સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની દ્વિતિય પૂણ્યતિથિએ કાલે સેવાકાર્યોની વણઝાર

રક્તદાન, વેક્સિનેશન, સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

કરિયાણાની કિટ, ધાબળા, દવા, વૃક્ષોના રોપાનું વિતરણ, વૃધ્ધાશ્રમમાં ભોજનનું આયોજન

ગુજરાતના કદાવર ખેડૂત નેતા અને માજી સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાની દ્વિતિય પૂણ્યતિથિ નિમિત્તે તેમના જુજારુ વ્યકિતત્વને છાજે તેવી શ્રધ્ધાંજલી અર્પવા સૌરાષ્ટ્ર ઉપરાંત સુરત, વડોદરા, ભરૂચ અને અમદાવાદમાં પણ બ્લડ ડોનેશન સહિતના સેવાકિય કાર્યોનું આયોજન વિવિધ સંસ્થાઓ તેમના ટેકેદારો, કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા કરવામાં આવેલ છે. જીવનભર ખેડૂતો અને આમ જનતા માટે સંઘર્ષ કરનાર સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની આવતીકાલ તા.29મીને ગુરૂવારે દ્વિતિય પૂણ્યતિથિ નિમિત્તે કુલ 29 સ્થળે રક્તદાન કેમ્પના આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત જેતપુર, જામકંડોરણા અને ભેસાણ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ, જેતપુરમાં કોવિડ વેક્સિન કેમ્પ, ગૌશાળા ખાતે પશુરોગ નિદાન કેમ્પ, અમદાવાદ હાથીજણ ગામ પાસે વસ્ત્રદાન-અન્નદાન કેમ્પ, સુરત પાસોદરા પાટીયા કામરેજ ખાતે વિધવા બહેનો, અપંગ-મનોવિકલાંગ લોકોને અનાજ-કરિયાણાની કીટ, ધાબળા તથા દવા વિતરણ, વૃધ્ધાશ્રમમાં ભોજન અને વૃક્ષારોપણ-કુંડા-રોપા વિતરણ, પક્ષીને ચણ નાંખવા સહિતના સેવાકિય કાર્યોનું આયોજન સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના ટેકેદારો-ચાહકો દ્વારા કરવામાં આવેલ છે.
જ્યારે સ્વ.વિઠ્ઠલભાઈના માદરેવતન જામકંડોરણા ઉપરાંત જેતપુર, નવાગઢ, રાજકોટ, સુરત, જૂનાગઢ, રાણપુર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, ઉપલેટા, ગોંડલ, જસદણ, કેશોદ, ટંકારા, અરડોઈ, ધાવા
(ગીર), મેંદરડા, કાલાવડ, પડધરી, બાયડ, વિસાવદર સહિતના શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 29 સ્થળે રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે.સંબંધોના માણસ તરીકે લોકપ્રિય નેતા બનેલા મુઠી ઉંચેરા માનવી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં રાદડિયા પરિવાર ઉપરાંત સ્વ.વિઠ્ઠલભાઈના ટેકેદારો, ચાહકો અને કાર્યકરો રાજકિય હુંસાતુસી એક તરફ મૂકી સેવાકિય કાર્યો માટે કટિબધ્ધ બન્યા છે અને ભાંગ્યાના ભેરૂ સમાન સ્વ.વિઠ્ઠલભાઈની સ્મૃતિ સમાજ માટે યાદગાર-અનુકરણીય બને તે માટે પ્રયાસો કરી રહ્યા છે. તા.29 જૂલાઈને ગુરૂવારનો દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાત માટે એક કદાવર નેતાની યાદમાં સેવાકિય પ્રકલ્પોનોદિવસ બની રહે તેવા સંવેદનશીલ કાર્યોના આયોજન થયા છે. સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી અવિરત સેવાકાર્યો યોજાનાર છે. સ્વ.વિઠ્ઠલભાઈની પૂણ્યતિથિ નિમિત્તે સૌરાષ્ટ્ર ઉપરાંત સુરત,
અમદાવાદ, વડોદરા અને ભરૂચની સેવાભાવી સંસ્થાઓએ પહેલ કરી કાયમી સંભારણારૂપ સેવાકાર્યોનું આયોજન કર્યું છે.

જેતપુરમાં કાયમી હરતુ-ફરતુ અન્નક્ષેત્ર શરૂ થશે
છોટે સરદાર સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્મૃતિ કાયમી ધોરણે જળવાઈ રહે તે માટે તેમની દ્વિતિય પૂણ્યતિથિએ જેતપુરના સત્યમ શિવમ સુંદરમ્ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેતપુર શહેરમાં કોઈ અશક્ત, ગરીબ કે નિરાધાર માણસ ભુખ્યો સુવે નહીં તેવી નેમ સાથે કાયમી ધોરણે હરતા-ફરતા અન્નક્ષેત્રનો પ્રારંભ તા.29ને ગુરૂવારથી કરવામાં આવનાર છે. આ ફરતુ અન્નક્ષેત્ર બપોરે અને સાંજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી ભુખ્યા લોકોને જઠરાગ્ની ઠારવાની કાયમી કરશે.
તમામ સંસ્થાઓ, સંગઠનો, કાર્યકરોનો આભાર: જયેશ રાદડિયા
સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના પૂત્ર અને રાજ્યના યુવા કેબીનેટમંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે,
મારા પિતા સ્વ.વિઠ્ઠલભાઈએ જીવનભર ખેડૂતો, ગરીબો અને આમ જનતા માટે સંઘર્ષ કર્યો હતો. તેમણે પોતાની પાસે કામ લઈને આવતા કોઈપણ નાગરીકની નાત-જાત કે તેનો પક્ષ પૂછ્યો નથી અને માત્ર સેવાની ભાવનાથી કામ કર્યું છે. તેના કારણે સમગ્ર ગુજરાતમાં સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની એક સાચા લોકનેતા તરીકેની લોકચાહના છે અને તેથી જ તેમની સ્મૃતિમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ, વ્યાપાર-ઉદ્યોગ સંગઠનો ઉપરાંત વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલ સેવાભાવિ લોકો દ્વારા સેવાકિય કાર્યોના આયોજનો કરવામાં આવ્યા છે. મારા પિતાની સ્મૃતિમાં વિવિધ સેવાકિય કાર્યો કરનાર સંસ્થાઓ, સંગઠનો, આગેવાનો અને કાર્યકરોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા પિતાશ્રીની માફક હું પણ એક જનપ્રતિનિધિ તરીકે તેમણે કંડારેલી કેડી પર ચાલી લોકોની સેવા કરવાની ખાત્રી આપું છું.

રિલેટેડ ન્યૂઝ