રાજકોટ લોકમેળો કરવા સરકારની મંજૂરી લેવાશે : કલેકટર

રાજય સરકારને દરખાસ્ત મોકલાશે ; મંજૂરી પછી જ મેળાની તૈયારી શરૂ કરાશે

અનલોક-1માં વેપારીઓના વેપાર-ધંધા માટે સમય વધારવા સરકારનું ધ્યાન દોરાશે

રાજકોટ તા,4
રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા યોજાતા જન્માષ્ટમીના લોકમેળો કરવો કે નહીં તે અંગે તંત્ર દ્વિધામાં મુકાયું છે. કોરોનાના ખતરાના પગલે લોકમળામાં ઉમટતી માનવમેદનીને ધ્યાનમાં રાખીને મેળા માટેની પરવાનગી રાજય સરકાર પાસેથી લેવામાં આવશે. સરકારની મંજુરી મળશે તોજ મેળો કરવામાં આવશે તેવી સ્પષ્ટ વાત આજે જિલ્લા કલેકટર રેમ્યા મોહને કરી હતી.
કોરોના મહામારીના ખતરા વચ્ચે
રાજકોટ સહિત રાજ્યભરમાં ધાર્મિકમેળા, સભાસરઘસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે આગામી જન્માષ્ટમીનો લોકમેળો કરવો કે નહીં તે માટે જિલ્લા કલેકટરે રાજ્યસરકાર પાસેથી માર્ગદર્શન માગ્યું છે. રાજ્યસરકારને પૂર્વ મંજુરી વગર રાજકોટનો પરંપરાગત મેળો કરવામાં આવશે નહીં.
જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દર વર્ષે રાજકોટમાં જન્માષ્ટમીનો
પાંચ દિવસીય લોકમેળો જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યોજવામાં આવે છે. મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે 8 થી 10 લાખ લોકો મુલાકાતે આવે છે ત્યારે ચાલુ વર્ષે કોરોના મહામારીના ખતરાના કારણે મેળો કરવો કે નહીં તે અંગે તંત્ર મુંઝવણમાં મુકાયું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ છેલ્લા કે મહિનાથી વધી ગયું છે શહેર વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તાર સુધી કોરોનાનો પગપેસારો થઇ ચૂક્યો છે.ગ્રામ્ય વિસ્તારમાંથી રોજના સંખ્યાબંધ કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે રાજય સરકારની સ્પષ્ટ સુચના છે કે ભીડ થાય તેવા એકપણ કાર્યક્રમો કરવા નહીં પરંતુ જન્માષ્ટમીનો તહેવાર અને તેમાં પણ રાજકોટનો
પરંપરાગત લોકમેળા માટે સરકારની મંજૂરી લેવામાં આવશે.
ટુંકસમયમાં જ મેળા માટેની દરખાસ્ત રાજય સરકારને મોકલી દેવામાં આવશે. કારણ કે મેળાની તૈયારી માટે પણ તંત્ર પાસે પુરતો સમય હોવો આવશ્યક છે. દર
વર્ષે મેળામાં ફજત ફાળકા, ચકડોળ, રમકડાં ખાણી-પીણીના 300થી વધુ સ્ટોલ માટે હરાજી કરવામાં આવે છે. જો સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તો તંત્ર દ્વારા હરાજી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજકોટના લોકમેળામાં સૌરાષ્ટ્ર ઉપરાંત વેપાર-ધંધા માટે પરપ્રાંતના વેપારીઓ પણ આવતા હોય છે. મેળામાં આવા વેપારીઓને સ્ટોલ આપવા કે નહીં આ સહિતનું માર્ગદર્શન રાજય સરકાર પાસેથી લેવામાં આવશે.
મેળા આડે હજુ 60 દિવસનો સમય છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીને પહોંચી વળવા સક્ષમ છે.
જિલ્લા કલેકટર રેમ્યા મોહને વધુમાં જણાવ્યું હતું કે અનલોક-1માં રાજય સરકાર દ્વારા વેપારીઓને વેપાર - ધંધા
માટેની છૂટ આપવામાં આવી છે. સવારના 8 થી સાંજના 7 સુધી કોઇપણ પાસ પરમીટ વગર વેપારીઓ પોતાનો ધંધો શરૂ કરી દીધો છે. પરંતુ સાંજના 7 પછી કેટલાક ધંધાદારી વેપારીઓના વેપાર શરૂ થતા હોય છે. આથી તેઓની રજુઆત મળી છે તે મુજબ સરકારને સાંજના 7 પછી વધારાની બે કલાકનો સમય વધુ આપવાની સૂચન કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ