ગ્રીનલેન્ડ ચોકડી બાદ ગોંડલ ચોકડીએ પણ મેડિકલ ચેકપોસ્ટ

બે દિવસની અંદર શહેરના અન્ય તમામ પ્રવેશદ્વાર પણ મેડિકલ ચેકપોસ્ટ છાવણી મનપા ઉભી કરી દેશે

રાજકોટ શહેરની અંદર તો કોરોનાના સંક્રમણને ભયજનક રીતે ભરડો લીધો જ છે સાથે બહારગામથી પણ કાતિલ વાયરસનો ચેપ લઇને શહેરમાં પ્રવેશનારાઓના લીધે સ્થિતિ વધુ બેકાબૂ બનતી જાય છે. બહારગામથી કોઇ કોરોનાગ્રસ્ત થઇને શહેરમાં પ્રવેશે એ પહેલા જ તેનુ મેડિકલ ચેકઅપ થાય તેવી કોરોના સામેની રણનીતિ મનપાએ અપનાવી છે. જો કે અત્યાર સુધી એકમાત્ર ગ્રીનલેન્ડ ચોકડીએ જ મેડિકલ ચેકઅપની ચેકપોસ્ટ છાવણી હતી. અન્ય પ્રવેશદ્વાર રેઢાપડ હોવા અંગે ગુજરાત મિરરે તંત્રને ઢંઢોળ્યુ હતુ અને અંતે આજે ગોંડલ રોડ ચોકડીએ મેડિકલ ચેકપોસ્ટ ઉભી કરવામા આવી છે. બે દિવસમાં શહેરના તમામ પ્રવેશદ્વારે મેડિકલ ચેકપોસ્ટ છાવણી ઉભી કરી દેવાનું આયોજન છે તેમ આરોગ્ય અધિકારી ડો.લલિત વાજાએ જણાવ્યુ હતુ. રાજકોટમાં લોકડાઉન ખુલ્યા પછી જે છૂટછાટ આપવામા આવી તેના જ પરિણામે શહેરમાં બહારથી કોરોનાના ચેપથી હાલત બેકાબૂ બનવા લાગી એ સૌ કોઇ જાણે જ છે. આજે સ્થિતિ વિકટ બની ગઇ છે. હજુ પણ બહારથી સંક્રમિતો શહેરમાં આવી રહ્યા છે. કોરોનાના આ છુપા કેસ સામે આવે એ પહેલા તો કેટલાયને અડી જાય છે. આ હકિકતને ધ્યાનમાં રાખીને શહેરના તમામ પ્રવેશદ્વાર ઉપર બહારગામથી આવતા લોકોનું પ્રાથમિક મેડિકલ ચેકઅપ કરવાનો નિર્ણય મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે ચાર દિવસ પહેલા જાહેર કર્યો હતો.
બહારગામથી આવતા મુસાફરોનું ઓક્સીજન લેવલ અને થર્મલ સ્ક્રેનીંગ કરવામા આવશે અને એ દરમિયાન કોરોનાના લક્ષણ જેને દેખાય તેનેહોમ આઇસોલેશન, સિવિલ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામા આવશે. મ્યુનિ. કમિશનરે જાહેરાત તો બધા પ્રવેશદ્વારની કરી હતી પરંતુ અત્યાર સુધી એકમાત્ર ગ્રીનલેન્ડ ચોકડીએ જ મેડિકલ ચેકપોસ્ટ
હતી. અન્ય પ્રવેશદ્વાર રેઢાપડ હતા.
આ અંગે ગુજરાત મિરરે તંત્રને ઢંઢોળ્યુ હતુ. અંતે આજથી ગોંડલ રોડ ચોકડીએ પણ મનપાના આરોગ્ય શાખાની ટીમ સાથે મેડિકલ ચેકપોસ્ટ છાવણી ઉભી કરવામા આવી છે. અન્ય
પ્રવેશદ્વારમાં કાલાવડ રોડ, આજી ડેમ ચોકડી, માધાપર ચોકડી સહિતની જગ્યાએ બે દિવસમાં મેડિકલ ચેકપોસ્ટ ઉભી કરી લેવાશે તેમ આરોગ્ય અધિકારી ડો. લલિત વાજાએ જણાવ્યુ હતુ.

ટ્રેઇન સ્ટાફની અછત હોવાથી તબક્કાવાર રીતે આયોજન આગળ ધપી રહ્યુ છે
મનપાની આરોગ્ય શાખાનો મોટાભાગનો સ્ટાફ ધનવંતરી રથ, સંજીવની રથ, આરોગ્ય કેન્દ્ર અને ડોર ટુ ડોર સર્વેમાં છે. કોન્ટ્રાક્ટ બેઇઝ પર સ્ટાફ
લેવા છતા પહોંચી શકાતુ નથી. શહેરના પ્રવેશદ્વારે તાલીમ પામેલા સ્ટાફને જ મુકવો પડે તેમ છે. જેના લીધે તબક્કાવાર રીતે એકપછી એક પ્રવેશદ્વાર પર મેડિકલ ચેકપોસ્ટનું આયોજન આગળ ધપાવવામા આવે છે. -(ડો.લલિત વાજા, આરોગ્ય અધિકારીનું વર્ઝન)

રિલેટેડ ન્યૂઝ