માસ્ક, ડિસ્ટન્સ સાથે બીએલઓ સવારે 10થી 5 હાજર રહેશે
રાજકોટ જિલ્લાના નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા કે કમી સહિતનું કામ આવતીકાલે રવિવારે પોતાના જ
મતદાન બૂથ પર કરાવી શકશે. મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ અંતર્ગત બૂથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ.) કાલે રવિવારે સવારે 10થી પાંચ બૂથ પર હાજર રહીને મતદાર યાદીની કામગીરી કરશે. રાજકોટ શહેરમાં 799 સહિત જિલ્લામાં 2232 બૂથ પર આ કાર્યવાહી થનાર છે.નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન. આર. ધાધલે જણાવ્યું હતું કે, મતદાર યાદી સુધારણાની કામગીરી માટે તમામ બી.એલ.ઓ.ને તાલીમ આપી દેવામાં આવી છે. જિલ્લામાં તમામ બૂથ પર બી.એલ.ઓ. રવિવારે સવારે 10થી 5 હાજર રહેશે. જેમની પાસેથી ફોર્મ મેળવીને મતદાર યાદીનું કામ કરી શકાશે. તમામ બૂથ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાય, માસ્ક તથા સેનિટાઇઝરનો ખ્યાલ રખાશે. નાગરિકોને પણ અપીલ છે કે, તેઓ માસ્ક પહેરીને દૂરી જાળવીને મતદાર યાદી સંબંધિત કામગીરી કરે.
તેમણે ઉમેર્યું હતું કે, 1 જાન્યુઆરી 2021ના રોજ જેમની ઉંમર 18 વર્ષ પૂરી થતી હોય એટલે કે હાલ જેમના 18 વર્ષ ચાલુ હોય તેઓ પણ મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી શકશે. તમામ નાગરિકોને એવી અપીલ છે કે, ઓળખ અને રહેઠાણના પૂરાવા સાથે ફેમિલીના કોઈ સભ્યનું પણ મતદાર કાર્ડ લાવવું. જેથી તેમના ફેમિલીના બન્ચમાં જ તેમનું નામ જોડી શકાય.
તેમણે જણાવ્યું હતું કે, ફર્સ્ટ ટાઇમ વોટર એટલે કે જેઓ આગામમી ચૂંટણીમાં પહેલીવાર મતદાન કરવાના છે, તેવા યુવા મતદારોની નામ નોંધણી માટે વિશેષ પ્રયાસો હાથ ધરાશે.
નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામા ખાસ ઝુંબેશના દિંવસોમાં 22મી નવેમ્બરને રવિવાર, 29 નવે. રવિવાર, 6 ડિસે. રવિવાર તથા 13 ડિસેમ્બરને રવિવાર એમ ચાર રવિવારે એરિયા વાઇઝ સુધારણા થશે. રાજકોટ શહેરમાં 799 અને જિલ્લામાં 1433 મળી, શહેર જિલ્લામાં કુલ 2232 મતદાન બૂથ ઉપર સુધારણા થશે. જેમાં નાગરિકો નવા મતદારનું નામ ઉમેરવા, નામ સુધારવા કે બદલવા, કમી કરવા, સરનામું બદલવા સહિતની પ્રક્રિયા કરી શકશે.
યુવા મતદારોની નોંધણી માટે
વેબિનાર, 53 કોલેજ કેમ્પસ એમ્બેસેડર મુકાયાયુવા મતદારોની મહત્તમ નોંધણી માટે કોલેજીયનોમાં જાગૃતિ લાવવા વિશેષ પ્રયાસો થયા છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.આર. ધાધલે જણાવ્યું કે, આ માટે સૌરાષ્ટ્ર યુનિ. તથા મારવાડી યુનિ.ના સહયોગથી વેબિનારનું આયોજન થયું છે. ઉપરાંત વિવિધ કોલેજોમાં કુલ 53 કોલેજ એમ્બેસેડરની નિમણૂક કરાઈ છે. આ કોલેજ એમ્બેસેડર પોતાની કોલેજના યુવાનોને અપીલ કરીને મહત્તમ નોધણી થાય તેના માટે મદદ કરશે