સૌ. યુનિ.ના અંગ્રેજી ભવનની પીએચડી કોર્ષ વર્કમાં નાપાસ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય

રાજકોટ તા.8
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પીએચડીના કોર્ષ વર્કમાં વિદ્યાર્થીઓને નાપાસ કરાતા વિવાદ સર્જાયો હતો અને સમગ્ર મામલે હોબાળો થતા અંતે નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે અને તમામ વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન ફોર્મ રજૂ કરવા ભવનને તાકીદ કરવામાં આવી છે અને જવાબદારી સામે કડક પગલા ભરવા કુલપતિએ ખાત્રી આપી છે.
અંગ્રેજી ભવનમાં લેવાયેલ પીએચડીના કોર્ષ વર્કની પરીક્ષામાં છાત્રોને નાપાસ કરી ભવને ભગો કરતા આ પ્રકરણ ચર્ચાના ચકડોળે ચડયું હતું અને વિવાદ થતા યુનિ.ના સત્તાધીશોએ આ અંગે રીપોર્ટ માંગવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે.
સૌરાષ્ટ્ર યુનિ.ના અંગ્રેજી ભવનના પીએચડી કોર્ષ વર્કમાં ગેરહાજર અને નાપાસ થયેલ વિદ્યાર્થીઓનાં પ્રશ્ર્નનો કુલપતિ ડો.નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીનાં પ્રયત્નોથી હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે. કોઇપણ વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય તેની ખાત્રી પણ આપવામાં આવેલ છે. ડી.આરસી દ્વારા જે વિદ્યાર્થીઓને માર્ગદર્શક શિક્ષકો ફાળવવામાં આવેલ છે તે તમામ વિદ્યાર્થીઓના પીએચડી રજીસ્ટ્રેશન ફોર્મ તાત્કાલીક રજુ કરવા અંગ્રેજી ભવનને કુલપતિ દ્વારા આદેશ કરવામાં આવેલ છે.
વધુમાં તેઓએ જણાવેલ હતું કે ઉચ્ચ શૈક્ષણિક કારકીર્દી બનાવી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તત્પર વિદ્યાર્થીઓ સાથે તેમની કારકીર્દીને નુકસાન કરવામાં નહીં આવે.

રિલેટેડ ન્યૂઝ