આર્થિક ભીંસથી કંટાળી બે યુવાનોનો આપઘાત

રાજકોટમાં મહામારીથી સર્જાયેલી મહામંદી વધુ બે માનવ જિંદગી ભરખી ગઈ

ચાર બહેનોના એકના એક ભાઈએ એસિડ અને અને ત્રણ સંતાનોના પિતાએ ઝેર પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોક

કોરોના કાળથી સર્જાયેલી મહામંદી અનેક માનવ જિંદગી ભરખી ગઈ હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે રાજકોટમાં આર્થિક ભીંસથી કંટાળી બે યુવાને ઝેર પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલી મોચી બજાર વિસ્તારમાં રહેતા દીપકભાઈ કિશનભાઈ વાઘેલા નામના 21 વર્ષના યુવાને
બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે એસિડ પી લીધું હતું. યુવાનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. આ અંગે પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. અને મજૂરી કામ કરીપરિવારને આર્થિક મદદ કરતો હતો. પરંતુ કોરોના કાળમાં સર્જાયેલી મહામંદીના કારણે આર્થિક ભીંસમાં સર્જાતા એસિડ પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં
રાજકોટના કોઠારિયા ચોકડી પાસે આવેલ ગણેશ સોસાયટીમાં રહેતા રાજુભાઈ છગનભાઈ વઘાસીયા ઉ.40એ બપોરે વરૂણ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં માલધારી ફાટક પાસે ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા પરંતુ ટુકી સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પૂછતાછમા રાજુભાઈએ ફાયનાન્સમાંથી લોન લઇ મશીન ખરીદ કર્યું હતું પરંતુ લોકડાઉનને લીધે ધંધા બંધ થઇ જતા મંદી આંટો લઇ ગઈ હતી પરિણામે લોનના હપ્તા ભરવા માટે મશીન પણ વેચી નાખ્યું હતું લોનના હપ્તા ચડત થઈ જતા તે કેમ ભરપાઈકરવા તેવી ચિંતામાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે મૃતક ત્રણ ભાઈઓમાં નાના હતા તેઓના મોતથી બે દીકરીઓ અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ