રૂડાના 24 ગામમાં ત્રણ માસ બાદ મળશે ઘરે-ઘરે નળ વાટે પાણી

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પાણી પૂરવઠા યોજનાની કામગીરી પૂરજોશમાં ચાલુ

દરેક ગામમાં સંપ અને પાણીના ટાંકા બનાવવા માટેના ટેન્ડર સંપન્ન: ગ્રામ પંચાયત વિતરણ વ્યવસ્થા સંભાળશે

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા 52 પૈકી 24 ગામોમાં ઘરે ઘરે નળ વાટે પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા યોજના અમલમાં મૂકી છે. ગત વર્ષે શરૂ કરવામાં આવેલ યોજનાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલુ હોય ત્રણ માસ બાદ દરેક ગામમાં પાઈપલાઈન મારફત પીવાનું પાણી પહોંચતું થઈ જશે. 24 ગામોમાં પાણીના સં5 અને ટાંકો બનાવવાના ટેન્ડરની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે. આથી ત્રણ માસ બાદ 24 ગામોમાં ઘરે ઘરે નળ વાટે પીવાનું પાણી મળતું થઈ જશે તેમ રૂડાના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
રૂડા ચેરમેન ઉદિત અગ્રવાલના જણાવ્યા મુજબ, રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ
હેઠળ આવતા મુખ્ય 24 ગામોમાં પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે પાણી પૂરવઠા યોજનાને લીલીઝંડી આપી ગ્રાન્ટ મંજૂર કરી હતી. પરિણામે ગત વર્ષે યોજના અંતર્ગત પાઈપલાઈન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 24 ગામોને આવરી લેતી આ યોજનામાં પાઈપલાઈન નાંખવાની કાર્યવાહી પૂર્ણ થવામાં હોય દરેક ગામમાં પાણીનો સંપ અને પાણીનો ટાંકો બનાવવા માટેના ટેન્ડર પ્રસિધ્ધ કર્યા બાદ વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે.
દરેક ગ્રામ પંચાયતોને પોતાના ગામમાં વિતરણ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. રૂડા ફકત ગામ સુધી પીવાનું પાણી પહોંચતુ કરશે. ત્યારબાદ તમામ કાર્યવાહી ગ્રામ પંચાયતે કરવાની રહેશે. અગાઉ
રાજ્ય સરકાર દ્વારા રૂડા હેઠળના 52 ગામોમાં પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા માટે સૂચના આપવામાં આવેલ. જે અંતર્ગત રૂડા દ્વારા રાજકોટની આજુબાજુ આવેલા 24 ગામોની પાઈલોટ પ્રોજેકટ તરીકે પસંદગી કર્યા બાદ ઠરાવ રાજ્ય સરકારને મોકલવામાં આવેલ. ત્યારબાદ સરકારે 24 ગામ પીવાના પાણીની પૂરવઠા યોજના મંજૂર કરી ગ્રાન્ટ ફાળવી હતી. જેથી ગત વર્ષે રૂડા દ્વારા પ્રોજેકટની કામગીરી શરૂ કરવામાંઆવી હતી.
ચેરમેને વધુમાં જણાવેલ કે, પાઈલોટ પ્રોજેકટ તરીકે 24 ગામોમાં પીવાનું પાણી ઘરે ઘરે મળી રહે તે મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. નર્મદાનું પાણી રૂડા દ્વારા દરેક ગામમાં પહોંચતુ કરવામાં
આવશે. ગામ તળ પાણીનો સંપ અને પાણીનો ટાંકો તૈયાર કરવામાં આવશે. ટાંકામાંથી ગામમાં ગ્રામ પંચાયતના નકશા મુજબ શેરીઓમાં પાણીની લાઈનો નાંખવાનું કામ તેમજ ઘરે ઘરે નળ કનેકશન આપવાનું કામ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે. તેમજ ગ્રામ પંચાયત પાણી વેરા સહિતની કાર્યવાહી પોતાના હસ્તક રાખશે. હાલ લાઈન નાંખવાની તેમજ પાણીના ટાંકા અને સંપ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે હોય સંભવત: ત્રણ માસ બાદ એટલે કે મે માસમાં 24 ગામોમાં ઘરે ઘરે પીવાનું પાણી મળતું થઈ જશે.

પાણી પૂરવઠા યોજનાના 24 ગામ
રૂડા દ્વારા પાણી પૂરવઠા યોજના અંતર્ગત વિજયનગર, રતનપર, ગવરીદળ, રાજકોટ, હડમતીયા, બેડી, સોખડા, માલીયાસણ, ધમાલપર, નાકરાવાડી, આણંદપર, મનહરપર-2, રોણકી, પરાપીપળીયા, ખંઢેરી, બાઘી, નારણકા, ન્યારા, વિરડા વાજડી ગામમાં પીવાનું પાણી મળશે. જ્યારે માધાપર, ઘંટેશ્ર્વર, મોટામવા, મુંજકા રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ભળી જતાં મનપા દ્વારા આ ગામોમાં પીવાનું પાણી સપ્લાય કરવામાં આવશે.
પાણી વિતરણ વ્યવસ્થાની જવાબદારી ગ્રામ પંચાયતોને સોંપાઈ
રૂડા દ્વારા 24 ગામોમાં ઘરે ઘરે
પીવાનું પાણી આપવાની યોજના આખરી તબકકામાં પહોંચી છે. દરેક ગામ સુધી પાણી પહોંચતુ કરવા માટે પાઈપલાઈન સહિતની કામગીરી પૂર્ણ થવામાં આવી છે. ત્યારે ગામ તળ પાણીનો સંપ અને પાણીનો ટાંકો બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રૂડા દ્વારા સંપ સુધી પાણી પહોંચતુ કરવામાં આવશે. ત્યારબાદ ગામમાં લાઈન નાંખવાની તેમજ ઘરે ઘરે નળ આપવાની અને નળ ચાર્જ ઉઘરાવવા સહિતની જવાબદારી ગ્રામ પંચાયતને સોંપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ