રાજકોટની શાળાઓને FRCએ 7 ટકા ફી વધારો આપી દિધો

મંદી અને મોંઘવારી વચ્ચે વાલીઓ ઉપર બેવડો બોજો વધ્યો; શિક્ષણ વિભાગ પણ લાચાર

સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર ન હોવાથી FRC મનફાવે તે રીતે ફી વધારો આપે છે
ત્રણ વર્ષમાં નકકી કરેલી ફી કરતા વધુ ફી લેનારી એક પણ શાળાએ રિફંડ ચૂકવ્યું નથી

રાજકોટ તા,14
ગુજરાતમાં ચાર અલગ અલગ ઝોનમાં સક્રિય ફી રેગ્યુલેટરી કમિટી ફી નક્કી કરી શકે તે માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ન હોવાથી એફઆરસી મનફાવે તે રીતે 5, 7, 10 ટકા કે તેનાથી વધુનો ફી વધારો આપે છે. મંદી અને મોંઘવારીમાં શાળાઓએ ગૂપચૂપ રીતે ફી વધારો ઝીંકી દીધો છે. બીજું, એફઆરસીએ મંજૂર કરેલા વધારા કરતાંય વધુ ફી સ્કૂલોએ છેલ્લા ત્રણ વર્ષમાં વસૂલી લીધી છે અને 2020-21નું શૈક્ષણિક વર્ષ આવી રહ્યુ ંહોવા છતાંય છેલ્લા ત્રણ વર્ષમાં નક્કી કરેલી ફી કરતાં વધુ ફી લેનારી શાળાઓએ રિફંડ પણ આપ્યુ નથી.
વાલીઓને આ રિફંડ અપાવવા કે ફી રેગ્યુલેટ કરતી કમિટીઓ એકસ માન ધોરણોને અનુસરીને ફીમાં વધારો કરી આપે તે માટે પગલાં લેવામાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને રસ પણ ન હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ફી નક્કી કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ન હોવાથી ગુજરાતના ચાર ઝોનમાં સક્રિય એફઆરસી 5થી 15 ટકા જે મન ફાવે તે રીતે ફીમાં વધારો આપે છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો રાજકોટમાં 7 ટકા અને અમદાવાદમાં 10 ટકા કે પછી સુરતમાં તેનાથી વધુ ટકાનો ફી વધારો આપવામાં આવે તેવું બની શકે છે.
દરેક ઝોન માટે નિશ્ચિત સ્ટાન્ડર્ડ હોય તો આ નોબત આવશે નહિ. શાળાનું મકાન કે જમીન શાળા ચલાવતા ટ્રસ્ટના નામે જ હોય તેવા કિસ્સામાં તેનું ભાડું એફઆરસી મંજૂર કરતી નથી. અમદાવાદ ઝોનમાં આ મંજૂરી ન મળે, પરંતુ રાજકોટ કે સુરતને આવરી લેતા ઝોનમાં તે મંજૂરી મળી જવાની સંભાવના રહેલી છે. ફી નક્કી કરવાના ધોરણોમાં એક સૂત્રતા ન હોવાનું હવે જગજાહેર છે.
જાણકાર સૂત્રોનું કહેવું છે કે એફઆરસી ફી નક્કી કરી આપે તે ઉપરાંત શાળાઓને ફી લેવા માટે સરકારે નોટિફિકેશનના માધ્યમથી નવથી દસ એક્ટિવિટી નક્કી કરી આપી છે. શાળાઓ એક્સ્ટ્રા એક્ટિવિટિઝને નામે વાલીઓ પાસેથી વધારાની ફી લે છે પરંતુ આ એક્સ્ટ્રા એક્ટિવિટી તમામ વિદ્યાર્થીઓએ કરવી ફરજિયાત નથી તે હકીકતની વિદ્યાર્થીઓને કે વાલીઓને જાણ કરવામાં આવતી જ નથી. આ એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં ટ્રાન્સપોર્ટ, કલ્ચરલ એક્ટિવિટી, ફૂટબોલ કે વોલીબોલ રમવા જેવી એક્ટિવિટીને નામે તેઓ આ ફી લઈ રહ્યા છે. આ ફી એફઆરસીએ નક્કી કરી આપેલી ફી ઉપરાંત લેવામાં આવે છે.
આ રીતે વધારાની લીધેલી ફીનું રિફંડ આપી દેવા કોર્ટે પણ જણાવ્યું હોવા છતાંય તેને બે વર્ષ બાદ પણ શાળાઓ વિદ્યાર્થીઓને તેનું રિફંડ આપતી નથી, એમ પેરેન્ટ્સ એકતા મંચનું કહેવું છે. આ વસ્તુઓ ઓપ્શનલ-વૈકલ્પિક હોવાની વાલીઓને જાણ કરીને પછી ફી ભરવા જણાવવામાં આવે તો તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને માથે આવતો ફી ખર્ચનો બોજ ઓછો થઈ શકે છે.

બે લાખ સુધીની વસુલાતી ફી

દરેક વિદ્યાર્થીઓએ એક્સ્ટ્રો એક્ટિવિટી પસંદ કરવી ફરજિયાત નથી. છતાંય તેમની પાસેથી તેને માટે ફી લેવામાં આવી રહી છે. જે અનુચિત છે. તે અંગે વાલીઓને પૂરતી જાણકારી પણ આપવામાં આવતી નથી. પરિણામે એફઆરસી-ફી રેગ્યુલેટરી કમિટીએ રૂા. 85,000ની ફી નક્કી કરી હોવા છતાંય વાલીઓ પાસેથી રૂા. 1.5થી રૂા.2 લાખ સુધીની ફી વસૂલી લેવામાં આવે છે.

દિલ્હી સરકાર જેમ ગુજરાત કેમ ન કરે ?

વાલીઓ પાસે દસ વર્ષ ભણાવવાને નામે કે.જી.ના લેવલેથી જ રૂા.2 કે 3 લાખનું ડોનેશન લઈ લેનારી શાળાઓ અધવચ્ચે બંધ થઈ જાય ત્યારે વાલીઓએ નવા એડમિશન માટે નવા ડોનેશનનો ખર્ચ કરવાની નોબત આવે છે અને તેમના પાલ્યો રઝળી પડે તેને કારણે વધારાની દોડધાન કરવી પડે છે. દિલ્હીમાં કેજરીવાલની સરકારે સરકારી સ્કૂલના શિક્ષણના સ્તરમાં ફી વધારો કર્યા વિના જ લાવી બતાવેલા સુધારાને પરિણામે ગુજરાતની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવતા વાલીઓ પણ તેમના પાલ્યોને આપવામાં આવતા શિક્ષણના ધોરણમાં સુધારો થાય તેવી અપેક્ષા રાખતા થઈ ગયા છે.

રિલેટેડ ન્યૂઝ