કોરોનામય થવામાં આત્મનિર્ભર બની શકે ગુજરાત!

ઠંડીના દિવસોમાં કોરોના ખબર નૈ કેમ, બેહિસાબ વકરે છે.. હવે એ ટ્રેન્ડનો અહેસાસ આપણને થવાનો. સ્થિતિ બેહદ ગંભીર અને ચિંતાજનક છે. આફતને નોતરું આપવાની ગુસ્તાખિ કરી સરકાર કે અન્ય કોઈ પર દોષ ઢોળશો તેનાથી કશું નહીં વળે. વેક્સિન હજૂ લેબોરેટરીઝમાં છે અને કોરોના બજારમાં! શું સરકારનો કે સિસ્ટમનો વાંક કાઢવા માત્રથી કોરોનાગ્રસ્તોની પીડા હળવી થવાની? કે કોરોનાનો ભોગ બનેલા સ્વજનોના આત્માને શાંતિ મળી જવાની?

અપના કામ હૈ બનતા ફિર ભાડ મેં જાયે જનતા…. એ લગભગ પ્રત્યેક રાજકીય પક્ષોનો ધ્રૂવ મંત્ર હોય છે. વાસ્તે, નવા વર્ષને ખરેખર ‘અભિનંદવા’ જેવું બનાવવું હોય તો કોરોનાની માર્ગદર્શિકાનું અત્યંત ચૂસ્ત રીતે પાલન કરો. ઊકાળા સહિતનાં પીણાં પીવો, જરૂરી દવા લ્યો, માસ્ક પહેરો, સેનેટાઈઝર્સથી હાથ ધોતા રહો. બને ત્યાં સુધી ભીડમાં જવાનું ટાળોે. આ આપણા હાથની વાત છે. સરકાર પાસે શ્રધ્ધાંજલિના શબ્દો સિવાય હરામ છે કંઈ હોય તો!!

ચ્છા તો હતી લાભ પાંચમથી શરૂ થતાં કાર્મિક નૂતન વર્ષે બે’ક રૂડી વાતો લખું પણ સંજોગોએ મન પલ્ટાવી નાંખ્યું. ભીતરથી જાણે કોઈ બોલ્યું ‘સારું’ લખનારાની કમી નથી, તમે સાચ્ચું લખવાનું ચાલુ રાખો! અને મને બરકત વિરાણી (બેફામ)ની બે’ક પંક્તિ યાદ આવી ગઈ: વાત પોતાની જ કહેતા હોય છે એને બધ્ધા, કોઈ સાંભળતું નથી અહિંયા કદી ઈશ્ર્વરની વાત; ક્યાં સુધી પ્રશ્ર્નોની ચર્ચા કરતા રહેશું આપણે, કોઈ શું એવું નથી કે જે કરે ઉત્તરની વાત? બેફામ સાહેબની આ છેલ્લી પંક્તિનો સાચ્ચો જવાબ ‘ના’ છે! હવે મૂળ મુદ્દા પર આવું. કોરોના, કોરોના સૌ કહે છે પણ કોઈએ સલામતી પાળવી નથી. નવા વર્ષે ઘરે ટોળું લઈ મળવા આવનારાય જતાં-જતાં ઉપદેશ આપતા ગયા કે ક્યાંય બહાર નીકળ્યા જેવું નથી! કૈંક તો કોરોના આમ વધુ ‘બેફામ’ બન્યો. હજુ વધુ બનવાનો. અમદાવાદમાં રોજના 350થી 450 કેસો વધવા લાગ્યા છે. કોરોનાની જન્મભૂમિ ચીનના વુહાનમાં આવી જ દશા થઈ હતી. ઠંડીના દિવસોમાં કોરોના ખબર નૈ કેમ, બેહિસાબ વકરે છે.. હવે એ ટ્રેન્ડનો અહેસાસ આપણને થવાનો. સ્થિતિ બેહદ ગંભીર અને ચિંતાજનક છે. આફતને નોતરું આપવાની ગુસ્તાખિ કરી સરકાર કે અન્ય કોઈ પર દોષ ઢોળશો તેનાથી કશું નહીં વળે. વેક્સિન હજૂ લેબોરેટરીઝમાં છે અને કોરોના બજારમાં! શું સરકારનો કે સિસ્ટમનો વાંક કાઢવા માત્રથી કોરોનાગ્રસ્તોની પીડા હળવી થવાની? કે કોરોનાનો ભોગ બનેલા સ્વજનોના આત્માને શાંતિ મળી જવાની? દેશમાં કોરોના સંક્રમિતોનો આંક 89,00,000 (નૈવ્યાસી લાખ)ને પાર પહોંચી ગયો છે અને દર ચોવીસ કલાકે 40,000 લોકોનો ઉમેરો થતો જાય છે. 4,46,000 લોકો હોમ ક્વોરન્ટાઈન થઈ સારવાર લઈ રહ્યા છે. સૌથી ભૂંડી હાલત દેશની રાજધાની દિલ્હીમાં થઈ છે. આમ જૂઓ તો એક જ શહેર પર કેન્દ્ર અને રાજ્યની થઈ બબ્બે સરકારો હાથવગી હોવા છતાં કોરોના ‘બેફામ’ વર્તી રહ્યો છે. દિલ્હીમાં કોરોનાનો ત્રીજો તબક્કો (થર્ડ ફેઈસ) શરૂ થઈ ગયો છે. જે અતિ ડેન્જર ગણવામાં આવે છે. અહીં એક જ દિવસમાં 1,00,000 (એક લાખ)થી વધુ કેસો નોંધાતા બન્ને સરકારો હચમચી ઉઠી, કેજરીવાલ સરકારે લોકડાઉનની માસીના દીકરા જેવા આકરા નિયંત્રણને લાદ્દયા. દિલ્હીની બોર્ડર્સ ફરતે મેડિકલ ટીમો ઉતારી રેપિડ ટેસ્ટીંગ શરૂ કરાવી દીધું. લગ્ન ઈત્યિાદી પ્રસંગોમાં 50થી વધુ લોકોના ભાગ લેવા પર મનાઈ ફરમાવી દીધી. મહારાષ્ટ્ર સરકારની જેમ નદી, તળાવ જેવા જાહેર સ્થળોએ છ્ઠ્ઠ પૂજા કરવા-ઉજવવા પર પણ પ્રતિબંધ લગાવી દીધોે. કેજરીવાલ સરકારે તો અમૂક વિસ્તારોમાં ‘લોકડાઉન’ લાગુ કરવા કેન્દ્ર સરકારની મંજૂરી માગી પરંતુ કેન્દ્ર સરકાર ઊંહુ ઊંહુ કર્યા કરે છે. નવી દિલ્હીની જેમ કોરોના ચારેકોર વકર્યો અને ચારેકોર (રાજ્યો)ની સરકારોને પણ ફફડાવી રહ્યો છે. દેશમાં કોરોનાએ અત્યાર સુધીમાં 1.30 લાખથી વધુ લોકોને મોતના મુખમાં ધકેલી દીધા એટલે હવે કોઈ સરકાર હૂંશિયારી કરવાની ગુસ્તાખિ કરે તેમ નથી. કર્ણાટક, તમિલનાડૂ, બિહાર, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં કોરોનાના બીજા-ત્રીજા તબક્કાના એંધાણ વર્તાયા છે. આપણા ગુજરાતની હાલત તો ઔર ખરાબ ગણાય કેમ કે કોરોનાની કોઈ દવા નથી ને સારવારમાં સરકારની કોઈ હવા નથી. રાજ્યમાં દિવાળી પછી કોરોનાના 9000 નવા કેસો નોંધાયા અને અત્યાર સુધીમાં ઓન રેકોર્ડ 3800થી 4000 લોકોએ દેહ છોડવો પડ્યો. હું આ લખી રહ્યો છું ત્યારે ગુરૂવારે બપોરે વાવડ મળે છે કે 24 કલાકમાં 1200-1300 સંક્રમિતોની ઝડપે કોરોના વકરતો થયો છ.ેગુજરાતમાં અત્યાર સુધીમાં 1.91 લાખ જેટલા કોરોના સંક્રમિતો નોંધાયા તેનાંથી અધિક વણનોંધાયેલા છે. આ તમામ લોકો હવે સુપરસ્પ્રેડર બનવાના આરે છે. આમ છતાં ગુજરાત સરકાર કહે છે, ‘લોકડાઉન’ લાગુ કરવાનો
સવાલ જ પેદા થતો નથી! રૂપાણી સરકારની આ જિદ્દ ગુજરાત માટે કાતિલ નીવડી શકે તેમ છે. કોરોના કંઈ કોંગ્રેસી જણસ નથી કે મનાવી-પટાવી કે ખરીદી શકાય. ગજબના કાતિલ એવા આ વિદેશી વાઈરસ સામે વિશ્ર્વની મહાસત્તા ગણાતું અમેરિકા જેવું અમેરિકા ઘોડી વળી ગયું હોય તો ગુજરાત કે રૂપાણી કિસ ખેત કી મૂલી હૈ? રૂપાણી સરકારની જિદ્દ જ અપ્રસ્તુત અને અતાર્કિંક છે. ડાહ્યો, સમજૂ, પરિપક્વ રાજવી આ રીતે વગર-હથિયારે ભયાવહ શત્રૂ સામે ખાલી ફોગટ બાંયો ન ચડાવે. બલ્કે ધીર ગંભીરતાથી કહેે કે આવશ્યકતા જણાયે લોકડાઉન સહિતના વિકલ્પો પર પણ વિચાર કરવો જ પડે કેમ કે માનવ જિંદગી બચાવવી એ સરકારનું પ્રથમ કર્તવ્ય છે. રૂપાણી સરકારને આમ બોલતાં પોતાના જ પાપ નડે છે. ધારાસભાની 8 બેઠકોની પેટા-ચૂંટણી યોજી-જીતીને વિધાનસભામાં પોતાનું સંખ્યાબળ અને સત્તા પર કાબિજ રહેવાની અવધિ વધારવાની લ્હાયમાં સરકારે કોરોનાના કહેરને જાણી-જોઈને ‘લીલા લ્હેર’માં પલ્ટાવી દીધો હતો. જીહજૂરિયા તંત્ર વાહકોમાં પૂૂર્વ મ્યૂનિસિપલ કમિશ્નર વિજય નહેરા જેવી હિમ્મતનો તદ્દન અભાવ હતો એટલે કોરોનાની આંકડાબાજીમાં ‘ગફલા’ કર્યા અને જાણે કોરોના તરફડિયાં મારવા લાગ્યો હોય એવું ચિત્ર ઉપસાવ્યું. પણ જેવી કે ચૂંટણી પૂરી થઈ સૌનું પાપ પીપળે ચડીને માંડ્યું પોકારવા! કોરોના માર્ગદર્શિકાના સ્વયં રાજકારણીઓએ, રાજકીય પક્ષોએ એવા ધજાગરા કર્યા હતા કે, નાગરિકો પાસેથી કર્તવ્ય પાલનની અપીલ કરવાના મેળનાંય ન રહ્યા. પાઘડીનો વળ આખરે છેડે આવ્યો અને હવે ઓળિયો-ઘોળિયો શિયાળા ઉપર અને લોકોની બેદરકારી ઉપર ઢોળવામાં આવી રહ્યો છે. અમદાવાદ તેનું જ્વલંત જ નહિં બલ્કે જલદ ઉદાહરણ છે. અમદાવાદની સરકારી તો છોડો, ખાનગી હોસ્પિટલોના 90થી 95 ટકા બેડ દર્દીઓથી ફૂલ થઈ ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જેને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરી હતી તેમાં એકેય બેડ ખાલી નથી. આવી 72 હોસ્પિટલોના 2256 બેડ દર્દીઓથી પેક છે. મોટાભાગની સોસાયટીઓમાં 10થી 15 લોકો શરદી-ઉધરસથી પરેશાન છે અને કોરોનાના ટેસ્ટીંગ માટે ઉભા કરાયેલા સેન્ટરોમાં લાં…બી લાઈનો લાગે છે. આવી જ હાલત રાજકોટ-સૌરાષ્ટ્રની થઈ શકે છે. બલ્કે થવા લાગી છે. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિનાં સત્તાધાર, તુળશીશ્યામ, બાણેજ, કનકાઈ, ભવનાથ, ગિરનાર, ચોટીલા, પરબવાવડી, સિદસર, ખોડલધામ, સોમનાથ, પાટણ જેવા તીર્થ સ્થળોથી માંડી દીવ-દમણ જેવા સ્થળે ખાવા ‘પીવા’ ઉમટ્યા એ આવનારા દિવસોમાં ખૂબ નડવાનું. હાથે કરીને આપણે શૂળ પેદા કર્યું છે. સરકારનો દોષ કાઢવાથી માફ કે હળવો થઈ શકે તેવો નાનો સૂનો આ ગુનો નથી. કોરોનાની મહામારીને વકરાવવામાં આપણે બધ્ધા જાણ્યે-અજાણ્યે ‘આત્મનિર્ભર’ થઈ બેઠા એમાં ના પાડી શકાય તેમ નથી. કમનસીબે સરકાર ખૂદ પરાવલંબી છે. તેની પાસે નથી વેક્સિન કે નથી વેન્ટીલેટર્સ. માત્ર હુંશિયારીનું પડિકું એટલે રૂપાણી-સરકાર! પેટા ચૂંટણી પત્તી ગઈ અને સરકાર આઠે-આઠ ‘બાજી’ જીતી ગઈ એટલે જાણે કોંગ્રેસને બદલે કોરોનાને હરાવ્યો હોય એમ માંડી છે બેફિકર થઈ જાહેરાતો કરવા. 23મીથી શાળા-કોલેજો શરૂ કરવાની જાહેરાત બીજું શું છે? છાત્રો અને વાલીઓનાં જોખમે બધ્ધું થશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સૂફિયાણી સલાહો આપ્યા કરશે અને કંઈ અજુગતુ થશે તો ઓળિયો-ઘોળિયો પ્રજાજનોની બેદરકારી પર ઢોળતી રહેશે. અપના કામ હૈ બનતા ફિર ભાડ મેં જાયે જનતા…. એ લગભગ પ્રત્યેક રાજકીય પક્ષોનો ધ્રૂવ મંત્ર હોય છે. વાસ્તે, નવા વર્ષને ખરેખર ‘અભિનંદવા’ જેવું બનાવવું હોય તો કોરોનાની માર્ગદર્શિકાનું અત્યંત ચૂસ્ત રીતે પાલન કરો. ઊકાળા સહિતનાં પીણા પીવો, જરૂરી દવા લ્યો, માસ્ક પહેરો, સેનેટાઈઝર્સથી હાથ ધોતા રહો. બને ત્યાં સુધી ભીડમાં જવાનું ટાળોે આ આપણા હાથની વાત છે. સરકાર પાસે શ્રધ્ધાંજલિના શબ્દો સિવાય હરામ છે કંઈ હોય તો!!

સમજ પડતી નથી, આનંદમાં કાં ઓટ આવી ગઈ?
હરખ પણ થાય છે, તો એના હિલ્લોળા નથી હોતા.
કંઈક વર્ષોની ચિંતા બાદ એ કાળાશ નીકળે છે,
અમસ્તા ને અમસ્તા વાળ કંઈ ધોળા નથી હોતા.
-બરકત વિરાણી (બેફામ)

રિલેટેડ ન્યૂઝ