રજુઆત કરનાર કાગવડના વૃદ્ધ પર ખનીજ ચોરોનો હુમલો

ઇજાગ્રસ્ત વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ : ગુનો નોંધવા પોલીસની તજવીજ શરૂ

જેતપુર તાલુકા પંથકમાં ખનીજ માફિયાઓ ફાટીને ધુમાડે ગયા છે. આજે ખનીજ ચોરી બાબતે વારંવાર સરકારી તંત્રોને રજૂઆત કરનાર કાગવડના એક વૃદ્ધ ઉપર ખનીજ ચોરી કરતા પાંચ શખ્સોએ હુમલો કરતા તેમને વીરપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
એટલું જ નહિ હુમલાખોર ખનીજ માફિયાઓએ રજૂઆત કરનાર વૃદ્ધને
રિવોલ્વર બતાવી ને હવે પછી ક્યારેય રજૂઆત કરી છે તો તને ફુકી મારીને જીવતો પતાવી દઈશું તેવી ધમકી આપી હતી. હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધનું નિવેદન લઇને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે જેતપુર તાલુકાના કાગવડ ગામે રહેતા અને માલધારી તરીકે જીવન જીવતા હેમંતગર વજેગર મેઘનાથી નામના વૃદ્ધે છેલ્લા ચાર વર્ષ થયા કાગવડ વિસ્તારમાં બેરોકટોક ખનીજ ચોરી બાબતે
જેતપુર સહિત લાગતા વળગતા સત્તાવાળાઓને રજૂઆત કરતા આવે છે. છતાં ખનીજ માફિયાઓને સરકારી તંત્ર સાથે જાણે મીલીભગત હોય તેમ કોઈ પણ પ્રકારના પગલા ભરાતા નથી.
આજે કાગવડમાં ગૌચરની જમીન ખોદી રહેલા ખનીજ
ચોરો બાબતે હેમંતગરભાઈએ તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરતા ટીડીઓએ તાત્કાલિક આ ખનિજ ચોરી અટકાવી દીધી હતી.
પરંતુ આ વાતના આ વાતનો રાગદ્વેષ રાખીને કિશન સહિત પાંચ શખ્સો રજૂઆત કરનારનાઘરે પહોંચી જઈને લાકડી તેમજ ઢીકાપાટુનો માર મારી માલધારી વૃદ્ધને ઘાયલ કરી દીધા હતા.
દરમિયાન મૂંઢ મારથી પીડાતા ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. અહીં હોસ્પિટલ ખાતે દોડી
ગયેલી પોલીસ સમક્ષ ઇજાગ્રસ્ત વૃદ્ધે નિવેદન આપ્યું હતું કે કાગવડની ધાર વિસ્તારમાં થતી ખનીજ ચોરી બાબતે તેમણે તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરતા ખનીજ ચોરો લાજવાને બદલે ગાજીને તેમના ઉપર હુમલો કર્યો હતો.
એટલું જ નહીં પોતાના પર હુમલો કરનાર 5 શખસમાંથી એકના પડખામાં રિવોલ્વર હતી અને એવી ધમકી આપી હતી કે હવે પછી ખનીજચોરી બાબતે ક્યાંય પણ રજૂઆત કરી છે તો ફૂંકી મારીને જીવતો પતાવી
દઈશ.
હોસ્પિટલમાં સારવાર લેતા વૃદ્ધે આક્ષેપ કરતા કહ્યું હતું કે પોતાના પર હુમલો કરવામાં કાગવડના સરપંચ તેમજ એક કિશન નામના શખ્સ સહિત 5 હતા. હુમલા દરમિયાન તેમના ચશ્મા તૂટી જતા તેઓ હુમલાખોરોને
બરાબર ઓળખી શક્યા નહોતા.પોલીસે ઇજાગ્રસ્ત વૃદ્ધના નિવેદન પરથી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
જાણકારો કહે છે કે ખનીજ ચોરી રોકવાનો પ્રયાસ કરનાર વૃદ્ધ પર હુમલો કરવામાં ભાજપના અમુક શખશો સામેલ
હોવાની વિગતો ગામમાં ચર્ચાઈ રહી છે. ત્યારે સ્થાનિક પોલીસે કોઈપણની સામે શેહ શરમ રાખ્યા વગર હુમલાખોરો સામે ગુનો નોંધવો જોઈએ.

રિલેટેડ ન્યૂઝ