ગીરનારમાં આપાગીગાના ઓટલાના અન્નક્ષેત્રનો પ્રારંભ

મહાશિવરાત્રીના મેળામાં તા.21 સુધી ભજન-ભોજન અને ભક્તિનો મહાસાગર

રાજકોટ તા.15
દર વર્ષની માફક આ વર્ષે ગરવા ગીરનારની ગોદમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે જૂનાગઢ ખાતે 18 વરણના લોકોની શ્રધ્ધા અને આસ્થા સમાન આપાગીગાના ઓટલા દ્વારા સમગ્ર જનતા માટે જાહેર અન્નક્ષેત્રનું આજથી જ શુભારંભ કરવામાં આવેલ છે. જેમાં દરેક સમાજના દરેક લોકોને પ્રસાદ લેવા માટે જૂનાગઢમાં સર્વ પ્રથમ ભવનાથ ખાતે લાલ સ્વામીની જગ્યા, મહંત હરીગીરીબાપુ, ભગીરથ વાડીની સામે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં સમગ્ર દેશભરમાંથી સાધુ સંતો-મહંતો, મહામંડલેશ્ર્વરો તેમજ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ લોકો અહીંયા આગળ પૂણ્યનું ભાથુ બાંધવા માટે આવતા હોય છે તેમજ વાદળ સાથે વાતો કરતો ગીરીવર ગરવો ગઢ ગીરનાર, ગીરનારમાં જ્યાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે, નવનાથ, 84 સિધ્ધ, 64 જોગણીઓ અને જેનાં શિખરો પર ગુરૂ ગોરખનાથ, ગુરૂ દત્તાત્રેયનાં બેસણા છે અને જ્યાં સાક્ષાત માં જગદંબા અંબાજી માતા બીરાજે છે, એવા પાવન પવિત્ર ગીરનારની ગોદમાં જૂનાગઢ વસેલુ છે. આ ગીરનાર ક્ષેત્રમાં જ્યાં સાક્ષાત ભોળાનાથ પધારે છે તે મહાશિવરાત્રીના મેળા દરમ્યાન જ્યાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાય છે ત્યાં સતાધાર આપાગીગાની જગ્યા અને આપાગીગાનો ઓટલો દ્વારા પરમ પૂજ્ય સદગુરૂ દેવ જીવરાજબાપુ ગુરૂ શામજીબાપુના આર્શિવચનથી અઢારે વરણના દરેક સમાજના લોકો માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જાહેર અન્નક્ષેત્ર તથા સંતવાણીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં આપાગીગાના ઓટલા દ્વારા આ વખતે તા.15/2/2020 શનિવારથી જ ભોજનરૂપી મહાપ્રસાદની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેમજ તા.17/2/2020, સોમવારના રોજ ધર્મધ્વજાનું દેશભરમાંથી ઉપસ્થિત મહામંડલેશ્ર્વરો, સાધુ-સંતો, મહંતો અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતી સમસ્ત જૂનાગઢ, શ્યામધામ મધુરમ ટીંબાવાડી તેમજ જૂનાગઢ શહેર તેમજ જીલ્લાના અને ગ્રામ્ય વિસ્તારના ગુર્જર ક્ષત્રિય કડીયા રાજકોટ શહેરના કાર્યકર્તાઓ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર મહોત્સવ દરમ્યાન તા.18/2/2020 થી તા.20/2/2020 સુધી દરરોજ રાત્રીના કલાકારો કીર્તિદાન ગઢવી, પુનમબેન ગોંડલીયા, રામદાસ ગોંડલીયા, શૈલેષ મહારાજ વગેરે કલાકારો દ્વારા ભજન અને સંતવાણીનો વિવિધ કાર્યક્રમોની રમઝટ બોલાવશે. જેમાં સાધુ-સંતો-મહંતો ઉપસ્થિત આર્શિવચન પાઠવશે તેમજ મહાશિવરાત્રીના શુભ દિને દરેક લોકો માટે સમગ્ર દિવસ દરમ્યાન ફરાળરૂપી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. આ મેળાની પૂર્ણાહુતિ તા.21/2/2020 ને શુક્રવારના રોજ કરવામાં આવશે. ભોજન પ્રસાદ અને સંતવાણીનો લાભ લેવા માટે મહંત વિજયબાપુ ગુરૂ જીવરાજબાપુ – સતાધારધામ, મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ આપાગીગાનો ઓટલો, ચોટીલા (મોલડી), નરેન્દ્રભાઇ સોલંકી – ચેરમેન, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ – ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર સતાધાર અને આપાગીગાનો ઓટલાના સેવકગણ દ્વારા દરેક લોકોને અનુરોધ કરાયો છે.

રિલેટેડ ન્યૂઝ