રાજ્યસભાની 4 બેઠકની માર્ચમાં ચૂંટણી?

ભાજપ-કોંગ્રેસને બે-બે બેઠકો મળવાની શકયતા
ટ્રમ્પની મુલાકાત બાદ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી કરાશે
રાજકોટ તા.14
અમેરિકાના રાષ્ટ્રપતિ ની ગુજરાત મુલાકાત બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ અને રાજ્યસભાની 4 બેઠકોની ખાલી થનાર બેઠકો માટે ઉમેદવારોની પસદગી કરવામાં આવનાર છે આ માટે અત્યારથી જ રાજકીય નેતાઓએ લોબિંગ શરૂ કરી દીધું છે જેમાં કેટલાક નવા ચેહરાની પણ પસંદગી કરવામાં આવી તેવી અટકળ વહેતી થઈ છે.
ગુજરાતની રાજ્યસભાની બેઠકોનો ઇતિહાસ આશ્ચર્યથી ભરેલો છે. એટલું જ નહીં દેશની મહત્વની પોસ્ટ પર ગુજરાતના નેતા ચમક્યા છે કે જેઓ રાજ્યસભામાંથી દિલ્હી ગયા છે. રાજ્યના પૂર્વ છ મુખ્યમંત્રીએ દિલ્હીમાં રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. સચિવાલયમાં ચર્ચા છે કે હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યસભામાં જવાના છે પરંતુ મુખ્યમંત્રીના સૂત્રો તેનો ઇન્કાર કરી રહ્યાં છે. મુખ્યમંત્રીની નજીકના એક નેતાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના શાસનના પાંચ વર્ષ પૂરાં કરશે અને 2022ની વિધાનસભાની ચૂંટણી પણ તેમના નેતૃત્વ હેઠળ લડાવવામાં આવશે. રાજ્યમાં એપ્રિલ 2020માં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી પડી રહી છે જે પૈકી ત્રણ બેઠકો ભાજપ પાસે છે અને કોંગ્રેસ પાસે એક બેઠક છે. સંખ્યાબળ જોતાં કોંગ્રેસને આ વખતે બે બેઠકો મળી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડનારી ચાર બેઠકોની ચૂંટણી માર્ચ મહિનામાં થાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે. અત્યાર સુધીમાં ગુજરાતે તેના પૂર્વ છ મુખ્યમંત્રીને ચૂંટીને રાજ્યસભામાં મોકલ્યા છે. પહેલી વખત ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા ને 1378 થી 1684 સુધી રાજ્યસભામાં મોકલ્યા હતા. તેઓ પ્રખર ગાંધીવાદી હતા. ગરીબોના ઉત્થાન માટે તેઓ કામ કરતા હતા.
ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ અગાઉ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યાં છે. તેઓ 2006 થી 2012 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યાં હતા. આ ઉપરાંત ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રવણ મુકરજી પણ ગુજરાતમાંથી રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે. તેઓ 1981 થી 1987 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યાં હતા.
સ્મૃતિ ઇરાની પણ ગુજરાતમાંથી રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરતા રહ્યાં છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને હરાવીને અમેઠી બેઠક પરથી ચૂંટણી જીતી ગયા હોવાથી તેમણે અને અમિત શાહે રાજીનામું આપી દીધું હતું. હાલ આ બન્ને નેતાઓ કેન્દ્રની મોદી સરકારમાં મંત્રીપદ ભોગવી રહ્યાં છે.

રિલેટેડ ન્યૂઝ