ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છતાં હજુ તપાસનીશ ફોજદાર અજાણ !

યાજ્ઞિક રોડ પર બિલ્ડરની ઓફિસમાંથી રિવોલ્વરની ચોરી કરનાર આરોપી ઝબ્બે

આજીડેમ પોલીસે આરોપીને રિવોલ્વર સાથે ઝડપી લીધો છતાં તપાસનીશ ફોજદાર ભટ્ટ કહે છે ‘હજુ અમે તપાસ કરી રહ્યા છીએ’

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલી બિલ્ડરની ઓફિસમાંથી ચાર દિવસ અગાઉ રિવોલ્વર ભરેલી ડિઝીટલ તિજોરીની ચોરી થઈ હતી. જે બનાવના ત્રણ દિવસ બાદ પોલીસે ગુનો નોંધ્યો છે. અને આ ગુનામાં આજીડેમ પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરીમાં ગયેલી રિવોલ્વર અને કાર્ટીસ કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આમ છતા તપાસનીશ ફૌજદાર હજુ અજાણ્યો બને છે. અને તપાસ ચાલુ હોય ટેકનીકલ સોર્સસની મદદથી આરોપીને શોધી રહ્યાનું રટણ કરે છે. જાણવા મળતી વિગત મુજબ યાજ્ઞિક રોડ પર ડો. દસ્તુર માર્ગ પર આવેલી વિરલ ડેવલોપર્સ નામની બિલ્ડરની ઓફીસમાંથી ગત તા. 9 ના રાત્રે તસ્કરીએ ત્રાંટકી ઓફીસમાંથી ડીજીટલ લોકરની ચોરી કરી ગયા હતા. જેમાં બિલ્ડરની પરવાના વાળી રિવોલ્વર અને છ કાર્ટીસ રાખેલા હતા. ચોરી થયાની જાણ થતા બિલ્ડર ભાવિનભાઈ લલીતભાઈ ભાલોડીયાએ એ ડિવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. અને 9 તારીખના રાત્રે બનેલા બનાવની ત્રણ દિવસ બાદ તા. 12 ના રાત્રે 8 વાગ્યે ફરિયાદ નોંધી હતી. જેની તપાસ ફોજદાર જે.એમ. ભટ્ટને સોપવામાં આવી હતી. દરમ્યાન આજીડેમ પોલીસ મથકના પી.આઈ. વી.જે. ચાવડા, પીએસઆઈ એમડી વાળા અને ડીસ્ટાફની ટીમે બાતમીના આધારે રાજકોટ ભાવનગર હાઈ-વે પર ઢાંઢણી ગામના પાટીયા પાસેથી એસન્ટ કાર લઈ નીકળેલા કૌશલ રમેશભાઈ પીપળીયા (રે. કોઠારીયા રોડ, વિવેકાનંદ નગર-2, વિશાખા એપાર્ટમેન્ટ ફ્લેટ નં. 201) વાળાને ઝડપી લઈ તેની પાસેથી બિલ્ડરની ઓફીસમાંથી ચોરાયેલી પરવાના વાળી રિવોલ્વર અને જીવતા કાર્ટીસ નં-6 મળીઆવતા પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુધ્ધ આર્મ્સ એક્ટહેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આજીડેમ પોલીસે રિવોલ્વર ચોરીના બનાવનો ભેદ ઉકેલી નાખી આરોપીની ધરપક પણ કરી લીધા છતા ચોરીના ગુનાની જેની પાસે તપાસ છે તે ફોજદાર જે.એમ. ભટ્ટને હજુ ખબર જ નથી ચોરીના
બનાવ અંગે પુછવામાં આવતા તેમણે હજુ આરોપીના કોઈ સગડ મળ્યા ન હોય ટેકનીકલ સોર્સીસની મદદથી તપાસ ચાલી રહી હોવાનું રટણ કર્યું હતું. ત્યારે સાચી હકીકત જણાવવામાં તેમનો શું સ્વાર્થ છુપાયો હોય તે તો ફોજદાર ભટ્ટ જ જાણે.

આ રીતે કરી ચોરી
રિવોલ્વર ચોરીના બનાવમાં આરોપી કૌશલની પૂછપરછમાં તેણે આપેલી કબૂલાત મુજબ ગત તા. 8 ના મોડી રાત્રે તે ચોરી કરવા નીકળ્યો ત્યારે અક્ષર માર્ગ પાસે બિલ્ડરના મકાનની બારી ખુલ્લી હોય અને બારીમાં ક્રેટા કારની ચાવી પડેલી જેની ચોરી કરી કારમાં જોતા તેમાં અન્ય ત્રણ-ચાર ચાવી પડેલી હોય જે ચાવીઓમાં અલગ-અલગ ઓફીસના નામ લખેલા હોય જેથી ઓફીસમાંથી મોટી વસ્તુ મળશે તેમ માની ઓફિસમાંથી ચોરી કરવાનુ નક્કી કરેલું અને ગાડીની ચાવી પરત બારીમાં મૂકી દીધેલ બીજા દિવસે બિલ્ડરનો પીછો કરી યાજ્ઞિક રોડ પર આવેલી તેની ઓફિસ જોઈ લીધેલ અને બાદમાં તા. 9 ના રાત્રે ફરી તેના ઘરે જઈ બારીમાંથી ક્રેટા કારની ચાવી લઈ ગાડીમાંથી ઓફીસની ચાવી ચોરી લઈ યાજ્ઞિક રોડ પર આવેલ ઓફિસે જઈ તિજોરીમાં મોટી રકમ હોવાની શંકાએ તિજોરીની ચોરી કરી લીધી હતી.

રિલેટેડ ન્યૂઝ