ડી.જી.ની મંજુરી વગર પી.આઈ., પી.એસ.આઈ.ની બદલી ઉપર રોક

ગાંધીનગર તા,8
રાજ્યના જિલ્લા અને શહેરોમાં કોઇ પણ પીઆઈ અને પીએસઆઈની આંતરિક બદલી કરવી હોય તો તેના પૂરતા કારણો સાથેની દરખાસ્ત રાજ્ય પોલીસ વડાની કચેરી મોકલવાની રહેશે. આમ સામાન્ય પીઆઈ અને પીએસઆઈની બદલીમાં પણ હવે રાજ્ય પોલીસ વડા પાસે સત્તાનું કેન્દ્રીયકરણ થયાં હોવાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે. હવે પીઆઈ અને પીએસઆઈ અધિકારીઓને ગાંઠશે નહી કે કામ નહી કરે તો પણ બદલી માટે ડીજીની પરવાનગી લેવી પડશે. જોકે સુપ્રીમ કોર્ટમાં થયેલી પિટિશનના ચુકાદામાં જિલ્લા ફેરબદલીની સત્તા પોલીસ એસ્ટાબ્લીશ બોર્ડને આપવામાં આવી છે અને આ બોર્ડની ભલામણ મુજબ બદલી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
રેન્જ કક્ષાએ બદલીઓના પાવર વિપરીત છે પરંતુ રેન્જના વડાઓએ પીઆઇ પીએસઆઇ બદલી કરવાની કાર્યવાહી કરવાની થાય તો પૂરતા કારણો સાથે ડીજી કચેરીની દરખાસ્ત કરવાની રહેશે અને જો દરખાસ્ત ન કરવામાં આવે તો રેન્જના વડાઓને જવાબદાર ગણવામાં આવશે. જ્યારે કેટલીક જગ્યાએ મહેકમ મુજબ જગ્યા ભરાયેલી હોવા છતાં એટેચના ઓર્ડર થતા હોય છે તેમાં પણ ડીજી ઓફિસની મંજૂરી લેવી પડશે. જિલ્લા અને શહેરોમાં ટૂંકા ગાળામાં પીઆઈ અને પીએસઆઈની બદલી કરવામાં આવે છે તે બદલીઓથી તેમની કાર્યક્ષમતા પર નકારાત્મક અસર કરે છે તેથી બે વર્ષથી ઓછો સમય થયો હોય તો તેમની આંતરિક બદલીઓ કરવી નહી અને જો કરવાની થાય તો ડીજી ઓફિસની મંજૂરી લેવી પડશે. જિલ્લામાં તમામ જગ્યાઓ ભરાયેલી ન હોવા છતાં પીઆઈ અને પીએસઆઈને લીવરિઝર્વ રાખવામાં આવતા હોય છે તેમને પણ હવે રાખી શકાશે નહી. રાજ્યમાં કોઇ પણ જગ્યાએ બદલીઓ થશે તે હુકમ ફેક્સ કે ઇમેઇલથી ડીજી ઓફિસને જાણ કરવાની રહેશે અને નહી કરવામાં આવે તો નાયબ વહીવટી અધિકારી અને કેચરી અધિક્ષકની જવાબદારી નક્કી કરી પગલા લેવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ