250 કરોડની જમીનનો ‘વહીવટ’, ગોળમટોળ નેતાનો ‘ખેલ’

રાજકોટમાં વધુ એક જમીનના વહીવટમાં ભાજપના નેતાનું નામ ઉછળ્યું

બગીચાના હેતુની જમીન પર ઉભેલા મકાનને કાયદેસર કરાવી દેવા ભાજપના આ ગોળમટોળ નેતાએ કરેલી ‘સેવા’ સામે કેટલો ‘મેવા’ મળ્યો ?

રાજકોટ, તા.4
રાજકોટમાં જમીનના ‘કારોબાર’માં મોટાભાગે રાજકીય નેતાઓની ભાગીદારી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. તેના માટે કદાચ હેતુફેર કરાવવાનો હોય તો પણ છેક ગાંધીનગરથી આ વહીવટ પાર પડાવી દેવા માટે ભૂગર્ભિય શેટિંગ ચાલે છે. આવી જ એક આશંકા સાથે શહેરના રૈયા ટીપી સ્કીમ હેઠળ આવતી બગીચાના હેતુની 11593 ચો.મી.ની અંદાજિત અઢીસો કરોડની જમીન પર બનેલા 165થી વધુ ‘બંગલા’ કાયદેસર કરવાનો ખેલ ભારે સિફતપુર્વક પાર પાડવામા આવી રહ્યો છે. દોઢ વર્ષથી ચાલતુ આ શેટિંગ આગામી દિવસોમાં મળનાર મનપાના જનરલ બોર્ડમાં દરખાસ્ત પસાર કરીને પાર પાડી દેવાની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ‘વહીવટ’ પાછળ રાજકોટ શહેર ભાજપના એક ગોળમટોળ નેતાના હાથ કાળા થયા હોવાનું સામે આવ્યુ છે.
રૈયા ટીપી સ્કીમ યોજના નં.1ના અંતિમ ખંડ નં.1276 પૈકી11593 ચો.મી.ની જમીન ગાર્ડનના હેતુ માટે અનામત રાખવામા મનપાને મળેલી છે. જે તે વખતે આ વિસ્તાર રૈયા ગામમાં હતો.
રૈયા ગામ મહાપાલિકાની હદમાં સમાવેશ થતા બગીચાના હેતુની આ લગડી જેવી જમીન પર હાલ 165થી વધુ
મકાન ઉભેલા છે.
ગાર્ડનના હેતુસરની આ જમીન ભલે જે તે વખતે રૈયા ગામમાં હતી. પરંતુ મહાપાલિકામાં ભળ્યા બાદ મનપાને આ જમીનનો કબજો મળતા ગાર્ડનના હેતુની અનામત જમીન ખુલ્લી કરાવવાની જવાબદારી મનપાની
બને છે.
તેના પર ઉભેલા મકાનના આસામીઓને અન્યત્ર વૈકલ્પિક જગ્યા આપવાનો રસ્તો પણ મનપા અપનાવી શકે છે. પરંતુ દોઢસો ફૂટ રિંગરોડથી નજીક આવેલા આ લગડી જેવી જમીનનો હેતુફેર કરીને દબાણગ્રસ્ત મકાનોને
કાયદેસર કરાવવા માટેનો ખેલ શરૂ થયો. એ માટે રાજકોટ શહેર ભાજપ સંગઠનના એક ગોળમટોળ નેતાએ આ ખેલ પાર પાડ્યો હોવાનું કહેવાય છે. આ ગોળમટોળ નેતાને ‘સેવા’ કરવાના નામે કેટલો ‘મેવો’ મળ્યો હશે? તેવી સવાલ ઉઠી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ