સોમવારે કોંગ્રેસની અનામત મુદ્દે રેલી-ધરણાં

બંધારણિય અધિકારો માટેની લડાઈ તાલુકા-જિલ્લા સ્તરે લડાશે

રાજકોટ તા,15
ભાજપ અને રાષ્ટ્રીય સેવક સંઘ આરએસએસનું વલણ પહેલેથી જ એસસી, એસટી અને ઓબીસી અનામત વિરોધી રહ્યુ છે ત્યારે કોંગ્રેસ વંચિતો, શોષિતો અને જરૂરિયાતમંદ વર્ગના અનામતના બંધારણિય અધિકારી છીનવી લેવાના ભાજપ સરકારની હિલચાલના વિરોધમાં આગામી 17 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રેલી-સભા યોજવાની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કરી છે. ભાજપ અનામતની આડમાં સમાજમાં વર્ગવિગ્રહ ફેલાવી રહ્યો હોવાનો આક્ષેપ કરતા કોંગી નેતાઓએ જણાવ્યું છે કે કોંગ્રેસ ભાજપના આ મલિન મનસુબાને કયારેય પાર પડવા દેશે નહીં અને આ વર્ગના બંધારણિય અધિકારો માટેની લડાઈ તાલુકા – જિલ્લા સ્તરે લઈ જશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવે સંયુકત પત્રકાર પરિષદને સંબોધતા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણ્વયું કે કેન્દ્રની ભાજપ સરકારના ઈશારે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના કેસમાં સાર્વજનિક પદ પરથી નિમણૂકમાં એસસી, એસટી અને ઓબીસીને અનામત અંગેનો દુભાગ્યપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાતમાં એલઆરડીની મહિલાઓ દ્વારા ચાલી રહેલા આંદોલનને સમર્થન જાહેર કરતા કોંગી નેતાઓએ કહ્યું કે કોંગ્રેસ હંમેશા સમાજના છેવાડાના દલિતો, વંચિતો, પીડિતો કે શોષિત કે બિનઅનામત વર્ગના જરૂરિયાતમંદ પરિવારોને બંધારણિય જોગવાઈને આધારે સમાજના મુખ્યપ્રવાહમાં આગળ વધવાની તક આપતા કાયદાને સમર્થન આપે છે પરંતુ ભાજપના દલિત, આદિવાસી અને ઓબીસીની અનામત સમાપ્ત કરવાની હિલચાલનો સડકથી સંસદ સુધી વિરોધ કરશે.
ગુજરાતમાં અનામત અને બિનઅનામત આંદોલન અંગે પ્રદેશ પ્રમુખ ચાવડાએ કહ્યું કે સરકારી ભરતીમાં અનામતના નિયમો સ્પષ્ટ છે ત્યારે ભાજપ સરકાર સમાજના વર્ગવિગ્રહ પેદા થાય તેવા બંધારણ વિરુધ્ધના પરિપત્રો કે ઠરાવ શા માટે કરે છે ? ગાંધીનગરમાં 66 દિવસથી મહિલાઓ આંદોલન કરે છે પરંતુ સરકારના કોઈ મંત્રી કે પ્રતિનિધિ તેમને મળીને વિવાદ ઉકેલવા કેમ પ્રયાસ કરતા નથી ? તેનો સવાલ ઉઠાવતા કોંગી નેતાઓએ ઉમેર્યું કે ભાજપ સરકાર ઈચ્છે છે કે ભરતી પ્રક્રિયામાં વિવાદ અને વર્ગ વિગ્રહની સ્થિતિ સર્જાય અને ગુજરાતનો યુવાન સરકારી નોકરીથી વંચિત રહે.
વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારના ઈરાદાઓ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે મને લાગે છે કે વિકાસના નામે રાજ્ય અને રાષ્ટ્ર અને આગળ લઈ જવાને બદલે વર્ગવિગ્રહ, અશાંતિ ફેલાવીને પોતાની નિષ્ફળતાઓને છુપાવવા સરકાર પ્રયાસ કરી રહી છે. સરકારે એસસી, એસટી અને ઓબીસી ઉપરાંત બિન અનામત વર્ગના આરક્ષણ પામેલા તમામને અન્યાય કર્યો છે અને ગત 9 જાન્યુ. તેમણે મુખ્યપ્રધાનને આવેદન સાથે વિસ્તૃત પત્ર લખીને ન્યાયિક રીતે કોઈપણ વર્ગને અન્યાય ન થાય એની તકેદારી લેવા માટે વિનંતી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ