલીશન કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રમુખનગર શેરી નં.4માં ક્રિષ્ના મકાનની બાજુમાં સ્કુલ એન્ડ પ્લે ગ્રાઉન્ડ માટે અનામત રાખવામાં આવેલ પ્લોટ ઉપર એક આસામીએ વર્ષોથી પાકુ મકાન બનાવી લીધાનું ધ્યાનમાં આવતા તેમને નિયમ મુજબ નોટીસ પાઠવવામાં આવી હતી. બાદમાં આજે આ મકાનની ડીમોલીશન કરી જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. ટીપી વિભાગે આજે આકાશદિપમાં બે મકાનનું ડીમોલીશન કરી 1361 ચોરસ મિટર જમીન ખુલ્લી કરાવી હતી. જેની અંદાજિત કિંમત 5.44 કરોડ થવા જાય છે. જ્યારે પ્રમુખ નગરમાં એક મકાનનું ડીમોલીશન કરી 1133 ચોરસ મિટર જમીન ખુલ્લી કરાવાઈ હતી. જેની બજાર કિંમત 4.53 કરોડ થવા જાય છે. આથી બન્ને પ્લોટ ખાલી કરાવાતા મનપાની 2494 ચોરસ મિટર જમીન ખુલ્લી થઈ હતી. જેની બજાર કિંમત 9.97 કરોડ હોવાનું જણાવ્યું હતું.

વધુ ડિમોલીશન માટે લિસ્ટ તૈયાર
મનપાના ટાઉનપ્લાનિંગ વિભાગ દ્વારા આજરોજ મવડી વિસ્તારમાં મહાનગરપાલિકાના અલગ અલગ હેતુથી રાખવામાં આવેલા બે પ્લોટ ઉપરના બાંધકામોનું ડીમોલીશન કરી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરાવાઈ હતી. તંત્રમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ, આગામી દિવસોમાં અનેક સૂચિત સોસાયટીઓમાં સાર્વજનિક પ્લોટમાં કબ્જા થઈ ગયેલ છે. તે પ્રકારના બાંધકામોનું ડીમોલીશન કરવામાં આવશે. વેસ્ટ ઝોનમાં તમામ સાર્વજનિક પ્લોટનું લીસ્ટ તૈયાર કરી લેવામાં આવ્યું છે. જે ટૂંક સમયમાં ડિમોલીશન કાર્યવાહી હાથ ધરી ખાલી કરાવવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ