કોરોનાના હાકોટા અને મૃતકોના પરિજનોના ડૂસકા વચ્ચે ભાજપના તાબોટા

લગ્નમાં વરઘોડાની મનાઇ, ભાજપ કાર્યાલયે નેતાઓ-કાર્યકરોએ બેન્ડ વાઝાની સૂરાવલીઓ રેલાવી

રાજકોટ શહેર ભાજપના નવા માળખાની આજે જાહેરાત કરવામાં આવતાં જ શહેર ભાજપ કાર્યાલયે જાણે મેળો હોય તેવો માહોલ જામ્યો હતો. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે સરકારી ગાઈડલાઈન અને સોશિયલ ડીસ્ટન્સનો ઉલાળીયો કરી સત્તાધારી પક્ષ ભાજપના જવાબદાર નેતાઓ કાર્યકરોએ બેજવાબદારી પૂર્વક મોઢા મીઠાં કરાવ્યા હતા અને એકબીજાને ‘બથોડા’ ભરી શુભેચ્છાઓ પાઠવી હતી. આટલું ઓછું હોય તેમ હજુ ચાર દિવસ પહેલા ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં જીવતા ભૂંજાઈ ગયેલા પાંચ દર્દીના મૃત્યુનો મલાજો જાળવ્યા વગર શહેર ભાજપ કાર્યાલયે ભાજપના નેતાઓએ બેન્ડ-વાઝાની સુરાવલી રેલાવી હતી. નવા સંગઠનની રચનાના ઉન્માદ અને ઉત્સાહના અતિરેકમાં નીતિ-નિયમો નેવે મુકી દેવામાં આવ્યા હતા. ભાજપના જવાબદાર નેતાઓના આવા બેજવાબદારી ભર્યા વલણથી લોકોને જબરો આંચકો અનુભવ્યો છે. એક તરફ હોસ્પિટલમાં જીવતા ભૂંજાઈ ગયેલા લોકોના પરિવારજનોનો કલ્પાંત હજુ શાંત પણ થયો નથી અને ડૂસ્કા પણસમ્યા
નથી તેવા સમયે ગ્રામ પંચાયતથી ગાંધીનગર સુધી સત્તાનો જબરદસ્ત જનાધાર ધરાવતી
પાર્ટીના નેતાઓ છાકટાં બની ખૂલ્લા મોઢે બેશર્મીનું પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા. કોવિડની ગાઈડલાઈન જાણે
મતદારો અને આમ પ્રજા માટે જ બની હોય તેમ માસ્ક વગર નીકળતા સામાન્ય લોકો સામે ધોકા પછાડી સરકાર દ્વારા દંડ વસુલવામાં આવે છે. લગ્ન પ્રસંગોમાં વરઘોડા ઉપર પ્રતિબંધ છે. લગ્ન અને મરણ પ્રસંગે સંખ્યા મર્યાદિત કરી નાંખવામાં આવી છે. કોઈ વેપારીની દૂકાનમાં
પાંચ-સાત ગ્રાહકો ભેગા થઈ ગયા હોય તો વેપારી સામે જાહેરનામા ભંગનો કેસ ઝીંકી દેવામાં આવે
છે. પરંતુ, રાજકીય પાર્ટીઓ દ્વારા થતાં તમાસા અને
સરકારી તાયફાઓ સામે સરકારી તંત્ર મિંયાની મિંદડી બની જાય છે. પ્રજા અને રાજકીય લોકો માટે જાણે કાયદાના માપદંડ અલગ અલગ હોય
તેવી સ્થિતી પ્રવર્તે છે. સુશાસનના નામે ખોબે ખોબે મત આપનાર પ્રજા એવા
ખૂન્નસથી ‘કૂશાસન’ નિહાળી રહી છે.. જે રીતે શિશૂપાલની 100 ગાળ પૂરી થવાની શ્રી કૃષ્ણ રાહ જોઈ રહ્યા હતા!
(તસવીર: રવિ ગોંડલિયા/રાજ બગડાઈ)

રિલેટેડ ન્યૂઝ