ખંભાળિયામાં રૂા.11.36 લાખના અનાજના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

202.50 મણ ચોખા, 181.50 મણ ઘઉંના અને ત્રણ મોટરકાર જપ્ત કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગેરકાયદેસર મનાતા સસ્તા અનાજના ઘઉં તથા ચોખાના વિશાળ જથ્થા સાથે અહીંના ડીવાયએસપી તથા સ્ટાફે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 11.76 લાખનો મુદ્દામાલ હાલ કબજે લઇ, વિવિધ દિશામાં તપાસ આરંભી છે.
આ ચકચારી બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી
વિગત મુજબ ખંભાળિયા નજીકના સલાયા માર્ગ પર રિલાયન્સ સર્કલ પાસે રવિવારે રાત્રીના આશરે સાડા નવ વાગ્યે ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફ દ્વારા હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના રત્નાભાઈ કોડિયાતર તથા ઓમદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ હાઈવે માર્ગ પરથી સસ્તા અનાજની દુકાનનો ઘઉં તથા ચોખાનો શંકાસ્પદ જથ્થો જઈ રહ્યો હોવાનું ધ્યાને આવતા આ અંગે પોલીસ દ્વારા સલાયા તરફથી આવી રહેલી એક આર્ટિકા તથા બે અલ્ટો મોટરકારને અટકાવી તેનું ચેકિંગ કર્યું હતું.
રાત્રીના આશરે દસેક વાગ્યે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં ત્રણ મોટરકારમાંથી સસ્તા અનાજનો મનાતો ઘઉં તથા
ચોખાનો મોટા પ્રમાણમાં જથ્થો પોલીસને સાંપડયો હતો.
આ અંગે પોલીસ દ્વારા ત્રણેય મોટરકાર ચાલકને અટકાવી અને સઘન પૂછપરછ કરવામાં આવી હતી જેમાં જી.જે. 36 એફ. 0222 નંબરના આર્ટિકા કારના ચાલક અત્રે
યોગેશ્વરનગરમાં રહેતા નિલેશ ભરતભાઈ દત્તાણી (ઉ.વ. 33) ની પૂછપરછ સાથે કારમાં ચેકિંગ કરતા આ મોટરકારમાંથી રૂપિયા 3600 ની કિંમતના ચોખાના ત્રણ બાચકા તથા 4200 ની કિંમતના ઘઉંના સાત બાચકા મળી આવ્યા હતા. આ સાથે પોલીસે રૂપિયા સાત લાખની કિંમતની આર્ટિકા મોટરકાર સાથે નિલેશ ભરતભાઈ દત્તાણીની અટકાયત કરી હતી.
જ્યારે અન્ય એક અલ્ટો મોટરકાર નંબર જી.જે. 10 એસી. 8299 ના ચાલક અત્રે યોગેશ્વરનગરમાં રહેતા વિરેન
હસમુખભાઇ ઉનડકટ (ઉ.વ. 30) ની પૂછપરછમાં આ મોટરકારમાંથી રૂ. 3600 ની કિંમતના ચોખાના ચાર બાચકા તથા રૂપિયા 1350 ની કિંમતના ઘઉંના ત્રણ બાચકા ઉપરાંત રૂપિયા એક લાખની અલ્ટો મોટરકાર પોલીસે કબજે કરી હતી.



ઉપરાંત અન્ય એક અલ્ટો મોટરકાર નંબર જી.જે. 03 એચએ 5434 માંથી પણ રૂપિયા 7500 ની કિંમતના ચોખાના પાંચ બાચકા તથા રૂપિયા ત્રણ હજારની કિંમતના ઘઉંના ચાર બાચકા ઉપરાંત રૂપિયા બે લાખની કિંમતની અલ્ટો મોટરકાર પણ
કબજે કરી, પોલીસે કાર ચાલક અત્રે બેઠક રોડ પર રહેતા આશિષ રતિલાલ તન્ના (ઉ. વ. 30)ની અટકાયત કરી હતી.
ઝડપાયેલા આ શખ્સોની વધુ પૂછતાછમાં તેઓએ જણાવેલ કે અત્રે હરસિદ્ધિનગર વિસ્તારમાં રહેતા અને
માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા પ્રશાંત બાબુલાલ રાયચુરા તથા નવલ પાલાભાઇ ગઢવીએ ભાગીદારીમાં ધંધો કરી આ સિવાયનો ઘઉં તથા ચોખાનો જથ્થો નજીકની એક દુકાનમાં વેચવા માટે રાખેલ હોવાનું જણાવતા પોલીસ દ્વારા માર્કેટીંગ યાર્ડની બહાર આવેલી એક દુકાનમાં ચેકીંગ કરી, તેમાંથી પણ ચોખાના 63 મોટા બાચકા તથા 24 નાના બાચકા મળી કુલ રૂપિયા 1,06,650ની કિંમતના 177.75 મણ ચોખાનો જથ્થો હાલ કબજે કર્યો છે હતો.
આ ઉપરાંત આ
સ્થળેથી ઘઉંના 52 મોટા બાચકા તથા 24 નાના બાચકા મળી કુલ રૂપિયા 45,900 ની કિંમતના 153 મણ ઘઉંનો જથ્થો પોલીસે કબજે કર્યો છે.
આમ, પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ ચેકિંગ કાર્યવાહીમાં ત્રણેય શખ્સો પાસેથી
શંકાસ્પદ સરકારી સસ્તા અનાજની દુકાનનો મનાતો રૂપિયા 1,21,350 ની કિંમતનો 202.50 મણ ચોખા તથા રૂ. 54,450 ની કિંમતનો 181.50 મણ ઘઉંનો જથ્થો ઉપરાંત રૂપિયા દસ લાખની કિંમતની ત્રણ મોટરકાર મળી કુલ રૂપિયા 11,75,800 નો મુદ્દામાલ સીઆરપીસી કલમ 102 મુજબ શકપડતી મિલકત તરીકે કબજે કર્યો છે. જેમાં માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી દુકાનમાંથી મળી આવેલા ઘઉં તથા ચોખાનો જથ્થો તપાસ અર્થે આ જ દુકાનમાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ત્રણેય શખ્સો સામે સીઆરપીસી કલમ 41 ડી મુજબ ધોરણસર અટક કરી, આગળની તપાસ ખંભાળિયા પોલીસને સોંપવામાં આવી છે.
સસ્તા અનાજના ગરીબોને આપવામાં આવતા ઘઉં તથા ચોખાનો આ જથ્થો પગ કરીને ખુલ્લી
બજારમાં કઈ રીતે આવ્યો, તે મુદ્દે પોલીસ તથા પુરવઠા વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણે ભારે દોડધામ સાથે ચકચાર પ્રસરાવી છે.





રિલેટેડ ન્યૂઝ