પિતાના આદર્શો પર ચાલી હું પણ સમાજ સેવા માટે કટિબધ્ધ : જયેશ રાદડિયા

રાજકોટ તા.9
ખેડૂતો માટે આજીવન સંઘર્ષ કરનાર સૌરાષ્ટ્રના લડાયક સહકારી નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની ચિરવિદાય બાદ તમામ વર્ગ સાથે ખેડૂતોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે આ ખમીરવંતા ખેડૂત નેતાની યાદોને કાયમી ધોરણે અમર કરવા આજે રાજકોટ જીલ્લાનાં લોધીકા ખાતે સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
લોધિકા ખાતે લેઉવા પટેલ સમાજ ભવનનાં પ્રાંગણમાં ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કેબીનેટમંત્રી જયેશભાઇ રાદડીયા, આર.સી.ફળદુ, ચેરમેન નરેશભાઇ પટેલ, માજી મંત્રી દિલીપભાઇ સંઘાણી, ગોવિંદભાઇ રાણપરીયા, રાઘવજી પટેલ, પરેશ ગજેરા, નીતિન ઢાંકેચા, ચેરમેન હંસરાજભાઇ ગજેરા, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, સરદાર પટેલ જળસંચય નિગમના ચેરમેન ડો.ભરતભાઇ બોઘરા, ચંદુભાઇ પરસાણા, ઘનશ્યામ પાંભર, વી.પી.વૈષ્ણવ, ચંદુભાઇ બોરડ, વલ્લભભાઇ તારપરા, શિવલાલભાઇ વેકરીયા સહિતના લેઉવા પટેલ સમાજના મહાનુભાવો ઉપરાંત વિશાળ સંખ્યામાં સમાજના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આવેલા મહાનુભાવોનું ખુલ્લી જીપમાં બેન્ડવાળાની સુરાવલીઓ સાથે બાળાઓએ કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કર્યુ હતું અને ત્યારબાદ જયેશભાઇ રાદડીયા, નરેશભાઇ પટેલ, આર.સી.ફળદુ સહિતના મહાનુભાવોના હસ્તે લડાયક ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સમયે ઉપસ્થિત હજારો લોકોએ વિઠ્ઠલભાઇ અમર રહોના ગગનભેદી નારા લગાવતા વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ પ્રસંગે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે મારા પિતાએ સમાજ માટે અનેક સદકાર્યો કર્યા છે અનેક ગામડાઓમાં લેઉવા પટેલ સમાજના ભવનો ઉપરાંત જામકંડોરણા જેવા દુર્ગમ અને પછાત તાલુકામાં નમુનેદાર શિક્ષણધામ ઉભુ કરી સમગ્ર તાલુકાની શિકલ બદલી નાખી છે. યાત્રિકોની સુવિધા માટે નાથદ્વારા તથા દ્વારકામાં લકઝરી હોટલને ટક્કર મારે તેવા લેઉવા પટેલ સમાજના ભવનો બનાવ્યા છે અને હરીદ્વાર તથા મથુરામાં સમાજના ભવનો બનાવવા માટે જમીનો ખરીદી છે. જીલ્લા સહકારી બેંકના માધ્યમથી ખેડૂતોની ખુમારીપૂર્વક સેવા કરી છે અને ખેડૂતોનું જીવન ધોરણ ઉંચુ લાવવા જીવનભર સંઘર્ષ કર્યો છે. મારા પિતાના આદર્શો અને રાહ ઉપર ચાલી હું પણ સમાજ સેવા કરવા કટીબધ્ધ છું.ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે પણ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની સમાજ અને ખેડૂતો પ્રત્યેની ભાવનાને યાદ કરતા જણાવ્યું હતું કે વિઠ્ઠલભાઇના જવાથી માત્ર લેઉવા પટેલ સમાજને જ નહીં સમગ્ર ખેડૂત વર્ગને જબરી ખોટ પડી છે. લોકોએ એક સંઘર્ષશીલ નેતા ગુમાવ્યા છે.
કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, દિલીપભાઇ સંઘાણી, રાઘવજીભાઇ પટેલ, ડો.ભરત બોઘરા, ડી.કે.સખીયા સહિતના નેતાઓએ પણ વિઠ્ઠલભાઇએ સમાજ અને ખેડૂતો માટે કરેલા કામો અને સુવાસ તેમને કાયમી અમર રાખશે તેમ જણાવ્યું હતું. સાથોસાથ શિક્ષણ અને સહકારી ક્ષેત્રે વિઠ્ઠલભાઇ રાદડીયાએ આપેલા બેનમુન પ્રદાનને લોકો આજીવન યાદ રાખશે તેમ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ