પડધરીના સરપદડ નજીક કાર પુલ સાથે અથડાતા રાજકોટના આધેડનું મોત

- બંને મિત્રો પડધરી તરફ કામે ગયા હતા જ્યાંથી પરત આવતી વેળાએ સર્જાયો અકસ્માત, બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી: મિત્ર ઘાયલ

પડધરીના સરપદડ નજીક કાર પુલ સાથે અથડાતા રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા આધેડનું મોત નિપજ્યું હતું. જ્યારે તેના મિત્રને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે પડધરી પોલીસે મૃતકના ભાઇની ફરીયાદ પરથી ઇજાગ્રસ્ત યુવાન સામે બેદરકારીથી વાહન ચલાવવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ન્યુ મહાવીરનગર 3માં રહેતા અશોકભાઇ દયાળજીભાઇ દસાડીયા (ઉ.વ.46) અને તેના પાડોશમાં
રહેતા તેના મિત્ર કલ્પેશભાઇ મનસુખભાઇ જોગડીયા બંને ગત તા.17/10 ના રોજ કલ્પેશભાઇની બલેનો કાર લઇ પડધરી તરફ કામે ગયા હતા. જ્યાંથી પરત આવતી વેળાએ પડધરીના સરપદડ ગામ પાસે બંભાળા રોડ પર પહોંચતા ચાલકકલ્પેશભાઇએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પુલ સાથે અથડાઇ જતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં અશોકભાઇનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક કલ્પેશભાઇ જોગડીયાને ગંભીર ઇજા થતા
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક અશોકભાઇ હેર સલુન ચલાવે છે અને સાથે જમીન-મકાન લે-વેચનો ધંધો કરે છે. તેમને સંતાનમાં બે પુત્ર છે. આ અંગે પડધરી પોલીસે મૃતકના ભાઇ મનોજભાઇ દયાળજીભાઇ દસાડીયાની ફરીયાદ પરથી ઇજાગ્રસ્ત કારચાલક કલ્પેશભાઇ જોગડીયા સામે ગુનો નોંધી પીએસઆઇ એ.એ.ખોખરે તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ