ગોંડલ સંપ્રદાયના પૂજ્ય મીનળબાઈ મ.સ સંથારા સાથે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા

રાજકોટ,તા.21
ગોંડલ સંપ્રદાયના ગુરુ પ્રાણ એવમ મુક્ત – લીલમ પરીવારના પૂ.સન્મતિજી મ.સ.ના સુશિષ્યા સહનશીલતાની મૂર્તિ સમાન સાધ્વી રત્ના પૂ.મીનળબાઈ મ.સ. રાજકોટ શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે આજરોજ અનશન વ્રતની આરાધના અને સંથારા સમાધિભાવ સહિત કાળધમે પામ્યા.
ગોં.સં.ના પૂ.સુશાંતમુનિ મ.સાહેબે અનશન વ્રતના પચ્ચખાણ અંગીકાર કરાવ્યા હતા.
પૂ.પારસ મુનિ મ.સા.,ડુંગર દરબારના વિશાળ સતિવૃંદ તથા અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ હતી. પૂ.મીનળબાઈ મ.સ.ની પાલખી યાત્રા રાજકોટ ઉવસગ્ગહરં સાધના ભવન, આફ્રિકા કોલોની શેરી નં.4,પાણીના ટાંકાવાળી ગલી,જ્યાંથી પ્રયાણ થઈ તપસમ્રાટ તીર્થધામ (સાત હનુમાન સામે, કુવાડવા રોડ) ખાતે જય જય નંદા,જય જય ભદાના જયઘોષ સાથે અંત્યેષ્ઠિ વિધી માટે નીકળી.
છેલ્લા થોડા દિવસોથી નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા.શરીરમાં લાંબા સમયથી બીમારી હોવા છતાં સહજ સમતાભાવે સહન કરતા હતા અને તેઓ કહેતા કે સાધુએ તો સહન જ કરવાનું હોય.સહન કર્યા વગર સિદ્ધ ન બનાય.અશાતાનો ઉદય તો આવ્યા કરે, કર્મો એની ફરજ બજાવે.
પૂ.શ્રેયાંસીજી મહાસતિજીએ તેઓની અગ્લાનભાવે અપૂર્વ વૈયાવચ્ચ કરેલ.અનશન આરાધક આત્માને શાતા,સમાધિ આપવાનો સૌ મહાસતિજીઓએ પુરુષાર્થ કરેલ.પૂ.સુશાંતમુનિ મ.સા.દરરોજ બપોરે 3:30 થી 4:30 એક કલાક સુધી આગમ ભાવોનું ચિંતન કરાવવા મનહર પ્લોટ સંઘથી સાધના ભવન પધારતા તેમ ડોલરભાઈ કોઠારીએ જણાવ્યું. અત્રે નોંધનીય
છે કે તેઓના ઉપકારી ગુરુણી મૈયા પૂ.સન્મતિજી મ.સ.એ પણ સાધના ભવનની પુણ્યભુમિ ઉપર નશ્ર્વર દેહનો ત્યાગ કરી દેવલોકગમન કરેલ.પૂ.મીનળબાઈ મ.સ.ની સેવામાં ડો. પ્રદીપભાઈ તથા સાધના ભવનના ગુરુભક્તો સેવામાં ખડેપગે હાજર રહેલ.સાધ્વીરત્ના પૂ.પ્રભાબાઈ મ.સ.,પૂ.સુમતિજી મ.સ.સહિત ગુરુ પ્રાણ પરિવારના અનેક સતિવૃંદ તથા ગોં.સં.ના પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ,ઈશ્વરભાઈ દોશી સહિત અનેક અગ્રણીઓ સાધના ભવન ઉપસ્થિત રહેલ તેમ અલ્પેશભાઈ મોદીએ જણાવ્યું છે. તેમની ગુણાનુવાદ સભા આવતીકાલ શુક્રવારે સવારે 9:30 કલાકે ઉવસગ્ગહરં સાધના ભવન (આફ્રિકા કોલોની શેરી નં.- 4, પાણીના ટાંકાવાળી ગલી) ખાતે યોજાશે.

રિલેટેડ ન્યૂઝ