‘બાપના ઘરેથી 5 લાખ લઈ આવજે નહીંતર સળગાવી દઈશ’ કહી પરિણીતાને કાઢી મૂકી

ઉપલેટામાં માવતરે રહેતી બે મહિલાઓની સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ

બીજા બનાવમાં અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ ધરાવતા પતિએ પત્નીને મારકૂટ કરી ત્રાસ આપતા ફરિયાદ

ઉપલેટામાં માવતરે રહેતી બે મહિલાએ સાસરીયાઓ વિરૂધ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આહીર પરિણીતાને પતિ સહિતના સાસરીયાઓએ ‘તારા બાપના ઘરેથી 5 લાખ લઈ આવજે નહીંતર જીવતી સળગાવી દઈશ’ કહી ત્રાસ આપી પૂત્ર સાથે કાઢી મૂક્યાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બીજા બનાવમાં અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ ધરાવતા પતિએ પત્નીને મારકૂટ કરી ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
જાણવા મળતી વિગત મુજબ,
હાલ માવતરે ઉપલેટામાં રહેતી નયનાબેન નિલેશભાઈ નંદાણીયા (ઉ.વ.31)એ ઉપલેટા પોલીસ મથકમાં જામજોધપુર રહેતા તેના પતિ નિલેશ હરદાસભાઈ નંદાણીયા, સાસુ રાજીબેન, જેઠ પંકજ અને જેઠાણી જશુબેન વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, લગ્નના દોઢેક મહિના બાદ પતિ સહિતના સાસરીયાઓએ નાની-નાની વાતમાં ત્રાસ આપવાનું શરૂ કરેલું અને તારા માવતરેથી પાંચ લાખ રૂપિયા લઈ આવજે નહીંતર પાછી આવતી નહી જોઆવીશ તો જીવતી સળગાવી દઈશ તેમ કહી પૂત્ર સાથે પહેરેલ કપડે કાઢી મુકી હતી તથા સાસુ અને જેઠાણી પણ મારકૂટ કરતા હોવાનું જણાવતા પોલીસે પતિ, સાસુ જેઠ અને જેઠાણી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં ઉપલેટામાં પિતાના ઘરે રહેતી શાંતાબેન મુકેશભાઈ ડાભી (ઉ.વ.36) નામની મહિલાએ જામનગર રહેતા તેના પતિ મુકેશ નાથા ડાભી વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેનો પતિ અવાર-નવાર તારા માવતરેથી કરીયાવર ઓછો લાવી છો, તું ભુખેલની દિકરી છો, કહી ત્રાસ આપતો તથા પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોય અને તેને ઘરમાં બેસાડવી હોય જેથી મારે તને જોઈતી નથી, તારી કાંઈ જરૂર નથી, કહી ઘરમાંથી કાઢી મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ઉપલેટા પોલીસે આરોપી પતિ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ