પુત્રના લગ્ન માટે પૈસાનો મેળ નહીં થતાં ટ્રાન્સપોર્ટરનો આપઘાત

લોધીકાના રાવકી ગામે બનેેલા બનાવથી ચકચાર

રાજકોટના આધેડે ઓફિસે આવેલા પાર્સલમાંથી જ દવા પી જીવન ટૂંકાવ્યું; ખુશીનો માહોલ માતમમાં છવાયો

કોરોનાની મહામારીમાં સર્જાયેલી મહામંદીએ અનેક પરિવારોના માળા પિંખ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં પૂત્રના લગ્ન નજીક આવતાં પૈસાની તંગીમાં રાજકોટના ટ્રાન્સપોર્ટરે લોધીકાના રાવકી ગામે પોતાની ઓફિસે આવેલા પાર્સલમાંથી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતાં પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં છવાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ,
રાજકોટમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને લોધીકાના રાવકી ગામે જોગમાયા ટ્રાન્સપોર્ટના નામે વેપાર કરતાં રવજીભાઈ રાજાભાઈ બારૈયા નામના 49 વર્ષના કોળી આધેડે ગઈકાલે બપોરે ત્રણેકવાગ્યાના અરસામાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઝેરી દવા પી લીધી હતી. ટ્રાન્સપોર્ટર આધેડને બેશુધ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના
બિછાને દમ તોડી દેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પુછતાછમાં મૃતક રવજીભાઈ બારૈયા ચાર ભાઈ અને બે બહેનમાં વચ્ચેટ અને સંતાનમાં બે પૂત્ર અને એક પૂત્રી હોવાનું જાણવા મળ્યું છે.
તેમજ મૃતકના નાના દિકરા ગોપાલના આગામી તા.10 ડિસેમ્બરના રોજ લગ્ન હોય જેથી પૈસાની તંગી હોવાના કારણે ઓફિસે આવેલા પાર્સલમાંથી જ ઝેરી દવા ગટગટાવી આત્મઘાતી પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધીકા પોલીસ મથકના એ.એસ.આઈ. કે.કે.ગઢવી સહિતના સ્ટાફે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ