કોંગ્રેસ પણ ભાજપનાં જ લાગની છે!

જે પ્રજા અતિવૃષ્ટિથી અત્યાચાર સુધી, શિક્ષણની ફીથી કોરોનાકાળમાં ખાનગી તબીબોએ ચલાવેલી લૂંટ સુધી અને વગર-ગેરંટીએ મળનારી લોનના નર્યા ધૂપ્પલથી રાહતના નામે એક પાવલાંનીય મદદ વગર છેલ્લા 7-8 મહિનાથી કાગારોળ કરી રહી હોય એ રાતોરાત શાસક પક્ષને તમામે તમામ બેઠક પર ‘વિજય’ની ભેટ ધરી દે, એમ? વાસ્તવિકતા જૂદી છે. વિપક્ષ નમાલાનાં પેટનો અને નર્યો ઢોંગી, દંભી, પેપર ટાઈગર, જૂથવાદિયો, પ્રસિધ્ધિભૂખ્યો અને મતદારોથી હરહંમેશ ‘સોશિયલ ડિસ્ટન્સ’ જાળવી રાખનારો નિક્કમો છે, તેનું આ પરિણામ છે

જે રીતે ચીનાઓ રમકડાં અને રંગીન કાગળના ફાનસો અને સુશોભનો બનાવવામાં નિપૂણ હોય, કચ્છી સ્ત્રીઓ ભરતકામ અને આભલાની કઢાઈમાં વિખ્યાત છે, ચિકન વર્ક અને ગૂંથણ કાર્યમાં લખનૌની બેગમો માહિર હોય છે, રસોઈયા ઈડરના, વોચમેન નેપાળી, ટેક્ષી ડ્રાઈવરો ઉત્તર ભારતીય, કાચના વેપારમાં વ્હોરાઓ, હાડવૈદ્યમાં પારસી, સોના ચાંદીની કારીગરીમાં બંગાળી કારીગરો, કવિઓમાં મુંબઈગરા, પત્રકારોમાં કાઠિયાવાડી, કાર્ટૂન્સ્ટિોમાં કચ્છીઓ અને પટેલોના ખેતરોમાં તમામ ખેતી-કામ માટે ગોધરિયાઓને ફાવટ આવી ગઈ એમ ગમ્મે તેવા કપરા કાળમાં પણ ચૂંટણી જીતવાની ભાજપને ફાવટ આવી ગઈ છે

ર્ગેનાઈઝ્ડ્ પોલિટિકસનું જે રૂઝાન આવવું જોઈએ એ ગઈકાલે ગુજરાતથી બિહાર અને મધ્યપ્રદેશથી ઉ.પ્રદેશ સુધીની ચૂંટણીઓની આવી ગયું. જે ખરેખર તો લાચાર જનતાની નિર્વિકલ્પ દશા હતી. જેને સૂ-સંગઠિત પક્ષે જનાદેશમાં ખપાવી દીધી. ગુજરાતની આઠે-આઠ બેઠકો ઉપર ‘કમળ-પૂજા’ થઈ. ગીતાજી પર હાથ રખાવીને મતદારોને પૂછો કે ક્લિન સ્વિપ અપાવવા જેવા તમો શાસક પક્ષ પર ઓળઘોળ હતા ખરા? જવાબ (આપ) બધ્ધા જ જાણો છો. જે પ્રજા અતિવૃષ્ટિથી અત્યાચાર સુધી, શિક્ષણની ફીથી કોરોનાકાળમાં ખાનગી તબીબોએ ચલાવેલી લૂંટ સુધી અને વગર-ગેરંટીએ મળનારી લોનના નર્યા ધૂપ્પલથી રાહતના નામે એક પાવલાંનીય મદદ વગર છેલ્લા 7-8 મહિનાથી કાગારોળ કરી રહી હોય એ રાતોરાત શાસક પક્ષને તમામે તમામ બેઠક પર ‘વિજય’ની ભેટ ધરી દે, એમ? વાસ્તવિકતા જૂદી છે. વિપક્ષ નમાલાનાં પેટનો અને નર્યો ઢોંગી, દંભી, પેપર ટાઈગર, જૂથવાદિયો, પ્રસિધ્ધિભૂખ્યો અને મતદારોથી હરહંમેશ ‘સોશિયલ ડિસ્ટન્સ’ જાળવી રાખનારો નિક્કમો છે, તેનું આ પરિણામ છે. આપણા ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે અને તેના પ્રદેશ અધ્યક્ષ પદે બૂંધિયાળપણાની ગેરંટીવાળા અમિત ચાવડા છે. માર્ચ 2018માં આ જણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદે શું બેઠો, પક્ષની તો જાણે પાળ પીટાઈ ગઈ. જસદણની બાવળિયા બ્રાન્ડ પેટા-ચૂંટણીથી માંડી ગઈકાલે જાહેર થયેલા પેટાચૂંટણીના પરિણામ સુધીની તમામે તમામ ચૂંટણીમાં કોંગ્રેસની આબરૂના કાંકરા થઈ ગ્યા. વચ્ચે રાજ્યસભાની એક બેઠક અને 2019ની ધારાસભાની પેટાચૂંટણીમાં ત્રણેક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ તેને બાદ કરતાં જિલ્લા-તાલુકા પંચાયતોથી માંડી ધારાસભાની પેટાચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીમાં અમિત ચાવડા ધિક્કાર ઉપજે એ હદે નાકામ રહ્યા છે. આંગળી સાથે ચોંટ્યા રહેવા છતાં નોખા ને નોખા નખ જેવી સ્થિતિ પક્ષમાં અમિત ચાવડાની છે. હરીફ શાસક પક્ષને હંફાવવો તો દૂર, અમિત ચાવડા પોતાના પક્ષને પણ ઠીકઠાક સાચવી શક્યા નથી. કોંગ્રેસમાંથી ડઝનબંધ ધારાસભ્યો આવા બુંધિયાળ નેતા અને બંધિયાર પક્ષની વંડી ઠેકી શાસક પક્ષમાં જતા રહ્યા. અમિત ચાવડા આણિ મંડળી પોતાને નાકામ કે નિકમ્મા કહી શકતી નથી એટલે પક્ષ છોડી શાસક પક્ષમા જતા રહેલાને ‘ગદ્દાર’માં ખપાવતા રહ્યા અને આ જ થિયરી કોંગ્રેસને ભારે પડી કોઈપણ લોકસેવક કોને વફાદાર હોવો જોઈએ: પક્ષને કે પ્રજાને? પ્રજા માટે પ્રાણ કૂર્બાન કરનારા જેટલું જ આદરભર્યું સ્થાન પક્ષ કૂર્બાન કરનારાનું કેમ હોઈ ના શકે? ચૂંટણી જીતવા નિકળતી વખતે લોકસેવક (કે ઉમેદવાર) કોના પ્રત્યે વફાદારની વાતો કરતો હોય છે: પક્ષ પ્રત્યે કે પ્રજા પ્રત્યે? બબ્બે-પાંચ પાંચ ટર્મથી નાગરિકો ઉમેદવારને ચૂંટે પરંતુ પક્ષમાં સત્તા મેળવવાની ત્રેવડ ન હોય તો વિપક્ષના ધારાસભ્યને શું ધોઈ પીવા?
વિપક્ષી ધારાસભ્ય કેવળ રજૂઆતો કરી શકે. જેમાં કશી ધાડ મારવાની હોતી નથી. રજૂઆત,
અરજ, રાવ કે ફરિયાદ તો ગંગૂ તૈલી પણ કરી શકે. એમાંય આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં પ્રત્યેક મોબાઈલધારક ધારે તો એક સારા લોક-પ્રતિનિધિ કે પત્રકારની ગરજ સારે એ રીતે પ્રશ્ર્નોને ઉજાગર કરી શકે. ઈન્ટરનેટ કનેક્ટિવિટી હોય એટલે બસ. ધારાસભ્યની જેમ તગડાં પગાર-ભથ્થાં કટકટાવ્યા વિનાં પ્રજાના પ્રશ્ર્નો વધુ અસરદાર રીતે જાહેર કરી શકે. તેના માટે હરામખાયા ઉમેદવારની ઓશિયાળી કરવાની શી જરૂર? વિપક્ષે અને ખાસ કરીને કોંગ્રેસે આ વાત સમજવાની જરૂર છે. શાસક પક્ષે શામદામદંડભેદથી ચૂંટણી જીતી એમ કહી દાદ્દલો કૂટવાથી શું વળે? રાજ-કારણ ક્ષેત્ર જ છેલ્લી પાયરીની જોર-અજમાઈશ માટેનું ગણાય છે. ભાજપ કામધેનૂ નથી તો કોંગ્રેસ પણ ક્યાં પવિત્ર પોઠિયો છે. બલ્કે કોંગ્રેસ લોકશાહીની કે નીતિમત્તાની વાત કહે ત્યારે અચૂક એવું લાગે જાણે ‘નગરવધૂ’ પતિવ્રતા સ્ત્રીની મહત્તા વર્ણવે અથવા શૈતાનબાઈબલ ટાંકે છે! કોંગ્રેસે તેના શાસનકાળમાં દુનિયાની તમામ બદ્દીઓ અપનાવવામાં, રાષ્ટ્રની અને રાજ્યની ઘોર ખોદવામાં, તૃષ્ટિકરણના બીજ રોપી દેશને માનસિક તૌર પર સદાય વિભાજીત રાખવામાં અને સત્તાનો
દૂરપયોગ કરવામાં પાછુ વળીને જોયું નથી. પાપનું પરિણામ શૂન્યનાં ન્યાયે પક્ષ અત્યારે તેની સજા ભોગવી રહ્યો છે. જો કે ખરી સજા તો નબળા વિપક્ષના પાપે નિર્દોષ નાગરિકો ભોગવી રહ્યા છે. કેમ કે વિપક્ષના હરિફે સત્તાની ફોર્મ્યૂલા હાંસલ કરી લીધી છે. રોડના સામાકાંઠે રેસ્ટોરન્ટ હોય અને આ કાંઠે ઉભેલાના ખિસ્સામાં નાસ્તા-પાણી કરવા જેટલા રૂપિયા હોય તો રેસ્ટોરન્ટની બહાર કોઈ ગમ્મે તેવી હાયતોબા મચાવે કોઈને જમતા કોણ અટકાવી શકે? વિપક્ષની સ્થિતિ આવી હાયતોબા મચાવનારા જેવી છે. ભાજપ પાસે સત્તા મેળવવા જરૂરી એવો પૂરતો ઈંતજામ છે. અમૂક પ્રજાતિની અમૂક વિષયમાં ખાસ વિશેષતા હોય. વંશીય કારણોસર નહીં પણ કાબેલિયતથી. ભાજપે આવી કાબેલિયત હાંસલ કરી લીધી છે. ચૂંટણી જીતવામાં તેની આવડત અસામાન્ય હદે વિકસી ચૂકી છે. જે રીતે ચીનાઓ રમકડાં અને રંગીન કાગળના ફાનસો અને સુશોભનો બનાવવામાં નિપૂણ હોય, કચ્છી સ્ત્રીઓ ભરતકામ અને આભલાની કઢાઈમાં વિખ્યાત છે, ચિકન વર્ક અને ગૂંથણ કાર્યમાં લખનૌની બેગમો માહિર હોય છે, રસોઈયા ઈડરના, વોચમેન નેપાળી, ટેક્ષી ડ્રાઈવરો ઉત્તર ભારતીય, કાચના વેપારમાં વ્હોરાઓ, હાડવૈદ્યમાં પારસી, સોના ચાંદીની કારીગરીમાં બંગાળી કારીગરો, કવિઓમાં મુંબઈગરા, પત્રકારોમાં કાઠિયાવાડી, કાર્ટૂન્સ્ટિોમાં કચ્છીઓ અને પટેલોના ખેતરોમાં તમામ ખેતી-કામ માટે ગોધરિયાઓને ફાવટ આવી ગઈ એમ ગમ્મે તેવા કપરા કાળમાં પણ ચૂંટણી જીતવાની ભાજપને ફાવટ આવી ગઈ છે. ભાજપ ‘બૂથ’ લેવલેથી ધ્યાન આપે છે જ્યારે વિપક્ષ કોંગ્રેસનું ધ્યાન ‘જૂથ’ લેવલે જ અટકી જાય છે. પ્રત્યેક ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસ આત્મમંથન કરવાનું ડહાપણ ડોળે છે પણ રીઢા રંડાપા પછીની આ તેની જૂની ટેવ છે. કોંગ્રેસમાં આત્મા કે મંથન કરી શકે તેવું મન (દિમાગ) બચ્યું છે ખરું? છાપેલ કાટલાં જેવા ચહેરાઓ નેતા બની બેઠા છે, માંહોમાંહ ટાંટિયાખેંચ તેમની રોજિંદા મુખ્યપ્રવૃતિ બની છે. અમિત ચાવડા રાહુલ ગાંધીનું જ કહ્યું કરે છે અને રાહુલ ગાંધીનું કહ્યું કોંગ્રેસમાં કોઈ કરતું નથી! અમિત ચાવડાએ ગઈકાલે સોગિયા ડાચાં સાથે કહ્યું કે હાઈકમાન્ડ કહેશે તો હું રાજીનામું આપી દઈશ. મતલબ કે નૈતિકતાની અપેક્ષા ન રાખશો. જે પક્ષનાં મોભીએ પોતાના અધ્યક્ષપદ હેઠળ લગભગ તમામે તમામ ચૂંટણીઓ હારી પક્ષને નામશેષની કગાર પર મૂકી દીધા છતાં નફ્ફટ થઈ ગાદીએ ફેણ ચડાવીને બેઠા રહે એ પક્ષ છાશવારે મુખ્યમંત્રીને રાજીનામું આપવાનો બકવાસ કર્યા કરે, કોણ ભોજિયો ભાઈ સાંભળે? ‘દિમ્મક’ની જેમ ખોતરી ખાનારી આવી બદ્દીઓએ જ કોંગ્રેસને વિપક્ષને લાયક પણ રાખ્યો નથી. આવા ‘ભસ્માસૂરો’ના કારણે લોકશાહીમાં સૌથી વધુ વેઠવું પડે વિપરીત વિચારધારાવાળા અને વાસ્તવિક સમસ્યાઓ સામે અવાજ ઉઠાવનારા પીડિત, શોષિત, વંચિત નાગરિકોને! લાખ પ્રયાસો અને સમર્થન આપવા છતાં વિપક્ષ મજબૂત ન બને તો પ્રજા કરે શું? તરસ્યા ઘોડાને નદી સુધી તેનો અસવાર લઈ જાય પછી પાણી તો ઘોડાએ પોતે જ પીવું પડે કે નહીં? નરી વાસ્તવિકતા સમજ્યાં છતાં કોંગ્રેસ કે વિપક્ષે સુધરવાનું નામ લેવું ના હોય તો એમ જ કહેવું ઉચિત છે કે કોંગ્રેસ પણ ભાજપનાં જ લાગની છે! પક્ષમાં કોઈ નવા, શિક્ષિત, બે-દાગ, પ્રખ્યાત, પ્રમાણિક અને ખરા અર્થમાં લોકસેવાની પ્રબળ ઝંખનાવાળો ભૂલેચૂકેય આગળ આવી ન જાય તે માટે કોંગ્રેસ હાઈકમાન્ડ સદૈવ સજાગ રહે છે. વળી ચૂંટણી સિવાયના દિવસોમાં કોંગ્રેસી નેતાઓ બે જ સ્થળે જોવા-જાણવા મળે: પેલેસમાં કે પેપર્સમાં. દૂધમાં સાકર ભળે એમ ભાજપની જેમ પ્રજામાં ભળી જવાની ભૂલ કોંગ્રેસીયા કદાપિ નથી કરતા. પરિણામે ભોગવવાનો વારો પક્ષને તો આવે જ છે પણ ખરી વેદના વેઠે છે-પીડિત પ્રજા! તેની પાસે સક્ષમ વિપક્ષનો વિકલ્પ પણ રહ્યો ન હોઈ, શાસક પક્ષ બેફામ વર્તે તો પણ તેને સહન કર્યા સિવાય છૂટકો નથી રહેતો. કેમ કે ચૂંટણી જીતવા કમિટેડ વોટર્સ સહિતની ફોર્મ્યૂલા હરીફ પક્ષે હાંસલ કરી લીધી છે. ગુજરાતની પ્રજા મજબૂત વિપક્ષ ઈચ્છે જરૂર છે પરંતુ, વિપક્ષમાં ય મજબૂતાઈ દેખાવી તો જોઈએ. તાણી કાઢેલાઓ તલવાર શું ખાક તાણવાના? ગામના ઉતાર જેવા નેતાઓ પીડિત પ્રજાનું ભલુ શું ખાક કરવાનાં? વિપક્ષનો એ આક્ષેપ જ બેબૂનિયાદ છે કે લોકતંત્ર (લોકશાહી) જીવતી રાખવા પ્રજાએ વિપક્ષને મજબૂતી બક્ષવી જોઈએ. સંજીવની ચાહે હિમાલયના શિખરેથી લઈ આવો, મૂર્છિત હોય ઈ ભાનમાં આવે. મડદાં બેઠા થાય? ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી વિપક્ષ મડદૂં થઈને પડ્યો છે. પ્રજાએ નવો વિકલ્પ શોધવો પડશે. મૂઈ ર્માંને ધાવવાથી કોઈના પેટ ભરાવાનાં નથી!

લાભ, શુભ, ઉદ્વેગ ના જોયું કશું
યાદ આવી જોવા મધરાતે ગયા
ત્યાં હતો માહોલ આનંદી ઘણો
ને અમે ભીના નયન સાથે ગયા
આંખમાં એની તલબ મારી ન જોય,
તો થયું ખોટા મુલાકાતે ગયા
હોંશ ખોઈ ભીતરે ગ્યાં’તા અમે,
એમ પાછા પગલે ઘરભેળા થયાં
-કાજલ કાંજિયા ‘ફિઝા’

રિલેટેડ ન્યૂઝ