કેદી નહીં, કારીગર; ખૂંખાર નહીં, ખાનખાના!

રાજકોટ જેલમાં 100થી વધુ કેદી સકારાત્મક પ્રવૃત્તિ કરીને બે પૈસા કમાઇ પણ લે છે; સજા પૂરી થાય ત્યારે ચૂકવાય છે કમાણી
પોલીસ પણ પહેરે છે રાજકોટ જેલના કેદીઓએ સીવેલા યુનિફોર્મ્સ; શિયાળામાં અડદિયા તો કેદીઓના હાથે બનેલા જ ખાવાના!
રાજકોટ તા.21
હમણાં જ પુરા થયેલાં નોરતાં દરમિયાન અનેક દીકરીઓ જેલમાં બંધ કેદીએ સીવેલા ચણિયાચોળી પહેરીને ગરબે ઘુમી હતી એમ કહેવામાં આવે તો?! કે પછી, આગામી શિયાળામાં અડદિયા તો કેદીના હાથે બનેલા જ ખાવાના એવું તમને તમારા કોઇ પરિચિત કહે તો?! નવાઇ ન પામતાં, કેમ કે રાજકોટ પો,લીસના અનેક અફસરો પણ રાજકોટ જેલના કેદીઓએ બનાવેલા યુનિફોર્મ જ પહેરે છે!
સાંભળીને આશ્ર્ચર્ય થાય, પરંતુ આ વાસ્તવિકતા છે. રાજકોટ જેલમાં સજા પામેલા (પાકા કામના) કેદીઓ તેમનો જેલમાંનો સમય સકારાત્મક કાર્યમાં ગાળી શકે તે માટે જુદા જુદા વિભાગોમાં ઉત્પાદન કાર્ય ચાલી રહ્યું છે. રાજકોટ મધ્યસ્થ જેલના નાયબ અધિક્ષક રાકેશ દેસાઇ જણાવે છે કે વણાટ કામમાં 25 થી વધુ સુથારી વિભાગમાં પણ 25, બેકરીમાં 17 અને દરજી વિભાગમાં 30 જેટલા કેદીઓ કામ કરે છે. પાંચ વર્ષથી માંડીને આજીવન કેદની સજા પામેલા આ કેદીઓ જે – તે સમયે કદાચ ખૂંખાર ગુનેગાર ભલે ગણાતા, પરંતુ હવે તેઓ ખાનખાના કારીગર છે. ગુનો આચરી ચુકેલા હાથ હવે રચનાત્મક કામ તરફ વળેલા છે. સરકાર પોતે તેમને કાપડ બનાવવાથી માંડીને કપડાં સીવવાના કામના ઓર્ડર આપે છે.
આ કારીગર કેદીઓને તેમની મહેનત અને કામ પ્રમાણ.નું મહેનતાણું પણ મળે છે. તેમાંથી 50 ટકા રકમ તેઓ કેન્ટીનમાં વાપરી શકે છે અને બાકીની 50 ટકા રકમ તેની સજા પૂરી થાય ત્યારે ચુકવાય છે, જેથી ઘેર પરત ફરતી વખતે એ પરિવારજનોના હાથમાં ગૌરવભેર મહેનતની કમાણી મુકી શકે!

રિલેટેડ ન્યૂઝ