વાંકવડના વૃધ્ધે 5 લાખ વ્યાજે લીધા બાદ વ્યાજખોર બેલડીએ 2 એકર જમીનનો દસ્તાવેજ કરાવી લીધો

વ્યાજ સહિતની રકમ આપવા જતા ઠગાઈ થયાની ખબર પડતા નોંધાવી ફરિયાદ
રાજકોટ તા.11
રાજકોટ તાલુકાના વાંકવડ ગામે રહેતા કોળી વૃધ્ધે દીકરાના લગ્ન માટે ઉછીના લીધેલા 3 લાખ ચૂકવવા બે વ્યાજખોરો પાસેથી 5 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા જેના બદલામાં તેઓએ જમીનનો દસ્તાવેજ આપ્યો હતો જે દસ્તાવેજ આધારે બંને શખ્સોએ પોતાના નામે બોગસ દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી મારી નાખવાની ધમકી આપતા કુવાડવા પોલીસે ફરિયાદ નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
રાજકોટ તાલુકાના વાંકવડ ગામે રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા છગનભાઇ મોહનભાઇ થોરિયા નામના કોળી વૃધ્ધે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આઠેક મહિના પૂર્વે દીકરાના લગ્ન હોવાથી પૈસાની જરૂરિયાત ઉભી થતા સંબંધી રવજીભાઈ પાસેથી 3 લાખ ઉછીના લીધા હતા જે પૈસા ચૂકવવા માટે સગવડતા નહિ થતા તેઓએ રાજકોટની માલધારી સોસાયટીમાં રહેતા જગાભાઈ વિભાભાઇ રાતડીયા પાસેથી 5 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા જેનું માસિક 25 હજાર વ્યાજ ચૂકવવાનું થતું હતું પ્રથમ મહિને

વ્યાજ 25 હજાર ચુકવ્યું હતું અને સિક્યુરિટી પેટે જગાભાઇએ જમીનના કાગળિયા માંગતા છગનભાઈએ પોતાની માલિકીની વાંકવડ રેવન્યુ સર્વે નંબર 3/2 પૈકી 3ની જમીનનો દસ્તાવેજ જગાભાઇને આપ્યો હતો બાદમાં પૈસાની વ્યવસ્થા થઇ જતા તેઓ વ્યાજ સહિતની રકમ ચૂકવવા માટે જગાભાઈ પાસે ગયા ત્યારે તેઓએ પૈસા લેવાનો ઇન્કાર કરી દીધો હતો અને પોતે બે એકર જમીનનો દસ્તાવેજ અમરગઢ ભીચરીના નિર્મળભાઈ દેસાભાઇ હુંબલના નામે કરી નાખ્યો હોવાનું જણાવતા તેઓ ચોકી ઉઠ્યા હતા જમીનનો ખોટો દસ્તાવેજ કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી આમ વ્યાજના વિષચક્રમાં ફસાવી જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી ઠગાઈ કરવા અંગે બને સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એમ આર પરમાર સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

રિલેટેડ ન્યૂઝ