સાયલાના કરાડી ગામે વૃધ્ધા સહિત ચાર ઉપર ત્રણ શખ્સનો ધોકા-પાઈપથી હુમલો

બગસરાના સમઢિયાળામાં યુવાનને પાંચ શખ્સે ઢોર માર માર્યો

સાયલા તાલુકાના કરાડી ગામે રહેતા વૃધ્ધા સહિત ચાર વ્યકિત ઉપર ત્રણ શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ધોકા-પાઈપ વડે મારમાર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધા સહિત ચારેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ,
સાયલાના કરાડી ગામે રહેતા વનરાજભાઈ દાનભાઈ ગોવાળીયા (ઉ.વ.25), દાનભાઈ ભીમભાઈ ગોવાળીયા (ઉ.વ.60), રાજદીપભાઈ વનરાજભાઈ ગોવાળીયા (ઉ.વ.15) અને લાખુબેન દાનભાઈ ગોવાળીયા (ઉ.વ.65) પોતાની વાડીએ હતા. ત્યારે મોઢભાઈ, વિજય અને પ્રદીપ નામના ત્રણેય શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ધોકા-પાઈપ વડે હુમલો કરી ઢોર મારમાર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ચારેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ધજાળા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં, બગસરા તાલુકાના સમઢીયાળા ગામે રહેતો ભીમ મધુભાઈ વાઘેલા (ઉ.વ.31) નામનો યુવાન રાત્રીના સાડા આઠેકવાગ્યાના અરસામાં ગામમાં હતો. ત્યારે નાગજી, પ્રતાપ, નથુ, જગુ અને વિપુલે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ધોકા વડે મારમાર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ
કરાયો હતો.
જસદણના જશાપરમાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
જસદણ તાલુકાના આટકોટ નજીક આવેલા જશાપર ગામે રહેતી સરીતાબેન કિશનભાઈ પરમાર નામની 33 વર્ષની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે સાંજના
સાડા ચારેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણીને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલી પરિણીતાના 13 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેને સંતાનમાં એક પૂત્ર અને બે પૂત્રી હોવાનું જાણવા મળ્યું છે. આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ