હવે દર વર્ષે માંડવીમાં પણ બીચ ફેસ્ટિવલ યોજાશે: રૂપાણી

અમદાવાદ, તા.14
હવે પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે જ માંડવીમાં પણ ટેન્ટ સિટી સાથે આ માંડવી બીચ ફેસ્ટીવલ યોજાશે એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કચ્છના માંડવીના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલનો અને ટેન્ટ સિટીનો આરંભ કરાવતાં કહ્યું હતું. મુખ્ય પ્રધાને એવું પણ કહ્યું હતું કે, જે રીતે કચ્છનું સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટ વિશ્ર્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે તેમ જ આ વ્હાઇટ સેન્ડ બે બીચને પણ વર્લ્ડ ટુરિઝમ એટ્રેકશન બનાવવો છે.
રૂપાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વર્ષના બજેટમાં કચ્છના ધોળાવીરાનો આઇકોનીક પ્લેસ તરીકે વિકાસ કરવાની કરેલી જાહેરાતથી સમગ્ર કચ્છ પ્રદેશના પ્રવાસન-ટુરિઝમ સેકટરને નવું બુસ્ટ મળશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો કરતા વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં રણોત્સવ ઉપરાંત ધોળાવીરા, માતાના મઢ, ભદ્રેશ્ર્વર, નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહતિની સમગ્ર ટુરિઝમ સરકીટ વિકસાવીને કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિના સર્વગ્રાહીના વિકાસથી રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને નવી દિશા અપાશે. તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ મૂઝિયમના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરવાની સાથે કહ્યું હતું કે, કચ્છડો બારે માસ… એ ઉક્તિ સાર્થક કરાશે. રણોત્સવ અને આ માંડવી ટેન્ટ સિટી બે બીચ ફેસ્ટિવલના નવા કોન્સેપ્ટથી સમગ્ર કચ્છનું જનજીવન ધબકતું -વાયબ્રન્ટ બનશે. રણ ઉત્સવને ભવ્ય પ્રતિસાદ સાંપડતાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માંડવી દરિયાકિનારે તા. 13 ફેબ્રુઆરીથી બે મહિના સુધી માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સફેદ રણની મુલાકાત લેતાં પ્રવાસીઓ હવેથી કચ્છના દરિયાકિનારાની મજા પણ માણી શકશે. પ્રવાસીઓ દરિયા કિનારે રાત્રિ-રોકાણ કરી શકે તે માટે પપ ટેન્ટ સાથેના ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. એસી પ્રિમિયમ, મીની દરબારી, એસી ડિલક્ષ, નોન-એસી ડિલક્ષ ટેન્ટનો આમાં સમાવેશ
થાય છે. આ પ્રસંગે અવસરે પ્રવાસન રાજ્ય પ્રધાન વાસણભાઇ આહિર, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ