બોઈલર ટેન્કનું ઈન્સ્પેકશન થયું હતું કે કેમ: તંત્ર ચૂપ

ચાર ચાર શ્રમિકોને ભરખી જનાર દૂર્ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ

કેમિકલ ફેકટરીનો પરવાનો, ઈન્સ્પેકશન કરનાર ઈન્સ્પેકટરની પૂછપરછ સહિતની તપાસ હાથ ધરાશે

રાજકોટ શહેરના ભાગોળે આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા એક સાથે ચાર શ્રમિકોને કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે વધુ 12 શ્રમિકો ઘવાતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ફેકટરીમાં થયેલા બ્લાસ્ટના કારણે કામ કરતા મજૂરો દૂર સુધી ફંગોળાયા હતા. ઘટનાના પગલે મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા. ચાર ચાર શ્રમિકોનો ભોગ લેનાર દૂર્ઘટનામાં બોયલરની સ્થિતી શંકાસ્પદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વખતો વખત બોયલરનું ઈન્સ્પેકશન થયું છે કે કેમ તે સહિતની તપાસ પોલીસે આરંભી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભાગોળે વાંકાનેર રોડ પર પીપરડી ગામના બસ સ્ટેન્ડ સામે આવેલી દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ બનાવતી ફેકટરીમાં ગઈ કાલે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં બોઇલરમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટ થતા જ કામ કરતા મજૂરો દૂર સુધી ફંગોળાયા હતા. ફેકટરીમાં બ્લાસ્ટ થતા જ મજૂરો દાઝેલી હાલતમાં રોડ પર દોડી આવ્યા હતા. તે દરમિયાન ઘટના સ્થળ પર હાજર ગામજનોએ
તુરંત મજૂરોને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ફાયર વિભાગના સ્ટાફે મહજહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યાર બાદ ફેકટરીમાં તપાસ કરતા ત્રણ મજૂરોના મૃતદેહ મળી આવ્યા હતા અને એક મજૂરદૂર સુધી ફંગોળાઈ ગયો હતો. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા મુકેશ કુમાર દુખનભાઈ મહંતો (ઉ.વ.19), દયાનંદ શ્રીરામરામુડે મહંતો(ઉ.વ.20) અને બબલુકુમાર રામપએજસિંહ (ઉ.વ.19) ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે
શ્રવણ રાજેન્દ્ર મહંતો (ઉ.વ.25)નું રાજકોટ સારવારમાં મોત નીપજતા કુલ ચાર મજૂરોના મોત નિપજ્યા છે.
ફેકટરીમાં આગ કઈ રીતે લાગી? અને હજુ પણ ફેકટરીમાં લાપતા મજૂરોનું શુ થયું તેવા અનેક મુદ્દાઓ સાથે
કુવાડવા પોલીસ મથકના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભયાનક બ્લાસ્ટના પડઘા બે કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાયા હતા. જ્યારે અડધા કિલોમીટર સુધી કેમિકલ ફેક્ટરીનો સામાન વિખેરાઈને પડ્યો હતો.

ક્વોરોન્ટાઇન બે બાળક અને મહિલાનો બચાવ
ફેકટરીમાં મજૂરી કામ કરી રહેલા પરિવારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાતા બે માસૂમ બાળક અને એક મહિલાની તબિયત નાજુક હોવાથી હોમ ક્વોરોન્ટાઈ કર્યા હતા. ફેકટરીમાં થયેલા બ્લાસ્ટ સમયે બંને બાળકો અને મહિલા ઘરે હીવથી તેમનો આબાદ બચાવ થયો હતો.
બિહારી પરિવારે બ્લાસ્ટમાં પુત્રો ગુમાવ્યા
ફેકટરીમાં બોઇલર ફાટતા થયેલા
બ્લાસ્ટમાં મોત ને ભેટેલા ચારેય શ્રમિક યુવાનો મૂળ બિહારના વતની હતા અને અહીં મજૂરી અર્થે આવ્યા હતા. મૃતક મુકેશકુમાર ત્રણ ભાઈમાં વચ્ચેટ, દયાનંદ ચાર ભાઈ અને એક બહેનમાં નાનો, બબલુકુમાર બે ભાઈ અને એક બહેનમાં મોટો અને શ્રવણ બે ભાઈ અને ચાર બહેનમાં મોટો અને ત્રણ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ