ગ્રેટર રાજકોટ ચેમ્બરનો નાણામંત્રીને પત્ર એક્સચેન્જ ઓફરમાં જૂના વાહનની કિંમતનો માપદંડ જરૂરી

રાજકોટ, તા.ર1
પ્રવર્તમાન સંજોગોમાં પ્રવર્તી રહેલ વૈશ્ર્વીક મંદીની દેશના અર્થતંત્ર પર થયેલ અસરને ઉદ્યોગોમાં પણ પ્રવર્તી રહેલ મંદી હટાવવા વેપાર ઉદ્યોગના જુદા જુદા સ્તરની સંસ્થાઓ તરફથી નાણામંત્રાલય તરફથી સુચનો માંગવામાં આવેલ. તે અનુસંધાને ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામનને ઉદ્ેશીને નાના ઉદ્યોગોમાં પ્રવર્તી રહેલ મંદીને દૂર કરવા અંગેના સુચનો મોકલવામાં આવેલ. જે પૈકી જુની વસ્તુ પાછી લઇ નવી વસ્તુ આપવાથી વપરાશકારોમાં માંગ ઉભી કરવા સરકાર દ્વારા બાય બેક અને સ્ક્રેપ પોલીસી અપનાવવી જોઇએ. જેથી કરીને ઔદ્યોગિક ઉત્પાદનની માંગ ઉભી થાય અને ઉત્પાદનના વેંચાણનો પ્રશ્ર્નો ઉકેલાય.
આ યોજનાના સુચન કરતા જણાવવામાં આવેલ કે, સરકાર વાઇટ ગુડસ જેવી કે ઘરઘંટી, ટીવી, રેફ્રીજરેટર, એરકંડીશનર, વોશીંગ મશીન, ઇલેકટ્રીક હોમ એપ્લાયન્સીસ જેવા ઉપકરણો તેમજ ઓટોમોબાઇલ વાહનો વગેરે જુના પરત ખરીદીે અને ગ્રાહકોને નવા આપવાની યોજના મુજબ જુનાની કિંમત નક્કી કરવા ઔદ્યોગીક ઉત્પાદકોના એસોસીએશનો/ડિલર્સના એસોસીએશન તથા એન.જી.ઓ.દ્વારા ચોક્કસ સમીકરણ અને માપદંડ નક્કી કરી કિંમત ગણવી જોઇએ. નવાના ભાવમાંથી જુની કિંમત બાદ કરતા બાકી રહેતા તફાવતના 30 ટકા રકમ સરકાર તરફથી સબસીડી રૂપે ગ્રાહકોને આપવી તેમજ જી.એસ.ટી.ના દરોમાં રાહત આપી માત્ર પટકા જીએસટી લાગુ પાડવો જોઇએ.
આ ઉપરાંત બાકી રહેતી રકમ જે ગ્રાહકે ઉમેરવાની થતી હોય, તે રકમ રાષ્ટ્રીયકૃત બેંકો અને સહકારી બેંકો દ્વારા ધીરાણરૂપે ખેતી વિશેષય ધિરાણના રૂપે એટલે કે 4 ટકા વ્યાજના દરે હપ્તાથી ભરપાઇ કરી શકે તે પ્રકારની યોજના જાહેર કરવી જોઇએ. તેવુ સુચન ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ગયા ઓગસ્ટ માસમાં કરવામાં આવેલ. જે અંગે સરકાર દ્વારા જુદા જુદા તબક્કે નક્કી કરવા જાહેર કરવામાં આવેલ છે. જે ગ્રેટર રાજકોટ ચેમ્બરની રજૂઆતને મળેલ સફળતાના ભાગરૂપે ગણી શકાય તેમ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા, ઉપપ્રમુખ રાજુભાઇ દોશી તથા ઇન્ચાર્જ મંત્રી ઇશ્ર્વરભાઇ બ્રાંભોલીયાએ જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ