રાજકોટ શહેર થશે સંપૂર્ણપણે રેલવે ફાટક મુક્ત

હાલમાં 9 ફાટક ઉપર અંડર અને ઓવરબ્રિજ, 12 રેલવે ફાટક ઉપર બનાવાશે બ્રિજ
રાજ્ય સરકારની સુચના બાદ મહાપાલીકાએ પ્રથમ તબક્કાનો પ્રોજેકટ તૈયાર કર્યો
રાજકોટ તા.8
રાજકોટ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે. ડેવલોપમેન્ટ 2031 અંતર્ગત રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં અનેક નવા પ્રોજેકટો સાકાર લેશે જે પૈકી શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે ટ્રેક ઉપર આવેલા તમામ ફાટકોના સ્થાને ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારે સુચના આપ્યા બાદ મનપાએ પ્રથમ તબક્કાની પ્રોજેકટની કામગીરી પૂર્ણ કરી છે. જે અંતર્ગત આગામી દિવસોમાં વધુ 11 રેલ્વે ક્રોસીંગ ઉપર બ્રિજ બનાવવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલીકાની હદમાં આવતા મુખ્ય રેલ્વે સ્ટેશનથી ગોંડલ રોડ સુધી શહેરની મધ્યમાંથી રેલ્વે લાઇન પસાર થઇ રહી છે. જેના ઉપર અલગ-અલગ સ્થળે 20 ફાટક મુકવામાં આવ્યા છે. જરૂરીયાત મુજબ મહાનગરપાલીકા દ્વારા 9 સ્થળે ઓવરબ્રિજ તેમજ અંડરબ્રિજ બનાવી ટ્રાફીક સમસ્યા હળવી કરવામાં આવી છે. જ્યારે સ્માર્ટ સીટી રાજકોટ ડેવલોપમેન્ટ 2031 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શહેર રેલ્વે ફાટક મુક્ત કરવાની સુચના આપવામાં આવતા મનપાએ તમામ ફાટકોનો સર્વે હાથ ધરી રેલ્વે ટ્રેક
ઉપર આવતા તમામ ફાટકોના સ્થાને અંડરબ્રિજ અથવા ઓવરબ્રિજ બનાવવાની રૂપરેખા તૈયાર કરી પ્રોજેકટ મ્યુનિ. કમિશ્નરને રજૂ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં હાલ 8 સ્થળે રેલ્વે ટ્રેક ઉપર અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. જે પૈકી લક્ષ્મીનગરનું નાલુ પહોળુ કરવા માટેની તૈયારી શરૂ થઇ ચૂકી છે અને આમ્રપાલી ફાટક ખાતે અંડરબ્રિજ બનાવવા માટે પણ રેલ્વે વિભાગે તૈયારી આરંભી છે ત્યારે બાકી રહેતા 11 રેલ્વે ક્રોસીંગ ઉપર ફાટકોની જગ્યાએ અંડરબ્રિજ અન્યથા ઓવરબ્રિજ બનાવવા માટેની તૈયારી મહાનગરપાલીકાએ આરંભી છે. તંત્રના જણાવ્યા મુજબ તમામ રેલ્વે ફાટક ઉપર પસાર થનાર વાહનો તેમજ ટ્રાફીકજામ અને લોકોને પડતી મુશ્કેલીઓ સહિતના પાસાઓની ચર્ચા કર્યા બાદ ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાનો ફાઇનલ નિર્ણય લેવામાં આવશે. હાલ 11 ફાટકોનો સર્વે કરી પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. લોકોના અને ટ્રાફીક પોલીસના સૂચનો આવ્યા બાદ પ્રોજેકટ આગળ વધારવામાં આવશે. ત્યારબાદ પ્રપોઝલ તૈયાર કરી રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે. આમ આગામી વર્ષોમાં તમામ ફાટકો ઉપર ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બન્યા બાદ રાજકોટ શહેર સંપૂર્ણપણે ફાટકમુક્ત બની જશે તેમ તંત્રએ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ