પ્રથમ કમ્પ્લીશન સર્ટી., પછી જ બધી સરકારી સુવિધા

મહાનગરપાલિકાની અનેક વિભાગની કામગીરીમાં મુખ્ય વિઘ્નહર્તા બીયુ માટે નવા નિયમો આવવાની શકયતા

ફાયર સેફટી અને બીયુ સર્ટી. સહિતના મુદ્દે જીડીસીઆરમાં સુધારા વધારા કરવા વાંધાસુચનના આધારે ગુરૂવારે ગાંધીનગર ખાતે નિર્ણય લેવાશે

રાજકોટ શહેરમાં કમ્પ્લીશન સર્ટી વગરની અનેક મિલ્કતો કાર્યરત છે. આ અંગે રાજ્ય સરકાર અને હાઇકોર્ટે પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવાના આદેશ દરેક મહાનગરપાલીકાને આપ્યા છે છતા ફાયર વિભાગ તેમજ અન્ય વિભાગની કામગીરી દરમ્યાન કમ્પ્લીશન સર્ટીનો મુદ્દો વચ્ચે વિઘ્ન બની રહ્યો હોય જીડીસીઆરમાં ફેરફાર તેમજ ફાયર સેફટી સહિતના અન્ય વાંધાસુચનોની મુદત તા.9ના રોજ પૂર્ણ થનાર હોય ગાંધીનગર ખાતે ગુરૂવારે આ સમગ્ર બાબત અંગે નિર્ણય લઇ નવી જાહેરાત કરવામાં આવશે તેમ મનપાના સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મહાનગરપાલીકાના સૂત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ બીયુ સર્ટીનો કોયડો વર્ષોથી ગુંચવાયેલો રહ્યો છે. કમ્પ્લીશન સર્ટી લીધા બાદ પણ અનેક લોકોએ ગેરકાયદેસર બાંધકામો ખડકી દીધા છે. ટાઉન પ્લાનીંગ વિભાગ કમ્પ્લીશન આપ્યા બાદ ફરી ચેકીંગ હાથ ધરતું ન હોવાથી લોકો તેનો લાભ લઇ રહ્યા છે. જેનો અનુભવ પ્રથમ ફાયર વિભાગને થયો હતો. દા.ત. જુનુ બીલ્ડીંગ હોય અને બે સીડી ન હોય જેમાં હોસ્પિટલ કાર્યરત હોય તો ફાયર એનઓસી મળી શકતી નથી. તેવી જ રીતે વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરી લીધા બાદ ફાયરના નિયમ મુજબની વ્યવસ્થા થઇ શકે તેમ ન હોવાથી અનેક હોસ્પિટલો તેમજ ઇમારતોને આજ સુધી ફાયર એનઓસી મળી શકેલ નથી. આથી આ તમામ ગુંચવણો દુર કરવા ફક્ત બીયુ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી હવે પછી તૈયાર થનાર નવા બીલ્ડીંગોમાં પ્રથમ કમ્પ્લીશન સર્ટી મેળવી લેવું. ત્યારબાદ તમામ પ્રકારની સરકારી સુવિધા મળી શકશે તેવો નિયમઅમલમાં આવી શકે છે. જેના કારણે ફાયર એનઓસી હોય કે બેંક લોન હોય અથવા અન્ય કામગીરી માટે કમ્પ્લીશન સર્ટીની જરૂરીયાત ઉભી થઇ લોકો ગેરકાયદેસર બાંધકામ કરશે નહીં અને બાંધકામ થઇ ગયા બાદ નિયમ મુજબ તુરંત
કમ્પ્લીશન સર્ટી મેળવી લેશે.
જીડીસીઆરના નિયમોમાં વારંવાર રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવી રહ્યા છે છતા ફાયર વિભાગ અને કમ્પ્લીશન સર્ટી અંતર્ગત નવા નિયમની અમલવારી કરતા પહેલા લોકો
પાસેથી વાંધાસુચનો મંગાવવામાં આવેલ. જેની મુદત આવતીકાલે પૂર્ણ થવાની હોય ગુરૂવારના રોજ લોકોના સુચનો અને ખાસ કરીને લોકોની સુખાકારી સહિતના મુદ્દે નિર્ણય લેવામાં આવશે. મનપાના મોટાભાગના વિભાગની વર્ષો જુની ફરીયાદોનું મુખ્ય કારણ બીયુ સર્ટી બની રહ્યું છે. આથી આગામી દિવસોમાં બાંધકામ થયા બાદ સરકારી સુવિધાઓ લેવા માટે કમ્પ્લીશન સર્ટી ફરજીયાત બનાવવામાં આવે તો તમામ વિભાગીય કામગીરી સરળતાથી થઇ શકે તેમ છે. આથી સંભવત ગુરૂવારે ગાંધીનગર ખાતે બીયુ સર્ટી અંગે લોકોના સુચનો તેમજ અન્ય સરકારી વિભાગની માંગણી મુજબનો નિર્ણય લેવામાં આવશે.

80થી વધુ મિલ્કતોનું લીસ્ટ તૈયાર
કમ્પ્લીશન સર્ટી અંગે રાજ્ય સરકાર અને કોર્ટ દ્વારા કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા બાદ રાજકોટ મહાનગરપાલીકાએ બીયુ સર્ટી લીધા બાદ ગેરકાયદેસર બાંધકામ થઇ ગયું હોય તે
પ્રકારની અને આજ સુધી કમ્પ્લીશન સર્ટી ન મેળવ્યું હોય તે પ્રકારની ઇમારતો અને અન્ય બાંધકામોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. 80 થી વધુ મિલ્કતોમાં બીયુની અમલવારી કરવામાં આવી નથી. આથી રાજ્ય સરકારની સુચના બાદ નવેસરથી કાર્યવાહી કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ