80 ફૂટ રોડ-જાગનાથમાં કૌભાંડ છડેચોક ‘ચણાય’ છે

મનપામાં વહીવટદાર શાસનમાં ગેરકાયદે બાંધકામના ‘વહીવટ’ બે-લગામ

આમ પ્રજા મનપાની મંજૂરી વગર એક ઇંટ મૂકે તો પણ મનપાનું બુલડોઝર ધણધણતું આવી જાય,
બીજી બાજુ ટેબલ નીચે લાખોની પ્રોટેકશન મનીના વહીવટથી માલેતુજારોના તોસ્તાન પ્રોજેક્ટમાં માર્જિન
અને પાછળ નિયમ મુજબ છોડવાની થતી જગ્યામાં ગેરકાયદે બાંધકામના માચડાને મનપાની ભ્રષ્ટ ઓથ

જેની પાસે કોઇ રાજકીય વગ નથી, રોજેરોજનું કમાયને ગુજરાત ચલાવતા હોય એવી સામાન્ય વ્યક્તિ મનપાની મંજૂરી લીધા વગર જો એક ઇંટ પણ મુકે તો ટાઉન પ્લાનિંગ શાખાનું બુલડોઝર ધણધતુ આવી જાય. અને બીજીબાજુ જેની પાસે ઉપર સુધીની રાજકીય વગ છે અથવા તો કોથળા ભરીને પ્રોટેકશન મની આપવાની ક્ષમતા ધરાવતા હોય તેવા માલેતુજાર બિલ્ડર કે કોઇ વ્યક્તિ ટેબલ નીચેનો વહીવટ કરીને ગેરકાયદે બાંધકામનો માચડો ખડકી દે તો તેમા ટાઉન પ્લાનિંગ શાખાની છેવટ સુધીની ભ્રષ્ટ ઓથ હોય. આવા વધુ બે તોસ્તાન બાંધકામ કૌભાંડ ખુલ્લા પડ્યા છે. શહેરના 80 ફૂટ રોડ પર હ્યુન્ડાઇના શો-રૂમથી આગળ સત્યમપાર્ક સોસાયટી નજીક શ્રી રાજ ઇન્ડસ્ટ્રીયલનું બોર્ડ જ્યા છે એ શેરીમાં એેકસાથે પાંચ મોટા જબરા કારખાના બની રહ્યા છે. તેમા આગળ અને પાછળના ભાગે પાછળથી વધારાનું બાંધકામ ખડકાઇ રહ્યુ છે. જ્યારે બીજા આવા જ બાંધકામ કૌભાંડમાં જાગનાથ શેરી નં.11માં સમખાવા પુરતુ પણ માર્જિનની જગ્યા છોડ્યા વગર ચાર માળનો તોતીંગ કોમર્શિયલ હજીરો ખડકાઇ રહ્યો છે. બન્ને બાંધકામમાં ટાઉન પ્લાનિંગ શાખાના ચોક્કસ ટેબલ હેઠળ લાખો રૂપિયાનો વહીવટ થયો હોવાનું કહેવાય છે. એક જાગૃત નાગરિકે ટાઉન પ્લાનિંગ શાખાનો આ વહીવટ ખુલ્લો પાડવા માટે બન્ને બાંધકામના રજુ થયેલા પ્લાન સહિતની વિગત મેળવવા માટે આર.ટી.આઇ.નું શસ્ત્ર ઉપાડ્યું હોવાનું જાણવા મળ્યું છે.

80 ફૂટ રોડ પર પહેલાં પ્લાન મુજબ અને પછી માર્જિનની જગ્યામાં વધારાનો ખડકલો

એક કારખાના દીઠ રૂપિયા 2 લાખ મળી 4 કારખાનાનો રૂપિયા 8 લાખનો ટેબલ નીચે ‘વહીવટ’ થયાની ચર્ચા

શહેરના 80 ફૂટ રોડ પર હ્યુન્ડાઇના શો-રૂમથી આગળ સત્યમપાર્ક સોસાયટી જેવા પ્રાઇમ લોકેશનની નજીક જ ઔદ્યોગિક વસાહત છે. જ્યા મેઇન રોડ પર જ શ્રી રાજ ઇન્ડસ્ટ્રીયલનું બોર્ડ મારેલુ છે એ જ શેરીમાં લગભગ 200 વાર જેટલી જગ્યામાં એક એવા ચાર તોતીંગ કારખાના બની રહ્યો છે. જગ્યા ટાઇટલ ક્લીયર છે પણ અહીં બાંધકામ કૌભાંડ એ રીતે ઉભુ થઇ રહ્યુ છે કે, મનપાની મંજૂરી લેવા માટે રજૂ થયેલા પ્લાન મુજબ બાંધકામ થયુ. અને પછીથી નિયમ મુજબ આગળ છોડવાની થતી માર્જિનની જગ્યા અને પાછળના ભાગે પણ નિયમ મુજબ છોડવાની થતી જગ્યામાં પાયેથી જ છેક ત્રણ માળ સુધી ગેરકાયદે બાંધકામ ચાલુ કરી દેવામા આવ્યુ છે. આ ગેરકાયદે બાંધકામમાં એક માળ સુધી તો છત પણ ભરી નાખવામા આવી છે. જ્યારે પાછળના ભાગે પણ આ જ રીતે એક માળ સુધી છત ભરી નાખવામા આવી છે. બન્ને બાજુ ઝિરો-ઝિરો લેવલથી ગેરકાયદે બાંધકામનો માચડો ખડકાઇ રહ્યો છે. અહીં સવાલ એ છે કે, લાઇનબંધ એકસાથે ચાર મોટા કારખાનામાં મેઇન રોડ પરથી દેખાતુ હોવા છતા આ ગેરકાયદે બાંધકામ ટાઉન પ્લાનિંગ શાખાના કહેવાતા નિષ્ઠાવાન અનેદરોજ રાઉન્ડમાં નીકળનારા અધિકારીઓને શું દેખાતુ નહીં હોય? એવા સો મણના સવાલ પાછળ ચર્ચા એવી પણ થઇ રહી છે કે, એક કારખાના દીઠ રૂ.2 લાખનો ટેબલ નીચેનો વહીવટ થયો છે. કુલ 8 લાખમાં ચારેય કારખાનામાં
ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરી લેવાનું પેકેજ ટાઉન પ્લાનિંગ શાખાના ચોક્કસ ટેબલે નક્કી થયુ હોવાનું કહેવાય છે.

ચાલુ બાંધકામે કમ્પ્લિશન પણ અપાઇ ગયું? તપાસનો વિષય
80 ફૂટ રોડ પર મસમોટા કારખાનાના બાંધકામમાં પહેલા પ્લાન મુજબનું બાંધકામ થયુ અને પછીથી આગળ માર્જિનની જગ્યા અને નિયમ મુજબ પાછળના ભાગે છોડવાની થતી જગ્યામાં વધારાનું ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યુ છે. જાણકારોનું કહેવુ છે કે, ચારેય બાંધકામને કમ્પ્લિશન આપવાની પ્રક્રિયા થઇ ચુકી છે. શું આ રીતે ચાલુ બાંધકામે અન્ય કોઇને કમ્પ્લિશન મનપાની ટાઉન પ્લાનિંગ શાખા આપી દેશે?

જાગનાથ-11માં સમ ખાવા પૂરતું પણ માર્જિનની જગ્યા નહીં, કોમર્શિયલ કોમ્પ્લેકસનો માંચડો

નાગરિક બેંકમાં સારી પોઝિશન પર બિરાજતા રાજકીય આગેવાનની
ભાગીદારીવાળા બાંધકામમાં આકાર લઇ રહેલું તોસ્તાન કૌભાંડ

શહેરના જાગનાથ-11 વિસ્તારમાં જ્યા જાહેર વાહન વ્યવહાર અને અવરજવર ઓછી હોય છે. આવા ખૂણામાં આવેલી આ શેરીના કોર્નર ઉપર તોસ્તાન બાંધકામ કૌભાંડ ખડકાઇ ગયુ છે. હાલ બાંધકામને આખરી ઓપ અપાઇ રહ્યો છે. લોકડાઉન પહેલાથી આ બાંધકામ ચાલુ થયુ હોવાનું જાણવા મળ્યું છે. અહીં જગ્યા કોર્નર પર હોવા છતા બે બાજુ જગ્યા છોડવાની વાત દૂર રહી આગળ માર્જિન
કે
પાછળના ભાગે પણ સમ ખાવા
પુરતુ એક ઇંચ પણ જગ્યા છોડ્યા વગર આખુ કોમ્પ્લેક્સ ઉભુ થઇ ગયુ. નીચે
પાંચ દુકાન અને ઉપર ત્રણ માળનો ગેરકાયદે માચડો ખડકાઇ ગયો છે. એવુ કહેવાય છે કે, આ લાખેણા પ્રોજેક્ટમાં
નાગરિક બેંકમાં સારી પોઝિશન પર બિરાજતા અને સાથે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા નામાંકિત વ્યક્તિની આ પ્રોજેક્ટમાં ભાગીદારી છે. યાજ્ઞિક રોડથી તદન નજીક અને જાગનાથ જેવા પ્રાઇમ લોકેશનમાં આવેલા આ બાંધકામ પ્રોજેક્ટમાં પણ મનપાની ટાઉન પ્લાનિંગ શાખાની ભ્રષ્ટ ઓથ હોવાનું જાણવા
મળ્યુ છે. પ્રોજેક્ટ શરૂ થયો એ પહેલા જ 6 આંકડામાં પ્રોટેકશન મનીનો ટેબલ નીચેનો વહીવટ થઇ ગયો હોવાની પણ એક
ચર્ચા છે. બાંધકામ પ્લાન મનપામાં મુકાયા પછી માત્ર કાગળ પર જ જીડીસીઆરના નિયમોનું પાલન દેખાડવામા આવ્યુ અને સ્થળ પર રોડ લેવલથી ઝિરો-ઝિરો બાંધકામ ખડકાઇ ગયુ એ શું ટાઉન પ્લાનિંગ શાખાના સંબંધિત અધિકારીને દેખાયુ પણ નહીં હોય? સવાલની ભીંતરમાં જ ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે.

પાર્કિંગની પૂરતી જોગવાઇ વગર પ્લાન કઇ રીતે મંજૂર થયો?
જીડીસીઆરનો નિયમ છે કે, બાંધકામની જગ્યા મુજબ ફરજિયાતપણે પાર્કિંગની પુરતી જોગવાઇ રાખવી. અહીં તો ચાર માળના તોતીંગ હજીરામાં આગળના ભાગે માર્જિનમાં પાર્કિંગની જગ્યા તો દૂર રહી. પાછળના ભાગે કે સેલર કે અન્ય કોઇ રીતે વ્યવસ્થા કરીને પણ પાર્કિંગની પુરતી જોગવાઇ રાખવામા આવી હોવાનું દેખાતુ નથી. પાર્કિંગની પુરતી સુવિધા વગર પ્લાન કઇ રીતે મંજૂર થયો હશે? એ તપાસનો વિષય છે.

રિલેટેડ ન્યૂઝ