કોર્પોરેશનના તમામ અધિકારી, કર્મચારીઓની રજા રદ

ટેસ્ટિંગ બુથ, વેક્સિનેશન, ડોર ટુ ડોર આરોગ્યલક્ષી કામગીરીમાં વિક્ષેપ ન પડે તે માટે લેવાયો નિર્ણય

કોરોનાની કામગીરી સુદ્રઢ બનાવવા કમિશનરે આદેશ જારી કર્યા

રાજકોટ શહેરમાં કોરોના મહામારી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે મુખ્યત્વે કામગીરી મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. ડોર ટુ ડોર આરોગ્ય લક્ષી કામગીરી હોય કે અલગ અલગ સ્થળે ઉભા કરાયેલા ટેસ્ટીંગ બુથ તેમજ વેક્સીનેશન સહિતની કાર્યવાહી પૂરજોશમાં ચાલુ છે. તેવામાં અનેક કર્મચારીઓ અંગત કારણોસર રજા રિપોર્ટ મુકતા હોય મ્યુનિ. કમિશ્નરે કોરોનાની કામગીરી વધુ ઝડપી સુંદર બનાવવા આજથી કોર્પોરેશનના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ મુકેલ રજા રદ્ કરવાનો આદેશ જારી કર્યો છે અને સાથો સાથ હવે પછી કોઈ અધિકારી કે કર્મચારી રજા રિપોર્ટ મૂકી શકશે નહીં તેમ જણાવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના અલગ અલગ વિસ્તારમાં ટેસ્ટીંગ બુથ ઉભા કરી કોરોના રિપોર્ટની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે. તેવી જ રીતે 18 વોર્ડમાં દરેક વિસ્તારમાં ડોર ટુ ડોર
આરોગ્ય લક્ષી કામગીરી વધુ તેજ બનાવી છે. આરોગ્ય વિભાગની અલગ અલગ 700 ટીમ દ્વારા હાલ દરેક ઘરે જઈને તમામ લોકોનું ટેસ્ટીંગ કરી કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર સહિતની સુવિધા આપવામાં આવી રહી છે. તેમજ 104 સેવા અને ધનવંતરી રથ દ્વારા પણ દરેક વિસ્તારમાં આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. થોડા સમયથી શરૂ થયેલી વેક્સીનેશનની કામગીરી વધુ ઝડપી અને વધુ વિસ્તારોમાં થાય તે માટે આયોજન કરવામાં આવીરહ્યું છે. હાલ 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને રસીનો ડોઝ આપવા માટે અલગ અલગ સ્થળે વેક્સીનેશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરરોજ 8000 થી વધુ લોકોને વેક્સીન ડોઝ આપવામાં આવી રહ્યો છે. કોરોના મહામારી
ઉપર નિયંત્રણ કરી શકાય તે માટે દરેક કામગીરી વધુ ઝડપી અને વિના વિક્ષેપ કરવા માટે મ્યુનિ. કમિશ્નરે આજે તમામ અધિકારી અને કર્મચારીઓએ મૂકેલ રજાને રદ્દ કરવાના આદેશ જારી કર્યા છે.
મ્યુનિ. કમિશ્નર
ઉદિત અગ્રવાલે જણાવેલ કે, શહેરમાં ઉદ્દભવેલ કોરોના મહામારીને કાબુમાં લેવા માટે કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. હાલમાં પણ આરોગ્ય વિભાગના સ્ટાફને રજા મૂકવાની મનાઈ છે. છતાં અગમ્ય કારણોસર અનેક અધિકારીઓ અને કર્મચારીઓ રજા રિપોર્ટ મૂકી રજા માંગી રહ્યા છે. પરિણામે વેક્સીનેશન તેમજ ટેસ્ટીંગની કામગીરી ખોરવાઈ જવાની શકયતા ઉભી થઈ છે. અધિકારીઓ તેમજ કર્મચારીઓ રજા ઉપર જતાં હોય તેના સ્થાને મુકવાના થતાં અન્ય કર્મચારીઓ કે અધિકારીઓની ઘટ હોય તમામ કામગીરીમાં વ્યસ્ત એકપણ કર્મચારી કે અધિકારીને રજા મળવી મુશ્કેલ છે. આથી કોરોના કામગીરી વધુ ઝડપી બનાવવા અને વિના વિક્ષેપે થઈ શકે તે માટે આજથી તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. જ્યારે ફરી વાર સુચના ન અપાય ત્યાં સુધી અધિકારી કે કર્મચારીએ રજા રિપોર્ટ મૂકવો નહીં તેવી સૂચના આપવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ