માધાપર-મોરબી બાયપાસ પર વિસ્ફોટ ક પંપ તબાહી નોતરશે

રાજકોટ શહેર,જિલ્લામાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા કથિત બાયોડીઝલના પંપ

જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાંચ સામે જ ધમધમે છે બાયોડીઝલનો ગેરકાયદે પંપ : તંત્રની ભ્રષ્ટ નીતિના કારણે ડીઝલનું વેચાણ ઘટયું, સરકારને રોજ લાખો રૂપિયાની ટેકસની આવકને ફટકો

રાજકોટ શહેર જિલ્લામાં પોલીસ અને કલેક્ટર તંત્રની મીઠી નજર(પંપ દીઠ લાખોના હપ્તા લઇને) હેઠળ બેરોકટોક ધમધમી રહેલા કથિત બાયોડીઝલના ગેરકાયદે પંપ રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ સહિતના ઇંધણમાં થઇ રહેલા સતત વધારાના કારણે ટ્રાન્સ્પોર્ટ, ટ્રાવેલ્સના સંચાલકો અને ખેડૂતો 25 ટકા ઓછી કિંમતે આસાનીથી મળી રહેતા કથિત બાયોડીઝલના વપરાશ તરફ વળ્યા છે. આ પ્રથાના કારણે પેટ્રોલપંપના સંચાલકોને ધંધામાં નુકશાન સાથે સરકારને ટેકસમાં રોજ લાખો રૂપિયાની નુકશાન થઇ રહી છે. ગુજરાત મિરરે આ કૌભાંડ અંગે પુરાવા સહિત અહેવાલ પ્રસિધ્ધ કર્યા પછી કલેક્ટર તંત્ર દ્વારા દેખાવ ખાતર બે દિવસમાં બે સ્થળે દરોડા પાડીને 23 હજાર લીટર કથિત બાયોડીઝલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો હતો પરંતુ અહિંથી આગળની કોઇ કાર્યવહી થઇ નથી અને બીજા પંપ બંધ કરાવવાની દરકાર પણ લેવાઇ નથી એ બાબત જ તંત્રને કેટલો હપ્તો મળતો હશે એ સૂચવી જાય છે! શહેર,જિલ્લામાં હાલમાં અંદાથીત 120થી વધુ ગેરકાયદે પંપ ચાલુ છે. રાજકોટમાં માધાપર ચોકડીથી મોરબી બાયપાસ રોડ પર શરૂ થયેલા ગેરકાયદે પંપમાં પંપની બાજુમાં જ દુર્ઘટનાને આમંત્રણ અપાતું હોય એ રીતે રાખેલા બેરલ-કેરબાના કારણે માત્ર એક તણખો જીવલેણ સાબિત થશે તેવું નજેર જોનારાઓ કહી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં રાજકોટ-ગોંડલ હાઇ-વે પર એક ગેરકાયદે પંપ તો જિલ્લા ક્રાઇમ બ્રાંચ(એલ.સી.બી.)ની ઓફિસની સામે જ છે! આવા ગેરકાયદે પંપ બંધ કરાવી દેવાની રાજ્યના પુરવઠા અધિકારી તેમજ રાજ્યના પોલીસવડાની કડક સૂચના છતાં પંપ દીઠ મહિને લાખો રૂપિયાની હપ્તાખોરી આ દૂષણ માટે જવાબદાર હોવાનું છડેચોક ચર્ચાઇ રહ્યું છે.

પંપમાં રાજકિયઆગેવાનો, મોટામાથાઓની ભાગીદારીની ચર્ચા
પોલીસસૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, સરકારની તિજોરીને મહિને કરોડો રૂપિયાની નુકશાની માટે જબાબદાર નકલી બાયોડીઝલના અનેક પંપ પૈકી અમુક પંપમાં રાજકિય
આગેવાનો અને મોટા માથાઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગીદારી હોય છે. જોકે આવા રાજકિય આગેવાનો, માથાઓ પણ ધંધાની ઉની આંચ ન આવે એ માટે પોલીસ, પુરવઠા તંત્રને નક્કી કરેલા હપ્તા ચૂકવતા હોવાથી ગાંધીછાપ નોટના અહેસાન તળે દબાયેલું ભ્રષ્ટ તંત્ર દરોડા પાડવામાં પીછેહટ કરી રહ્યું છે.

‘મલાઇ’અધિકારીઓ બોટી જાય, સ્ટાફને ‘ઉઘરાણાં’ કરવાની મનાઇ!
કથિત બાયોડીઝલના પંપ દીઠ પોલીસ અને કલેક્ટર તંત્ર વચ્ચે સરેરાશ પાંચ લાખનો હપ્તો ચૂકવાતો હોવાનું ગેરકાયદે પંપ સાથે સંકળાયેલા સૂત્રો કહી રહ્યા છે. આ ઉપલી આવકનો વહીવટ ડાયરેક્ટ અધિકારીઓ સુધી પહોંચે છે. સામાન્ય રીતે દારુ,જુગાર સહિતના ગેરકાનૂની ગણાતા પરંતુ પોલીસની મંજૂરીથી ચાલતા ધંધાના સ્થળે સ્ટાફના જવાનો ખિસ્સા ખર્ચી માટે બે-પાંચ હજાર લઇ આવતા હોય છે. પરંતુ કથિત બાયોડીઝલના પંપ ઉપર ખિસ્સા ખર્ચી માટે જવાની સ્ટાફને સખત મનાઇ હોવાથી સ્ટાફમાં પણ ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

શહેર, જિલ્લામાં આટલા વિસ્તારોમાં ચાલે છે પંપ: હરતા-ફરતા પંપની સુવિધા!
રાજકોટમાં ગોંડલ રોડ, મોરબી રોડ, કુવાડવા રોડ, કોઠારીયા ચોકડી વિસ્તારમાં 20 થી વધુ ગેરકાયદે પંપ ચાલી રહ્યા છે. જ્યારે જિલ્લામાં રાજકોટ-ગોંડલ હાઇ-વે પર શાપર-વેરાવળથી લઇ જેતપુર, જુનાગઢ બાયપાસ, રાજકોટ-જામનગર હાઇ-વે પર પડધરીથી ધ્રોલ સુધી, રાજકોટ-કાલાવડ હાઇવે પર મેટોડાથી કાલાવડ સુધી, રાજકોટ-મોરબી રોડ સહિતના વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ નકલી બાયોડીઝલના પંપ ફૂટી નીકળ્યા છે. ગોંડલ હાઇવે પર તો ટેન્કરમાં જ હરતો ફરતો પંપ શરૂ કરી દેવાયો છે!

રિલેટેડ ન્યૂઝ