વધુ 2 ખાનગી હૉસ્પિ.ને કોવિડની મંજૂરી: 32 હૉસ્પિટલો થઈ ધમધમતી

શહેરીજનોને સમયસર સારવાર મળી શકે તે માટે તંત્રએ જોરદાર તૈયારીઓ આરંભી

સારથી અને પંચનાથ હોસ્પિટલનું કોવિડમાં રૂપાંતરણ: ઓક્સિજન સહિતની સારવાર ઉપલબ્ધ

રાજકોટ શહેરમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પોઝીટીવ દર્દીઓને સારવાર માટે હાલમાં કાર્યરત સિવિલ તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલો હાઉસફુલ થઈ જતાં મહાનગરપાલિકાએ વધુ 2 ખાનગી હોસ્પિટલોનું કોવિડમાં રૂપાંતરણ કરવાની મંજૂરી આપી છે. સારથી અને પંચનાથ હોસ્પિટલમાં હવેથી કોરોના દર્દીઓને તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ થશે. આથી રાજકોટમાં 32 ખાનગી કોવિડ હોસ્પિટલો આજથી ધમધમતી થઈ ગઈ છે.
શહેરમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે દર બ દર ભટકવું પડી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને નો-એન્ટ્રી થઈ ગઈ છે. જ્યારે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં પણ બેડ ફૂલ હોય દર્દીઓને
વેઈટીંગમાં રહેવું પડે તેવો સમય આવી જતાં રાજકોટ મહાનગરપાલિકાએ વધુ 2 ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરણ કરવાની મંજૂરી આપી છે. સારથી અને પંચનાથ હોસ્પિટલમાં આજથી કોવિડની સારવાર શરૂ કરવામાં આવી છે. તેવી જ રીતે રણછોડદાસજી કોમ્યુનિટી હોલમાં પણ 200 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેનું સંચાલન ખાનગી હોસ્પિટલ સંભાળશે ત્યારબાદ કોવિડના દર્દીઓને ઉપરોકત સ્થળે તમામ પ્રકારની સારવાર પ્રાપ્ત થશે.
મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવેલ કે રાજકોટમાં કોરોનાના કેસ બમણી ગતીથી વધતાં દર્દીઓ માટે કોવિડ હોસ્પિટલની જરૂરિયાત ઉભી થઈ છ.ે ગઈકાલે અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં
સિનર્જી હોસ્પિટલના સહયોગથી 200 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલનો પ્રારંભ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે કુવાડવા રોડ પર આવેલા રણછોડદાસજી કોમ્યુનિટી હોલમાં પણ 200 બેડની સુવિધા વાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે તંત્રએ પ્રયાસ શરૂ કર્યા છે. ખાનગી હોસ્પિટલના સંચાલકો જો કોમ્યુનિટી હોલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માંગતા હશે તો મામૂલી ભાડાથી કોર્પોરેશન તેમને કોમ્યુનિટી હોલ ફાળવશે. કોમ્યુનિટી હોલમાં ઓક્સિજન તેમજ બેડની વ્યવસ્થા મનપા દ્વારા કરવામાં આવશે. જ્યારે ડોકટર, નર્સ સહિતની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલે ઉભી કરવાની રહેશે. તેવી જ રીતે શહેરીજનોને કોમ્યુનિટી હોલખાતે સારવાર દરમિયાન બિલમાં ડિસ્કાઉન્ટ મળશે.

30 ખાનગી હૉસ્પિટલો ફુલ
મહાનગરપાલિકાએ કોરોનાની પરિસ્થિતી જોઈને આજે સારથી અને પંચનાથ ખાનગી હોસ્પિટલનું કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરણ કર્યું છે. જેના કારણે હાલ 32 ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. પરંતુ, કોરોનાના પોઝીટીવ કેસમાં સતત વધારો નોંધાતા 30 ખાનગી કોવિડ હોસ્પિટલોમાં છેલ્લા ચાર દિવસથી હાઉસફુલના પાટીયા લાગી ગયા છે. જેના કારણે દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલે સારવાર માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. તંત્રએ આજે વધુ બે હોસ્પિટલને કોવિડની મંજૂરી આપી છે. છતાં બે-ચાર દિવસમાં વધુ હોસ્પિટલોની જરૂર પડશે તેવું હાલની પરિસ્થિતી જોઈને લાગી રહ્યું છે.

હોસ્પિટલો ફાળવી પરંતુ સ્મશાનનું શું?
મહાનગરપાલિકાએ અગાઉ 30 હોસ્પિટલોને કોવિડની મંજૂરી આપ્યા બાદ વધુ જરૂરિયાત ઉભી થતાં આજે સારથી અને પંચનાથ હોસ્પિટલને કોવિડની મંજૂરી આપી છે. પરંતુ, ખાનગી 32 હોસ્પિટલો, સરકારી હોસ્પિટલ, સમરસ હોસ્ટેલ સહિતના સ્થળોએ સારવાર દરમિયાન મોત નિપજ્યું હોય તેવા કોરોનાના દર્દીઓના અગ્નિદાહ માટે જગ્યા ખૂંટી પડી છે. મનપા દ્વારા તાજેતરમાં 6 વધુ સ્મશાનો ફાળવવામાં આવ્યા છે. છતાં દરેક સ્થળે વેઈટીંગ હોવાને કારણે હોસ્પિટલ ફાળવ્યા બાદ સ્મશાનો માટે વધુ જગ્યા ફાળવવાની જરૂરીયાત ઉભી થઇ છે.
ભાવબાંધણુ ખરું પણ ઉઘાડી લૂંટનું શું?
મહાનગરપાલિકાએ ધડોધડ ખાનગી હોસ્પિટલોને કોવિડની મંજૂરી આપી દીધી છે. આજે વધુ બે હોસ્પિટલોને મંજૂરી આપતા હાલ શહેરમાં
32 ખાનગી કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં શરૂ થયેલ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. પરંતુ, બાકીની ખાનગી હોસ્પિટલોમાં રિતસર દર્દીઓ પાસેથી વધુ ચાર્જ લેવામાં આવી રહ્યાનું બહાર આવ્યું છે. જ્યારે રેમડેસિવિર ઈન્જેકશન અને ઓક્સિજન માટે પણ અલગથી કમરતોડ ચાર્જ લેવામાં આવી રહ્યો હોવાની બુમારણ ઉઠી છે. ત્યારે તંત્ર દ્વારા ભાવબાંધણુ નકકી કરાયું છે છતાં ઉઘાડી લૂંટ થઈ રહી છે. તેનું નિરાકરણ લાવવું પણ જરૂરી બન્યું છે.

રિલેટેડ ન્યૂઝ