સીકસ લેન રોડ માટે 87 મિલકતધારકોને હિયરીંગ અંગે નોટિસ

રાજકોટ તા,12
સ્માર્ટ સીટી અંતર્ગત રાજકોટ શહેરના મુખ્યમાર્ગો પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કેકેવી ચોકથી મોટામવા સ્મશાન સુધીના કાલાવડ રોડને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ સીકસ લેન્ડ કરવા માટે બન્ને સાઈડ કપાતમાં આવતી મિલકતોને હિયરીંગ અંગે અંતિમ નોટિસ આપવામાં આવી છે. 87 મિલકતો કપાતમાં આવતી હોવાનું ટાઉન પ્લાનિંગ વિભાગે જણાવ્યું હતું.
શહેરના રાજપથ કાલાવડ રોડને પહોળો કરવા માટે અગાઉ કપાતમાં આવતા મિલકત ધારકોને નોટિસ આપવામાં આવેલ ત્યારબાદ સર્વેની કામગીરી હાથ ધરી દરેક આસામીઓને જાતે દબાણ દૂર કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી. લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કેકેવી ચોકથી મોટા મવા સ્મશાન સુધીના રોડને મુકવામાં આવ્યો છે. સીકસ લેન્ડ રોડ બનાવવા માટે રોડની બન્ને સાઈટ 3-3 મીટર પહોળો કરવાની જરૂરિયાત ઉભી કરવા 87થી વધુ આસામીઓને મિલકત કપાત અંગેની નોટિસ આપવામાં આવી છે.
ટાઉન પ્લાનિંગ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ કાલાવડ રોડ હાલ 30 મિટરનો રોડ કપાત બાદ 40 મિટરનો કરવામાં આવશે. સિકસ લેન્ડ રોડ બન્યા બાદ કેકેવી ચોકથી મોટા મવા સુધી બીઆરટીએસ કોરીડોર શરુ કરવામાં આવશે. ગત માસે તમામ મિલકત ધારકોને કપાત અંગેની નોટિસ આપવામાં આવેલ ત્યારબાદ સર્વે હાથ ધરી કઈ મિલકત કેટલા ચો.મી. કપાય છે તેનું લીસ્ટ તૈયાર કરી તમામ આસામીઓને તૈયાર કરવામાં આવ્યું હતું. ઉપરોકત રોડ પહોળો કરવાની કામગીરી તાજેતરમાં કરવાની હોય બે દિવસ પહેલા તમામ મિલકત ધારકોને હિયરીંગ અંગેની અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે.
કાલાવડ રોડ સીકસ લેન્ડ કરવા માટે રોડની બન્ને સાઈડ 3-3 મિટર મિલકતનું કપાત કરવામાં આવશે. જે અંતર્ગત હિયરીંગ માટે 87 આસામીઓને જવાબ માટે રૂબરૂ બોલાવવામાં આવશે. ટી.પી. વિભાગના જણાવ્યા મુજબ કપાતમાં જતી મિલકતો માટે ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં જમીન સામે જમીન અન્યથા એફએસઆઈ તથા પાર્કિંગમાં વધુ છુટછાટ અને જમીન સામે રોકડ વડતર જેમાં આસામીઓને નિયમ મુજબ વળતર ચુકવવામાં આવશે. બીઆરટીએસ કોરીડોર સ્માર્ટ સિટી અંતર્ગત વધારવાનું હોવાથી ફરજિયાત કાલાવડ રોડ પહોળો કરવો પડે તેમ છે.
પરિણામે મનપા દ્વારા ગત બજેટ દરમિયાન કેકેવી ચોકથી મોટા મવા સ્મશાન સુધીના કાલાવડ રોડને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ મુકવામાં આવેલ પરિણામે રોડની બન્ને સાઈડ આવતી 87 મિલકતો 3-3 ફુટ કપાતમાં આવે છે.
હિયરીંગની તારીખ આગામી દિવસોમાં નકકી કરવામાં આવશે પરંતુ હિયરીંગ થયા બાદ અસરગ્રસ્તોને વળતર ચુકવવાની કામગીરીનો પ્રારંભ કર્યા બાદ ટૂક સમયમાં કાલાવડ રોડ પહોળો કરવા માટે કપાતમાં આવતી મિલકતોનું ડિમોલીશન કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ