24 આવાસ યોજનાના 800 કવાર્ટર 10 વર્ષથી ધૂળ ખાય છે!

બીએસયુપીના 1058 આવાસ મળ્યા બાદ હાથ ધરાયેલ સર્વેમાં વધુ કવાર્ટરો મળી આવ્યા

વામ્બે, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, હુડકો અને બીએસયુપી યોજનામાં આવાસો બંધ હાલતમાં

વેઇટિંગ, અસરગ્રસ્તો અથવા નવા ફોર્મ બહાર પાડી આવાસની ફાળવણી કરાશે, કમિશનરનો અભિપ્રાય મંગાયો

રાજકોટ શહેરમાં વસવાટ કરતા મધ્યમ અને ગરીબ વર્ગના પરીવારોને સસ્તા દરે ઘરનું ઘર મળી રહે તે માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. પરંતુ વર્ષો પહેલા બની ગયેલ આવાસ યોજનાઓમાં અનેક આવાસો ખાલી પડ્યા હોવાનું તાજેતરમાં બહાર આવતા મનપા દ્વારા ફરી વખત 24 થી વધુ આવાસ યોજનાઓનો સર્વે કરવામાં આવેલ. જેમાં 800થી વધુ કવાર્ટરો ધૂળ ખાતા ધણીધોરી વગરના ખાલી પડ્યા હોવાનું બહાર આવ્યું છે. પરીણામે મનપાના આવાસ વિભાગ દ્વારા તમામ આવાસોની ફાળવણી ફરી વખત કઇરીતે કરવી તે માટેની મ્યુનિ. કમિશનર પાસે અભિપ્રાય
માંગ્યો હતો.
રાજકોટ શહેરમાં વસવાટ કરતા ઘરવિહોણા પરીવારો મહાનગરપાલીકા
દ્વારા આવાસ યોજનાની જાહેરાત થાય ત્યારે ફોર્મ ભરવા દોડી જતા હોય છે પરંતુ દીવા નીચે અંધારુ હોય તેમ 10 વર્ષ પહેલા કાલાવડ રોડ ઉપર બનાવવામાં આવેલ બીએસયુપી યોજનાના 1058 કવાર્ટરો આજસુધી ન ફાળવાતા જર્જરીત હાલતમાં પડ્યા હોવાનું બહાર આવતા મનપાએ તાજેતરમાં આ આવાસોનું રીપેરીંગ કરી તમામ કવાર્ટર બીપીએલ કાર્ડધારકોને ફાળવવાનો નિર્ણય લીધો છે. જયારે મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, વામ્બે, હુડકો સહિતની આવાસ યોજનાઓમાં અનેક કવાર્ટરો બંધ હાલતમાં પડ્યા હોવાની ફરીયાદો આવતા આવાસ યોજના વિભાગ દ્વારા બે માસ પહેલા 24 થી વધુ આવાસ યોજનાઓમાં સર્વે કરી ચેકીંગ હાથ ધરતા આ પ્રકારના 800 આવાસો બંધ હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. પરીણામે આવાસ યોજના વિભાગ દ્વારા તમામ આવાસોનું લીસ્ટ તૈયાર કરી અગાઉ કેટલા અરજદારોને ફાળવેલ તેમજ આ આવાસ ઉપર બાકી લોન હોય તે અરજદારે પૈસા ન ભર્યા હોય અથવાઅરજદારે કવાર્ટર લાગ્યું હોય પરંતુ સ્વીકાર ન કર્યો હોય તે સહિતની માહિતી એકઠી કરી ફાઈલ તૈયાર કરવામાં આવી છે અને આ તમામ કવાર્ટરો કોને ફાળવવા તે માટેનો અભિપ્રાય મ્યુનિ. કમિશનર પાસે માંગવામાં
આવ્યો છે.
આવાસ યોજના વિભાગના જણાવ્યા મુજબ નિયમ મુજબ જે-તે યોજનાના કવાર્ટરની ફાળવણી કરવાની હોય ત્યારે યોજનાના નામ મુજબ ફોર્મ બહાર પાડવામાં આવતા હોય છે. પરંતુ હાલમાં થયેલ સર્વેના રીપોર્ટ
મુજબ વામ્બે, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, હુડકો અને બીએસયુપી સહિતની અલગ અલગ યોજનાઓમાં છુટાછવાયા આવાસો ખાલી પડ્યા છે. પરીણામે તમામ આવાસ યોજનાઓના ફોર્મ બહાર પાડવા શક્ય નથી. આથી તમામ 800 આવાસના ફક્ત એક નામથી ફોર્મ બહાર પાડી કામગીરી સરળ બની શકે તે માટે કમિશનરને રજુઆત કરવામાં આવી છે. પરીણામે આગામી દિવસોમાં કમિશનર વિભાગની સુચના બાદ 800 આવાસોની ફાળવણી માટે કાર્યવાહી શરુ કરવામાં આવશે. જયારે ઉપરોકત આવાસો સંભવત: અસરગ્રસ્તોને ફાળવાના થાય અથવા વેઈટીંગમાં રહેલ અરજદારોને પણ ફાળવવાની શક્યતા જોવાઈ રહી છે.

કબ્જો કરનાર વિરુધ્ધ કડક પગલાં લેવાશે
શહેરમાં આવેલ અલગઅલગ આવાસ યોજનાઓમાં 800થી વધુ આવાસો પડતર હાલતમાં હોવાનું મનપાના સર્વે દરમ્યાન બહાર આવ્યું છે. ત્યારે આવાસ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ 35થી વધુ નવી તેમજ જુની આવાસ યોજનાઓમાં ખાલી પડેલા કવાર્ટરોનો કબ્જો આવારાતત્વોએ લઇ આ પ્રકારના આવાસો ભાડેથી આપી દીધા હોવાનું બહાર આવ્યું છે. પરીણામે આગામી દિવસોમાં રાજકોટમાં આવેલ તમામ આવાસ યોજનાઓમાં ફરી વખત ચેકીંગ હાથ ધરી કબ્જો કરેલા આવાસો ખાલી કરાવી આવારાતત્વોને ખદેડી મુકવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ