15000 ઘરોમાં વોટર ઝીરો બિલ આપવાનો પ્રારંભ

ચંદ્રેશનગરની 24 કલાક મીટર આધારીત પાણી વિતરણ યોજના અંતિમ તબક્કામાં

વપરાશ અને જરૂરીયાતને ધ્યાનમાં રાખી યુનિટના દર તેમજ મીટર ભાડુ નકકી કરી ફાઈનલ બિલ અપાશે

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હાલ દરરોજ 20 મિનિટ પીવાનું પાણી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. જૂની પાઈપલાઈનોના કારણે લાઈનલોસ થતો હોય પાણીનો વેડફાટ થાય છે. જેની સામે લોકોને પુરાફોર્સથી પાણી ન મળતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠતા સમગ્ર શહેરમાં જૂની લાઈનને બદલે ડીઆઈ પાઈપલાઈન નાંખી 24 કલાક મિટર આધારીત પાણી વિતરણ વ્યવસ્થા અમલી બનાવવા કવાયત હાથ ધરી છે. જેમાં પાઈલોટ પ્રોજેકટ તરીકે ચંદ્રેશનગર વિસ્તારમાં 15000 ઘરોમાં મિટર મુકયા બાદ હાલ તમામ આસામીઓને વોટર ઝીરો બીલ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
24 કલાક મિટર આધારીત પાણી વિતરણ વ્યવસ્થા પ્રોજેકટને
અમલમાં મૂક્યા બાદ કોર્પોરેશન દ્વારા પાઈલોટ પ્રોજેકટ તરીકે ચંદ્રેશનગર વિસ્તારના 15000 ઘરોની પસંદગી કરી તમામ વિસ્તારમાં પ્રથમ જૂની પાઈપલાઈનની જગ્યાએ નવી ડીઆઈ પાઈપલાઈન નાંખવાનો ગત વર્ષે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડીઆઈ પાઈપલાઈન નંખાયા બાદ તમામ જૂના નળ કનેકશનોનું ડીઆઈ લાઈનમાં જોડાણ આપવામાં આવે ત્યાર બાદ પ્રેશર સહિતની ટેસ્ટીંગ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે દરેક ઘરમાં મિટર આધારીત પાણીનું ટેસ્ટીંગ હાથ ધરવામાં આવેલ. જે સફળ થતાં હાલ તમામ ઘરોમાં વોટર ઝીરો બીલ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બાબતે મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવેલ કે, જૂની પાણીની લાઈનો જર્જરીત થઈ જવાને કારણે પાણીનો મોટો વેડફાટ થઈ રહ્યો છે. પરિણામે પૂરા શહેરમાં ડીઆઈ પાઈપલાઈન નાંખવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરવામાં આવી છે. જ્યારે લોકો દ્વારા પાણીનો વેડફાટ ન થાય અને પ્રજાને પાણીની કિંમત સમજાય તેમજ જરૂરત પડ્યે પાણી મળી શકે તે સહિતના મુદ્દે 24 કલાક મિટર આધારીત પાણી વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રોજેકટ અંતર્ગત ચંદ્રેશનગર વિસ્તારના 15000 ઘરોમાં પ્રથમ પાણીના મિટર મુકવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શેરી મિટર અને વિસ્તારના મુખ્ય મિટરો મુકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મિટર મુકાયા બાદ ડીઆઈ પાઈપલાઈન મારફતે પાણી વિતરણટેસ્ટીંગની કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ થયેલ હોય દરેક ઘરમાં થતો પાણીના વપરાશ મુજબ મહત્તમ પાણીનું બિલ આપી શકાય તેની તૈયારી શરૂ કરવામાં આવી છે. યુનિટના દર તેમજ મિટર ભાડુ નકકી કર્યા બાદ તમામ 15000
ઘરોમાં પ્રથમ વપરાશ મુજબના વોટર બિલ આપવામાં આવશે. 2019માં તત્કાલિન કમિશ્નર બંછાનિધિ પાનીએ 24 કલાક પાણી વિતરણ પ્રોજેકટને અમલમાં મૂક્યો હતો. ત્યારબાદ નેશનલ અર્બન ડેવલપમેન્ટ બેંક દ્વારા મહાનગર પાલિકાને ઉપરોકત પ્રોજેકટ માટે 300 કરોડની ગ્રાન્ટ ફાળવાતા પ્રોજેકટ પૂરજોશમાં ચાલુ કરવામાં આવ્યો હતો. બે વર્ષ દરમિયાન ડીઆઈ પાઈપલાઈન, મિટર સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે પાણી વિતરણ ટેસ્ટીંગની કામગીરી પૂર્ણ થતાં હાલ તમામ મિલકત ધારકોને વોટર ઝીરો બીલ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં 24 કલાક વિતરણ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ યુનિટના દર અને મિટર ચાર્જ નકકી કર્યા બાદ વોટર બિલ અલગથી આપવામાં આવશે અને સંભવત: વેરા બિલમાંથી વોટર ચાર્જ રદ કરવામાં આવે તેવી પણ શકયતા જોવાઈ રહી છે.

પાણીનો વેડફાટ ઝીરો થશે અને લોકોને કિંમત સમજાશે
શહેરના ચંદ્રેશનગર વિસ્તારમાં 15000 ઘરોમાં મિટર આધારીત પાણી વિતરણ યોજના અંતિમ તબકકામાં પહોંચી છે અને તમામ મિલકત ધારકોને હાલ ઝીરો વોટર બિલ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે
મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવેલ કે, લોકો દ્વારા થઈ રહેલ પાણીનો વેડફાટ સદંતર બંધ થઈ જશે અને લોકો જરૂરીયાત મુજબ જ પાણીનો વપરાશ કરશે પરિણામે પાણીના પૈસા ચૂકવવાના થતાં હોય લોકોને પાણીની કિંમત સમજાશે.
હવે આખુ વર્ષ રૂા.840માં પાણી નહીં મળે
ચંદ્રેશનગર વિસ્તારમાં મિટર આધારીત 24 કલાક પાણી વિતરણ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારના 15000 ઘરોમાં નળ ખોલો ત્યારે
પાણી તો મળશે પરંતુ, મિટર ચાર્જ અને યુનિટ મુજબ પાણીનો વપરાશ કરવો પડતો હોય હાલમાં એક વર્ષ દરમિયાન 840 રૂા. પાણી વેરો ભરવાનો થાય છે. તેની જગ્યાએ હવે મહિને રૂા.300થી 500 મિટર બિલ પેટે ચૂકવવાના થશે તેમ વોટર વર્કસ વિભાગમાંથી જાણવા મળેલ છે. આથી આખુ વર્ષ રૂા.840માં પાણી મેળવનાર આસામીઓને હવે પાણી મોંઘુ પડશે.

રિલેટેડ ન્યૂઝ