વીજતંત્ર દ્વારા શરૂ કરાયેલ બલ્બ બદલાવવાની કામગીરી ગ્રાહકોની મજાક

રાજકોટ તા.9
રાજકોટ ખાતે ઘણા સમય પહેલા પીજીવીસીએલના સહયોગથી ઉજાલા કંપની દ્વારા એલઇડી બલ્બનું વેચાણ કરવામાં આવેલ. બલ્બ વેચાણ સમયે ત્રણ વર્ષની ગેરંટી પીરીયડ સાથે વેચાણ કરવામાં આવી પરંતુ હલ્કી ગુણવત્તાને કારણે ટુંકા સમયમાં આ બલ્બ ઉડી જાય છે. ઉડી ગયેલા બલ્બ ત્રણ વર્ષ દરમ્યાન કંપની દ્વારા બદલાવી આપવાની જવાબદારી હોય છે. ઘણા સમયથી કંપની દ્વારા ઉડી ગયેલા બલ્બનો સ્ટોક વધી ગયેલ હોય લોકોમાં પ્રચંડ વિરોધ ઉઠતા ફરીથી બલ્બ બદલાવી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી.
આ બલ્બ બદલાવવાની કામગીરી શા કારણથી બંધ કરવામાં આવી. તેનું કારણ કંપની પાસે કે પીજીવીસીએલ પાસે કોઇ ચોક્કસ માહિતી નથી પરંતુ લોકોમાં મોટાપાયે રોષ ઉભો થતા હાલમાં આ કામગીરી થોડા સમયથી ચાલુ કરવામાં આવી છે તે પણ મંદ ગતિથી એ પણ દિવસ દરમ્યાન એક જ બલ્બ બદલાવી આપવાની શરતે ચાલુ કરવામાં આવી છે તે પણ રાજકોટ ખાતે ફક્ત લક્ષ્મીનગર ઓફીસના કમ્પાઉન્ડમાં જ શું આ વાત વ્યાજબી છે.
બલ્બ શરૂઆતમાં વર્ષોમાં રૂા.80 પ્રતિ નંગ વેચવામાં આવેલ જે બાદમાં રૂા.70 પ્રતિ નંગ લેખે વેચવામાં આવેલ. જે ગ્રાહકોએ રૂા.80 માં બલ્બ લીધેલા હોય તેમને રૂા.10 પરત ચુકવવાપાત્ર થતા હતા. આ બાબતે જરૂરી સ્પષ્ટતા પણ પીજીવીસીએલ દ્વારા પ્રચાર માધ્યમથી કરવામાં આવેલ. સદર તફાવતની રકમ રૂા.10 પરત આપવાની બાંહેધરી પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલ હોવા છતા અનેક ગ્રાહકોને આ રકમ પરત મળી ન હોવાની ફરીયાદો એબીજીપીને મળેલ છે. આ અંગેની ફરીયાદ માટે મો.9825687822 ઉપર કરવા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ