ધો.3 થી જ બોર્ડની પરીક્ષા છાત્રોનો હાઉ દૂર કરશે

રાજકોટ તા.14
બોર્ડની પરીક્ષાનો હાઉ વિદ્યાર્થીઓના મનમાંથી કાઢવા માટે રાજ્ય સરકાર દ્વારા ધો.3 થી 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે તેવો પરીપત્ર કરતા સર્વત્ર આ નિર્ણયને શિક્ષણ જગતમાં આવકાર મળી રહ્યો છે. બોર્ડની પરીક્ષાના હાવથી વિદ્યાર્થીઓ ન ભરવાના પગલાં ભરી લેવા હોય છે. આવા બનાવો અટકાવવા અને વિદ્યાર્થીઓમાંથી બોર્ડનો ડર કાઢવા માટે આ હિતકારી નિર્ણય લેવાતા શિક્ષણ જગત અને વાલીઓમાં પણ આવકાર મળી રહ્યો છે.
ગઇકાલ તા.12/2/2020 એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય બદલ ફેડરેશન ઓફ એકેડેમીક એસો. (ગુજરાત) તથા કોચીંગ કલાસીસ ઓનર્સ એસો. (રાજકોટ જીલ્લા) દ્વારા સરકાર તેમજ નિયામક જીએસએચએસઇબીને ખુબ ખુબ અભિનંદન લેવાયેલ ઐતિહાસિક નિર્ણય થકી ગુજરાતની આવનારી ભાવી પેઢીને શિક્ષણની ઉચ્ચ ગુણવતાયુકત શૈલી પ્રાપ્ત થશે. ઉપરાંત ગુજરાતની વિદ્યાર્થીલક્ષી શિક્ષણનીતિઓ આપણા બાળકોને રાષ્ટ્રીય ફલક પર એક અલગ ઓળખ ઉભી કરવા મદદરૂપ નીવડશે. આપણા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ફલક પરના બધા અભ્યાસક્રમ જેવા કે યુપીએસસી, સીએટી, નીટ, ઝેડઇઇ વગેરેમાં આગવું સ્થાન બનાવી આગવી ઓળખ ઉભી કરશે.
આ બાબતે વાલીઓએ ચિંતા ન કરતા જણાવવાનું કે એકસમાન અભ્યાસક્રમ હોવાથી કોઇપણ પ્રકારની વધારાની રેફરન્સ બુકોનું ભારણ નહીં રહે ઉપરાંત પહેલેથી જ બોર્ડની પરીક્ષાની ટેવ પડતા હતાશ કે નિરાશ નહી બને. ઉલ્ટાનું ખરા અર્થમાં ભાર વિનાનું ભણતરનો ખ્યાલ ચરિતાર્થ થશે અને નબળા વિદ્યાર્થીઓ માટે અલગ શિક્ષણ પધ્ધતિનો વિચાર પણ આવકારલાયક છે. જેમાં આ પ્રક્રિયા માટે સરકાર જીએસઇબી, જીએસઇઆરટી, ડીપીઇઓ, ડીઇઓ વગેરેની મદદ લેશે જેથી પ્રક્રિયા સરળ બનશે.
આ ઉપરાંત શૈક્ષણિક સ્તરે તળ સપાટીએ રહેલા અમુક દુષણો જેવા કે શિક્ષકો દ્વારા પોતાના ટયુશનમાં આવવા દબાણ કરવું, પોતાની રીતે અભ્યાસક્રમ નક્કી કરવો અથવા વિદ્યાર્થી હિત વિરૂધ્ધ અભ્યાસક્રમમાં કાપકૂપ કરવી વગેરેમાં મહદઅંશે ઘટાડો આવશે અથવા નામશેષ થશે તદુપરાંત વિદ્યાર્થીઓનું સચોટપણે તટસ્થ મૂલ્યાંકન થવાને કારણે તેમનું ભવિષ્યમાં અંધકારમાં નહી રોળાય.
સરકારના આ આવકારદાયક નિર્ણયને કારણે ગુજરાતનું સક્ષમ યુવાધન યોગ્ય દિશા પ્રાપ્ત કરી, સામાજીક, આર્થિક અને રાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ ફલકમાં અડીખમ નામ કરશે, જે બદલ સરકારને ખુબ ખુબ અભિનંદન સાથે આવનાર ભવિષ્ય માટે વધુ શરૂ રહેશે તેમ ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાતે આવેલા કોચીંગ કલાસ ઓનર્સ એસો.ના પ્રકાશભાઇ કરમચંદાની, ધર્મેશભાઇ છગ, હાર્દિકભાઇ ચંદારાણા, નિકુંજભાઇ ચનાભટ્ટી, જયદીપભાઇ ગઢીય અને બૌધ્ધીકભાઇ પારેખે જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ